લાલ બહાદુર શાસ્ત્રી : સાડા પાંચ દાયકાથી વણઉકેલાયેલું રહસ્ય

0
32

– જય જવાન, જય કિસાન સુત્ર શાસ્ત્રીજીએ આપ્યું હતું : અત્યારે દેશનો જવાન અને દેશનો કિશાન બન્ને સંઘર્ષ કરી રહ્યા છે

– વડા પ્રધાન હતા ત્યારે જ મોટર ખરીદવા શાસ્ત્રીજીએે લોન લીધી હતી અને તેમના મૃત્યુ પછી તેમના પત્નીએ ભરપાઈ કરી હતી!

ગાંધીજી સાથે આજે દેશના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. ૧૯૦૪ની બીજી ઓક્ટોબરે જન્મેલા શાસ્ત્રીજીનો જન્મ દિવસ સામાન્ય રીતે ગાંધીજીની આંધિમાં ભૂલાઈ જતો હોય છે. પણ આ વખતે તેમને યાદ કરવાના અનેક કારણો છે. જય જવાન, જય કિસાન એવું સુત્ર શાસ્ત્રીજીએ આપ્યું હતું. આજે દેશમાં જવાનો (ચીન-પાકિસ્તાન સરહદ પર) અને કિસાનો (આખા દેશમાં) સંઘર્ષ કરી રહ્યા છે. 

દેશની કમનસિબી ગણીએ કે પછી દેશની પ્રજાની જતું કરવાની ભાવના… પણ હકીકત એ છે કે અડધી સદી પછીય લાલ બહાદુર શાસ્ત્રીજીના મોત અંગે આપણી પાસે ચોક્કસ જવાબ નથી. એ જાણીતી વાત છે કે ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી તેઓ સોવિયેત રશિયાના તાશ્કંત શહેરમાં શાંતિ કરાર માટે ગયા હતા. ત્યાં જ તેમનું મોત થયું હતું અને મૃત્યુ રહસ્યમય હતું. 

આઝદ ભારતના સૌથી મોટા રહસ્યોમાં તેનો સમાવેશ કરવો પડે એટલા સવાલો એ મૃત્યુ સાથે સંકળાયેલા છે.  શાસ્ત્રીજી વડા પ્રધાન બન્યા ત્યારે દેશ અનેકવિધ પડકારોમાંથી પસાર થઈ રહ્યો હતો. આઝાદી પછી દેશને પંડિત નહેરુ વડા પ્રધાન મળ્યા.  ૧૯૬૪માં એમના અવસાન પછી જવાબદારી શાસ્ત્રીજી પર આવી પડી.

એ વખતે દેશ અનાજની અછત, આર્થિક સંકડામણ વગેરે અનેક પ્રશ્નોથી પીડાતો હતો. આઝાદીને હજુ બે દાયકા થયા ન હતા. ત્યાં વળી પાકિસ્તાને ૧૯૬૫માં સરહદ સળગાવી હતી એટલે શાસ્ત્રીજી માથે વધુ એક ભારણ આવી પડયું હતું. શારીરિક રીતે ટૂંકા કદના શાસ્ત્રીજી માનસિક રીતે ભારે મક્કમ હતા માટે એક પછી એક દરેક સમસ્યાનો ઉકેલ તેઓ પોતાની રીતે મેળવતા જતા હતા.

શાસ્ત્રીજી સાદગીનું પ્રતિક બન્યા હતા તેના તો અનેક કિસ્સાઓ છે. જેમ કે વડાપ્રધાન પદ પર હતા ત્યારે જ ૧૯૬૫માં શાસ્ત્રીજી કાર લેવા માંગતા હતા. શાસ્ત્રીજીનેે લેવી હતી એ ફિઆટ કારની કિંમત ત્યારે ૧૨ હજાર રૂપિયા હતા. શાસ્ત્રીજી પાસે એટલા નાણા હતા નહીં. પાંચ હજાર ખૂટતા હતા. એ માટે તેમણે એ વખતની જાણીતી બેન્ક પંજાબ નેશનલમાં લોન માટે અરજી કરી. કામગીરી બેન્કે અરજી મળી એ જ દિવસે શાસ્ત્રીજીને લોન મંજૂર કરી દીધી હતી.

એટલે પછી શાસ્ત્રીજીએ બેન્કને કહ્યું કે દેશના સામાન્ય માણસને પણ આટલી ઝડપથી લોન મળવી જોઈએ. ૧૯૬૬માં તાશ્કંદ ખાતે શાસ્ત્રીજીનું અચાનક અવસાન થતા લોનના હપ્તા અટકી ગયા હતા. એટલે બેન્કે તેમના પત્ની લલિતાદેવીને પત્ર લખી લોનની ઉઘરાણી કરી હતી. લલિતાદેવીએ તુરંત લોન ભરપાઈ પણ કરી દીધી હતી.

આજે તો સરપંચ પણ ફોર્ચ્યુનર કાર લઈ, પાછળ ફલાણા ઢીંકણા પ્રમુખ, ફલાણી સેનાના અધ્યક્ષ એવુ લખાવીને ફરતા હોય ત્યારે કોણ માની શકે કે દેશને આવાય વડા પ્રધાનો મળ્યા હતા. જોવાની વાત એ છે કે ૫૫ વર્ષ પછી પણ દેશ શાસ્ત્રીજીને ન્યાય કરી શક્યો નથી. તેમના મોતનું કારણ આજેય રહસ્ય જ છે. ૧૯૬૫ના પાકિસ્તાન યુદ્ધ પછી સોવિયેત યુનિયન ઓફ રશિયા (યુએસએસઆર)ના તાશ્કંતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ-મંત્રણા થઈ હતી(હવે તાશ્કંત શહેર ઉઝબેકિસ્તાનમાં છે). 

તાશ્કંત કરાર નામે ઓળખાતી એ સંધિ કરી એ રાતે જ શાસ્ત્રીજીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું વ્યાપકપણે મનાય છે. પણ ખરેખર એવું હતું? એવા સવાલો આજે કોઈ સામાન્ય વ્યક્તિને થાય તો તો ઠીક પણ ત્યારે જ સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે કુદરતી મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમની શંકા સાવ પાયાવિહોણી ન હતી. એટલે કોઈનીય રાહ જોયા વગર ૧૯૭૦માં તેમણે ‘વોઝ શાસ્ત્રી મર્ડર્ડ (શું શાસ્ત્રીજીની હત્યા કરવામાં આવી હતી)?’ એવા નામની ૫૦ પાનાંની એક પુસ્તિકા લખી હતી.  

આજે કોઈ તપાસ કરવા જાય તો ૫૫ વર્ષ પહેલાના કેસના પૂરતા પુરાવા ન મળી શકે. પરંતુ એ વખતે જ તપાસ કરીને ડાહ્યાભાઈ પટેલે પોતાની પુસ્તિકામાં તારણ આપ્યું હતુ કે મૃત્યુ કુદરતી નથી. પરિણામ? આજે મોટા ભાગના સરકારી પુસ્તકાલયોમાંથી એ પુસ્તિકા ગુમ છે! એ પુસ્તિકામાં અને પછી લખાયેલા બીજા કેટલાક પુસ્તકોમાં પણ શાસ્ત્રીજીના મોત અંગે કેટલાક શંકા-સવાલ ઉઠાવાયા છે. જેમ કે…

– શાસ્ત્રીજીનું મધરાતે તાશ્કંદમાં મોત થયા પછી તેમને ભારત લઈ આવાયા હતા. ભારત પહોંચતા સુધીમાં મૃતદેહ એટલો બધો ફૂલી ગયો હતો કે તેમના વસ્ત્રો ફાડીને કાઢવા પડયા હતા. 

વસ્ત્રો ફાડવાની કામગીરી અને મૃત શરીરની તપાસ અંગેની વિગતો સરકારે આજ સુધી પૂર્ણપણે જાહેર કરી નથી. 

શાસ્ત્રીજીના પુત્ર અનિલ શાસ્ત્રી પણ દસ્તાવેજો જાહેર કરવા અને જરૂર પડે તો ફરી તપાસ કરવા વારંવાર સરકારને કહી ચૂક્યા છે. પરંતુ સરકારે રસ દાખવ્યો નથી. 

તાશ્કંતથી શાસ્ત્રીજીનું શબ ભારત આવ્યું ત્યારે તેમનો ચહેરો કાળો પડી ચૂક્યો હતો અને તેમના પત્ની લલિતાદેવીએ જોઈને જ કહ્યું હતું કે મારા પતિ કુદરતી રીતે નથી મર્યાં, સંભવતઃ તેમને ઝેર આપવામાં આવ્યુ છે. એ પછી શાસ્ત્રીજીના મોત અંગે વિવિધ ચાર થિયરીઓ પ્રચલિત થઈ હતી. હાર્ટ એટેકથી મોત થયું એવુ સરકારનું કહેવુ હતુ. 

તો બીજી તરફ રશિયન જાસૂસી સંસ્થા કેજીબીએ હત્યા કરાવી, અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા હત્યા થઈ કે પછી ભારતમાંથી જ કોઈએ તેમની હત્યા કરાવી હોવાની વિવિધ વાતો ચાલતી રહી છે. વિવિધ પુસ્તકોમાં આ વાતો વિગતવાર લખાઈ છે. 

– આજે માનવા જેવી ન લાગે એવી વાત એ છે કે શાસ્ત્રીજીના મોત પછી પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ન હતું. કેમ? કોઈ પાસે જવાબ નથી. શાસ્ત્રીજીની અંતિમવિધિ સંપન્ન થયા પછી ૧૪મી ફેબુ્રઆરીએ રાજ્યસભામાં યુવા નેતા અટલ બિહારી વાજપેયીએ સવાલ ઉભો કર્યો હતો કે તાશ્કંતનું સત્ય બહાર આવવું જોઈએ. સરકારને સત્યમાં રસ ન હતો. પરંતુ રાજ્યસભાના ઘણા સભ્યોએ વાજપેયીને સમર્થન આપતા સરકારે પંચ નિમવાની હા પાડી હતી. પરંતુ ભારતમાં કોઈ પણ પંચ કોઈ ચોક્કસ તારણ પર આવે એવું તો ક્યાંથી બને?

– કોઈ વડાપ્રધાન પરદેશ પ્રવાસમાં એકલા ન હોય. શાસ્ત્રીજી પણ એકલા ન હતા.

 મોટો સ્ટાફ હતો, પરંતુ શાસ્ત્રીજીને ઉતારો અપાયો એ મકાન સાવ અલગ હતું. ત્યાં સાથે મર્યાદિત સ્ટાફ બાજુના ઓરડામાં હતો. પરંતુ મધરાતે કોઈ મદદની જરૂર પડે તો શાસ્ત્રીજીના ઓરડામાં ટેલિફોન હતો કે નહીં? તેનો ચોક્કસ જવાબ મળતો નથી. તપાસ વખતે સરકારી અધિકારીઓ કહ્યું કે ટેલિફોન હતો, જ્યારે મૃત્યુ પછી ઓરડાને તપાસનારાઓના મતે ત્યાં કોઈ ટેલિફોન ન હતો!

– તાશ્કંતમાં રાતે શાસ્ત્રીજીને દૂધ આપવામાં આવ્યુ હતું. એ દૂધ કોણે તૈયાર કર્યું હતુ? તેનોય કોઈ ચોક્કસ જવાબ મળતો નથી. વાજપેયીએ તો ત્યારે એવી શંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુ વખતે ઓક્સિજનની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. શાસ્ત્રીજી હાર્ટના પેશન્ટ હતા. 

કોઈ સામાન્ય ગુનાખોરીમાં પણ મોઢા એટલી વાતો હોય અને અધિકારી એટલી થિયરીઓ હોય. આ તો કદાવર દેશના વડાપ્રધાનના મોતનો મામલો હતો. એટલે રશિયન જાસૂસી સંસ્થા, અમેરિકાની (હત્યાઓ કરાવવા માટે બદનામ) જાસૂસી સંસ્થા સીઆઈએ, શાસ્ત્રીજીનો સ્ટાફ, પાકિસ્તાની સ્ટાફ, કોઈ અદૃશ્ય ટીમ… એમ અનેક પર શંકાઓ વ્યક્ત થઈ. પરંતુ કોઈ તારણ સુધી પહોંચી શકાયું નહીં. કેમ કે સરકારે મૃત્યુના ખરા કારણ સુધી પહોંચવાનો આજ સુધી પ્રયાસ કર્યો જ નથી. 

દુઃખની વાત એ છે કે  કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય કે વાજપાઈની સરકાર  કે પછી એનડીએની મોદીની સરકાર હોય. કોઈને પણ શાસ્ત્રીના મૃત્યુના રહસ્યમાં રસ જ ન હતો. માત્ર નિવેદનબાજીમાં જ રસ હતો. પછી શાસ્ત્રીજીનું મૃત્યુ હોય કે સુભાષચંદ્ર બોઝ, બધા જ રાજકીય રહસ્યો હંમેશા રહસ્યો જ રહી જતા હોય છે !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here