આદિવાસીઓ ક્યારેય વ્યક્તિ પૂજામાં માનતા નથી, આદિવાસીઓના દેવ દેવી એ પ્રકૃતિ તત્ત્વો અને પોતાના પૂર્વજો જ હોય છે. આદિવાસીઓ જળ, જંગલ, જમીન, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, આગ વગેરેને જ દેવ માને છે. પ્રાકૃતિક દેવના પ્રતિક તરીકે આદિવાસીઓની લાકડું કે પથ્થરનો ઉપયોગ કરે છે જેમાં અલગ અલગ વિસ્તારમાં વિવિધતા જોવા મળે છે, એ સિવાય આદિવાસીઓ પોતાના જે પૂર્વજો જેમણે ખેતી કરતા શીખવ્યું, આદિકાળથી ચાલતી આવતી ઔષધીય જાણકારી આપી, સંગીત નૃત્યની જાણકારી આપી એના માન રૂપે આદિવાસીઓ વર્ષમાં અલગ અલગ દિવસોએ પોતે કરેલા ખેતીના પાકોની કાપણી કરી લે છે. ત્યારબાદ પોતાના પૂર્વજોને એ ધાન્ય આપે છે અને એમનો આભાર માને છે.
વાઘબારસમાં આદિવાસીઓ પોતાના પાલતું દુધાળા પશુઓના તેમજ માનવના રક્ષણ માટે ‘વાઘ’ ને પણ જીવતા દેવ તરીકેનો દરજ્જો આપી વાઘદેવને પૂજા કરે છે, કે હે વાઘદેવ મારા પશુઓને નુકશાન કરશો નહીં. વાઘબારસ એ ખેતી અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ જંગલી પશુઓથી માનવ સમુદાય તેમજ પાલતુ જાનવર ના રક્ષણ કાજે ‘વાઘ’ ને જીવતા દેવ તરીકેનો દરજ્જો આપી વાઘદેવને રીઝવવા માટે એની પૂજા કરી પરંપરાગત રીતે ઉજવાતો પર્વ છે.
આદિવાસી સમાજની પરંપરાઓમાં જ્ઞાન, વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ઔષધીય જ્ઞાનનો સમન્વય જોવા મળે છે. આદિવાસીઓના વિવિધ પર્વમાં, પ્રકૃતિચક્ર આધારિત માનવજીવન સુવ્યવસ્થિત પાસાઓ સાથે વણાયેલું હોય છે, આદિકાળથી પેઢી દર પેઢીથી આદિવાસી સમાજ ‘વાઘ બારસ’ ઉજવતો આવ્યો છે. આ પર્વ સાથે ચોક્કસ માન્યતા અને વણાયેલી હોય છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત છે. આદિવાસી વિસ્તારમાં થઈને વિવિધ પર્યટન સ્થળોએ જતા રસ્તામાં વાઘ દેવનું થાનક જોવા મળે છે.
વાઘ દેવને પુજવાનો આ દિવસ એ આદિવાસી સમાજ માટે મહત્વનો બની રહે છે. હાજર રહેલા દરેક આદિવાસીઓમાં આ પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે. ભગત વિધિ કરાવે જેમાં આસપાસના ગામોમાં જંગલી પ્રાણીઓએ માનવી કે પાલતુ પશુઓ પર હુમલા કર્યા હોય એનું વર્ણન પણ કરવામાં આવે છે. બનેલ વાઘ અને ભાલુડાને કમરે કાપડમાં પાનગા/ભાખરા તેમજ કાચા ચોખા બાંધી આપવામાં આવે છે.
પૂજા સ્થળે આ બંનેને તિલક કર્યા બાદ ત્યાં લાવવામાં આવેલ પશુઓને તે જગ્યાએ ભેગા પ્રદક્ષિણા કરવામાં આવે છે એ સમયે ઔષધિઓનો છંટકાવ કરવામાં આવે છે. લોટમાંથી બનાવેલ પાનગા, ભાખરાનું (પાનગા,ભાખરા એ આદિવાસીઓનું સર્વપ્રથમ પકવેલ રોટલાનો પ્રકાર છે, જેમાં ધાન્યના લોટને બાંધીને ગોળ રોટલા બનાવી પાનમાં બાંધીને આગ પર શેકવામાં આવે છે અને એજ પહેલાં પકવેલ ધાન્ય ખોરાકને આદિવાસીઓ આજ સુધી આ રીતે જાળવી રાખે છે) સમુહ ભોજન થાય અને વધેલું વનઔષધ લોકો ઘરે લઈ જઈને જ્યાં પશુઓ રાખતા હોય ત્યાં છટકાવ કરે છે.
આમ, આદિવાસી સમાજમાં વાઘબારસની ઉજવણી વિશિષ્ટ રીતે થતી હોય છે, સંપૂર્ણ તર્ક આધારિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત પરંપરા સાથે વનઔષધિ તેમજ જંગલીપ્રાણીઓ સાથે સુમેળ ભર્યા વ્યવહારની આ પર્વની ઉજવણી આદિવાસીઓ દ્વારા આદિકાળથી પરંપરાગત રીતે થતી આવી છે. જળ જંગલ અને જમીનને સાચવનારા પ્રકૃતિ પૂજક આદિવાસીઓનો આ પ્રકૃતિ સાથેનો કુદરતી વ્યવહાર છે.