રાજકોટમાં કોરોનાના ઈન્જેક્શન કાળાબજારમાં વેચવાનું ચોથું કૌભાંડ

0
44

– અઠવાડિયામાં ત્રણ-ત્રણ કારસ્તાનો બહાર આવ્યા બાદ

– પેઢીના સંચાલક પરેશ ઝાલાવાડિયાની અટકાયત, ઝાયડસ કંપનીના એમઆરની સંડોવણી ખૂલી

– મોટી ટાંકી ચોક સ્થિત ન્યુ આઈડલ એજન્સીએ આયુર્વેદીક તબીબને કોરોનાના ૨૪ ઈન્જેક્શનો વેચ્યાના ખોટા બિલો બનાવી નાખ્યારાજકોટ,


કોરોનાની સારવાર દરમિયાન ક્રિટીકલ થતાં દર્દીને રેમડેસીવીર સહિતના ઈન્જેક્શનો આપવામાં આવે છે. કેટલાક લેભાગુ અને લાલચુ તત્ત્વોએ આ ઈન્જેક્શનોની કૃત્રિમ અછત ઊભી કરી તેને કાળાબજારમાં વેચવાના કારસ્તાનો શરૂ કર્યા છે. શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આવા ત્રણ કૌભાંડો અગાઉ ઝડપાયા બાદ આજે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મોટી ટાંકી ચોક ખાતે ન્યુ આઈડલ એજન્સી નામના દવાના હોલસેલર દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારમાં વેચી આયુર્વેદીક તબીબના નામે બોગસ બીલ બનાવ્યાનું બહાર આવ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચે પેઢીના માલિક પરેશ ઝાલાવાડિયાની અટકાયત કરી તપાસ જારી રાખી છે.

આ અગાઉ થીયોસ ફાર્માસ્યુટીકલ કંપનીના માલિક સચિન પટેલ અને ઝાયડસ કેડીલા કંપનીના એમઆર રજનીકાંત પટેલ દ્વારા કોરોનાના ઈન્જેક્શનો બારોબાર વેચી શુભમ અને વેદાંત હોસ્પિટલના ખોટા બીલો બનાવાયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં આ બંને આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દવાના હોલસેલરોએ વેચેલા કોરોનાના ઈન્જેક્શનોનું ક્રોસ વેરીફીકેશન કરતા આવું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ન્યુ આઈડલ એજન્સીની સંડોવણી બહાર આવી છે.

રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્ક, શેરી નં.૨માં રહેતા ડો.આનંદ હસમુખભાઈ ચૌહાણ બીએએમએસ છે. જામનગર હાઈવે પર નંદનવન સોસાયટીમાં વર્ધમાન કોમ્પ્લેક્સમાં આનંદ ક્લિનીક નામે પ્રેક્ટીસ કરે છે. તે નિયમ મુજબ કોરોનાના દર્દીઓની સારવાર ન કરી શકે. આમ છતાં ન્યુ આઈડલ એજન્સી દ્વારા ડો.ચૌહાણને વેચવામાં આવેલા રેમડેસીવીર ઈન્જેક્શનના બે બીલો ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મળી આવ્યા હતા. એક બીલમાં રૂા.૩૮૭૨૮ની કિંમતે ૨૦ ઈન્જેક્શનો અને બીજા બીલમાં રૂા.૭૭૪૫ની કિંમતે ૪ ઈન્જેક્શનો વેચાયાની વિગતો લખેલી હતી. 

આ બીલના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડો.ચૌહાણને ત્યાં તપાસ કરતા તેણે કહ્યું કે, પોતે આયુર્વેદીક તબીબ છે. કોરોનાના પેશન્ટની સારવાર કરતા નથી. આ માટે તેની પાસે મંજૂરી પણ નથી. આમ છતાં તેના નામે ૨૪ ઈન્જેક્શનના ખોટા બીલ ન્યુ આઈડલ એજન્સીએ બનાવી નાખતા પેઢીના સંચાલક સામે ક્રાઈમ બ્રાંચે ડો.ચૌહાણની ફરિયાદ પરથી આઈપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો દાખલ કર્યો હતો. 

તત્કાળ પેઢીના માલિક પરેશ ઝાલાવાડિયાની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે થીયોસ ફાર્માસ્યુટીકલના કૌભાંડમાં હાલ જેલહવાલે થયેલા ઝાયડસ કેડિલાના એમઆર રજનીકાંત પટેલને ૨૪ રેમડેસીવીર ઈન્જેક્શનો આપી ડો.ચૌહાણના નામનું ખોટું બીલ બનાવી નાખ્યાની કબૂલાત આપી છે. તેણે કાળાબજારમાં ઈન્જેક્શનો વેચવા માટે ખોટા બીલ બનાવ્યાની ઢ શંકા સાથે ક્રાઈમ બ્રાંચે તપાસ જારી રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here