કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળી પછી સ્કૂલો- કોલેજો ખોલી ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવા સુચના આપ્યાના બીજા જ દિવસે ગુરુવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ચૂડાસમાએ કહ્યુ કે, કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ક્લાસરૂમોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા આ બેઠકમાં ચર્ચા થઈ છે અને સોમવાર પછી સ્કૂલ- કોલેજો અને વિદ્યાર્થીઓની તકેદારી માટે સ્ટાન્ડર્ડ ઓપેટેરિંગ પ્રોસિજર- SOP જાહેર કરવામાં આવશે.
ર્સ્વિણમ સંકૂલમાં મળેલી બેઠકમાં સ્કૂલ- કોલેજોમાં ઓડ- ઈવન અર્થાત એક જ વર્ગખંડના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી, બે ભાગમાં વહેંચી સોમ-બુધ-શુક્ર અને મંગળ-ગુરુ-શનિ એ સપ્તાહમાં ત્રણ- ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, શરૂઆતના તબક્કે માત્ર ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન અને તકનીકી વિષયો માટે જ ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરીને બાકીના મૌલિક, વાંચન આધારિત ભાષા-સમાજવિદ્યા જેવા વિષયો માટે ઓનલાઈન શિક્ષણ યથાવત્ રાખવા પણ વિચાર રજૂ થયો છે.
શિક્ષણ મંત્રી ચૂડાસમાએ કહ્યુ કે, ભારત સરકારની તમામ સૂચનાઓ અને SOPને ધ્યાને રાખીને જ ગુજરાત માટે નિર્ણય થશે. SOP તૈયાર થયા બાદ સ્કૂલો-કોલેજો દિવાળી પછી ક્યારે શરૂ કરવી તે સંદર્ભે આખરી નિર્ણય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યા બાદ થશે.
જયંતી રવિના આંકડા જુઠ્ઠા, સરકારી રિપોર્ટ પર ભરોસો નથી
આંધ્રપ્રદેશમાં ૨જી નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ થઈ છે. ત્યાં માત્ર ત્રણ જ દિવસમાં ૩૦૦ વિદ્યાર્થી અને ૧૬૦ કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત હોવાનું જાહેર થયું છે. ગુજરાતમાં આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતી રવિ કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યાનો રિપોર્ટ અખબારી યાદી મારફતે જાહેર કરે છે. જો કે, તેમના આ આંકડાઓ સામે શિક્ષણ વિભાગના અધિકારીઓને જ ભરોસો નથી. એક અધિકારીએ તો દિવાળી પછી સ્કૂલો-કોલેજો ખોલ્યા પછી વિદ્યાર્થીમાં કોરોના વકર્યો તો તેના માટે જંયતી રવિને જવાબદાર રહશે એમ ઉપરી અધિકારીને સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવ્યાની પણ ચર્ચા છે.