લક્ષ્મીજી આપણી ભીતર મોજૂદ છેઃ આજે દીપાવલી છે

0
74

દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજનનો દિવસ છે. સમુદ્રમંથન દરમિયાન જે ૧૪ રત્નો સમુદ્રમાંથી બહાર નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં.

આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં આ અનુપમા લક્ષ્મીજીને ભગવાન શ્રી વિષ્ણુએ અર્ધાંગિનીના સ્વરૂપે સ્વીકાર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવી દીધું હતું. આ કાળી અંધારી રાત્રિએ જ આપણે પ્રતિવર્ષ સમગ્ર વાતાવરણને દીવડાઓથી પ્રજ્વલિત કરીને મા મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ. પૂજન પણ કરીએ છીએ.

આ પાવન દિવસે આંબા અને અશોક વૃક્ષનાં પાંદડાંઓનું તોરણ બનાવી તેને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવાથી ધનધાન્યની વૃદ્ધિ, વંશવૃદ્ધિ તથા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજી શુક્ર ગ્રહનાં કિરણોથી આકૃષ્ઠ થાય છે પૂજન વખતે નવી સ્યાહીનો ઉપયોગ કરવો જરૂરી છે. ચાદર ઈત્યાદિ વસ્ત્રો સફેદ રંગનાં હોવાં જોઈએ.

આજનો દીપાવલીનો તહેવાર દેશના લોકો વીતેલા વર્ષનાં તમામ દુઃખો ભૂલી જઈને પણ આનંદ અને ઉલ્લાસથી ઊજવે છે. દીપાવલી એ પ્રકાશપર્વ છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. આજે ઘેર ઘેર દીવડાં પ્રગટાવવામાં આવે છે ત્યારે એ વાત સમજી લેવાની જરૂર છે કે દીપાવલી એ ભૌતિક દુનિયાના જ અંધકારને દૂર કરવાનું નહીં પરંતુ મનના અંધકારને એટલે કે મનના અજ્ઞાનને પણ દૂર કરવાનું પર્વ છે. દીપકને જીવનની પરંપરા અને તમસો મા જ્યોતિર્ગમયને આકાંક્ષાઓનો આધાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જે નવ પ્રકારની પૂજા-અર્ચનાનું વિધાન છે તેમાં દીપપૂજા અને દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

દીવડાં પ્રગટાવવાનું એક આગવું મહત્ત્વ છે. દીપક તન અને મન-એમ બેઉ પ્રકારના અંધકારને દૂર કરે છે. દીપક માત્ર અંધકારને જ દૂર કરે છે એવું નથી પરંતુ અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર અસ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય એ અંધકારમાં માત્ર આ અગ્નિના સહારે જ બચે છે.

આ જ્ઞાનબોધ છાન્દોગ્ય ઉપનિષદમાં આપવામાં આવેલો છે. એક નાનકડો દીપક સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રતિનિધિ બનીને આપણાં ઘરોમાં રોજ તેની દૈવી ભૂમિકા નિભાવે છે. તેનો દેહ ભલે ભૌતિક હોય પરંતુ વસ્તુતઃતે રોશનીનું જ સંતાન છે. ગામેગામ, નગર નગર તે પોતાની દેદિપ્યમાન ભૂમિકામાં સ્થિત અસંખ્ય દીપશીખાઓ એ રોશનીની જ અસંખ્ય પ્રજાઓ છે જે સૂર્ય, સોમ અને અગ્નિ એ ત્રણેયમાં નિહિત વ્યાપક દેવશક્તિના રૂપમાં સૃષ્ટિની પ્રથમ ઉષા સાથે જ સક્રિય થાય છે. રોશની એક ભગવતી શક્તિ છે. રોશનીના પરિવેષમાં જ મનુષ્યની ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાનો સ્વસ્થ અને સમુચિત વિકાસ થાય છે.

અંધકાર કપટ ક્રૂરતાનું પ્રતીક

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે અંધકાર એ કપટ, અસત્ય, કુટિલતા, વ્યભિચાર અને ક્રૂરતાનું પ્રતીક છે. આ પ્રકારના અંધકારને સત્ય, અહિંસા, અપરિગ્રહ અને દાનના દીપકથી દૂર કરવાનું આ પર્વ છે.

જે ઘરમાં ફૂલ પગ નીચે કચડાય છે તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી. જે ઘરમાં સાયંકાળે કજિયા થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. સાયંકાળે લક્ષ્મીનારાયણ ઘરે આવે છે. જે ઘેર ભિખારીનું અપમાન થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. ભિખારીને કાંઈક આપવાની અનુકૂળતા ન હોય તો તેને બે હાથ જોડીને ‘જય શ્રી કૃષ્ણ’ કહો.

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે કે ‘સાયંકાળેસ્ત્રી ઘરમાં માથું ઓળવા બેસે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. સૌભાગ્યવતી સ્ત્રીના કેશમાં લક્ષ્મીજી બિરાજે છે. જે ઘરમાં ઠાકોરજીની પૂજા થાય છે તે વૈકુંઠધામ ગણાય છે. યાદ રહે કે ભગવાન નારાયણને લક્ષ્મીજી વગર ચાલે છે પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નથી. તેથી ઘરમંદિરમાં ભગવાન નારાયણની પૂજા કરવી જરૂરી છે.’

લક્ષ્મીનો એક પર્યાય સ્ત્રી

એ વાત સાચી છે કે દુનિયાનું દરેક સુખ લક્ષ્મીની સાથે જોડાયેલું છે પરંતુ લક્ષ્મીનાં અનેક સ્વરૂપ છે. લક્ષ્મી ધનધાન્યનાં દેવી અને સંસારના પાલનહારી ભગવાન શ્રી વિષ્ણુની નિકટ જ રહેનારાં નારાયણનાં અર્ધાંગિની પણ છે. લક્ષ્મીનો બીજો પર્યાય સ્ત્રી પણ છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન થતું ન હોય તો લક્ષ્મીજીનું અપમાન જ છે. આજે મા લક્ષ્મીના પૂજનની સાથે સાથે ઘરમાં સ્ત્રી સ્વરૂપ લક્ષ્મીનું પણ સન્માન કરીએ.

ખૂબ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે જ્ઞાન દુઃખમાં જ થાય છે. ભગવાન જ જીવને પોતાની તરફ ખેંચવા માનવીને દુઃખ આપે છે. જે સુખમાં ભગવાન ભુલાય તેવી સંપત્તિ ખરેખર તો વિપત્તિ જ છે અને જે દુઃખમાં ભગવાન યાદ આવે તે વિપત્તિ જ સાચી સંપત્તિ છે. સમૃદ્ધિ નામનું પતંગિયું આપણી આસપાસ ઊડયા કરે છે પરંતુ સત્ય એ છે કે સુખ ભૌતિક સમૃદ્ધિમાં નથી. આજનો માનવી સમૃદ્ધિની ગણના મોટર, ગાડી, બંગલા, સોનું, ચાંદી, શેર અને બેંક બેલેન્સના ત્રાજવે કરે છે પરંતુ માનવી એ ભૂલી જાય છે કે એ બધું મા લક્ષ્મીના આશીર્વાદથી જ મળે છે પરંતુ સત્ય એ છે કે મા લક્ષ્મી કદીયે ભૌતિક ચીજોની પાછળ ગયાં નથી. લક્ષ્મીજી તો સ્વયં ભગવાન વિષ્ણુની પાછળ દોડયાં છે. સમૃદ્ધિની અપેક્ષા હોય તો લક્ષ્મીજી જેવી ચંચળતા છોડી ભગવાન શ્રી વિષ્ણુની જેમ સ્થિર અને શાંત ચિત્ત હોવું જરૂરી છે. સતત અશાંત રહેવું અને સતત અભાવોની લાગણીથી પીડાવું તે વાસ્તવિક સમૃદ્ધિથી માનવીને દૂર લઈ જાય છે. પછી તે અભાવની લાગણી પૈસાની હોય, પદની હોય કે પ્રતિષ્ઠાની.’

સુપ્રસિદ્ધ દાર્શનિક ટોમસ હોલ્સ કહે છે કે સમૃદ્ધિ શોધી શકાતી નથી, તે પોતે જ પોતાની રીતે આવે છે. શરત એટલી છે કે તમારે બે હાથ ફેલાવી તેના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ. સમૃદ્ધિ આપણી ભીતર જ મોજૂદ છે.

આજે બીજાઓને કંઈક આપો  

આજે દીપાવલીનો દિવસ છે ત્યારે તમારી પાસે જે છે તેમાંથી કાંઈક બીજાને આપવાનો, દાનવીર બનવાનો સંકલ્પ કરો. દરેક વ્યક્તિ પાસે કાંઈક ને કાંઈક તો છે જ. તમારી પાસે ધન છે તો નિર્ધનને મદદ કરો. ધન ન હોય તો કોઈને શુભાશિષ આપો. કોઈ બીમારને સાંત્વના આપો. કોઈ નિરાશ વ્યક્તિને આત્મવિશ્વાસ બક્ષો. કોઈનું દુઃખ સાંભળો. પશુ, પક્ષી કે મનુષ્યને દયા આપો. કોઈ હતાશ છે તો તેની હતાશા દૂર કરવા પ્રયાસ કરો. આ બધાં જ લક્ષ્મીજીનાં અલૌકિક સ્વરૂપ છે. કોઈને કાંઈ પણ આપવા તમે સક્ષમ છો. આજે આ પૈકી કાંઈ પણ કોઈને આપશો તો પણ તે શ્રેષ્ઠ દાન જ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here