મોટા ભાઇને ગંદી ગાળો ન બોલવાનું કહેતા ભાઇ-ભાભીએ મળી નાના ભાઇને પતાવી નાંખ્યો

0
92

પંચમહાલ શહેરાના લાભી ગામના જેસોલિયા ફળિયામાં મોટા ભાઈને નાના ભાઈએ ગંદી ગાળો બોલવા માટે ના કહેતા ખુની ખેલ ખેલાયો હતો. મરણ જનારને પોતાના મોટા ભાઈ તેમજ મોટાભાઈની પત્ની અને સસરાએ ગુસ્સામાં આવીને લાકડીથી અને હાથથી માર મારતા મોત નીપજ્યું હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે આ મામલે 302 મુજબ ત્રણ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે આ બનાવને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

પંચમહાલ શહેરા તાલુકાના લાભી ગામના જેસોલીયા ફળિયામાં રતનભાઇ ધુળાભાઈ પગી અને તેના નાના ભાઈ નરવત ધુળાભાઈ પગી બન્નેના ઘર એકબીજાને અડીને આવેલા છે. જ્યારે મોટાભાઈ રતન ગંદી ગાળો બોલતો હોવાથી નાનાભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. ત્યારબાદ રતન પોતાના ઘરે જઈને ગુસ્સામાં ઘરેથી લાકડી લઈને આવીને નરવતને છાતીના ભાગે માર મારવા લાગ્યો હતો. તે સમયે મોટાભાઈની પત્ની કૈલાશબેન તેમજ તેના સસરા બળવંતભાઈ નાથાભાઇ પગી તેઓ પણ આવી જઈને મોટાભાઈને કેમ સામે બોલે છે. તેમ કહીને નરવતને માર મારવા લાગ્યા હતા. તે સમયે નરવત ભાઈની પત્ની સુમિત્રા બેન અને તેની માતા ગંગાબેન છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માર મારવાનુ શરૂ કરતાં તેઓ સ્થળ છોડીને ભાગી ગયા હતા. જ્યારે લાકડી તેમજ મારના કારણે ઘર આંગણે નરવત પગીનુ મોત નીપજ્યું હતુ.

આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.ભરવાડ, રણજીતસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મરણ જનાર નરવત ભાઈ ધુળાભાઈ પગીની લાશને પોસ્ટ મોર્ટમ માટે બ્લોક હેલ્થ કચેરી ખાતે મોકલવામાં આવી હતી. પોલીસ મથક ખાતે સુમિત્રાબેન પગીએ પોતાના પતિની હત્યા કરીને ફરાર થનાર રતનભાઇ ધુળાભાઈ પગી તેમજ પોતાની સગી બહેન કૈલાશબેન તેમજ પોતાના પિતા બળવંતભાઈ નાથાભાઈ પગી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 302 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here