લૂડવિગ અને રોબર્ટ: પ્રસિદ્ધ આલ્ફ્રેડ નોબેલના અપ્રસિદ્ધ ભાઈઓ

  0
  82

  – સમયાંતર- લલિત ખંભાયતા

  – નોબેલ પ્રાઈઝ જેના નામે અપાય છે, એ આલ્ફ્રેડ નોબેલના બે ભાઈઓ લૂડવિગ અને રોબર્ટ પણ સંશોધકો-ઉદ્યોગપતિ હતા. તેમની સફળતાની ઓછી જાણીતી કથા..

  ઈમાન્યુએલ (૧૮૦૧-૧૮૭૨)ને કુલ તો છ સંતાનો હતા, 

  જેમાંથી બે બાળઅવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા.

  રોબર્ટ (૧૮૨૯-૧૮૯૬)

  લુડવિગ (૧૮૩૧-૧૮૮૮)

  આલ્ફ્રેડ (૧૮૩૩-૧૮૯૬)

  એમિલ (૧૮૪૩-૧૯૬૪)

  બાકુમાં ફેલાયેલું નોબેલ બ્રધર્સનું પેટ્રોલિયમ સામ્રાજ્ય, જે એ વખતે જગતમાં સૌથી મોટું હતું.

  ૧૯ ૦૧ના વર્ષે પ્રથમ નોબેલ પ્રાઈઝ અપાયું. સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં તેનો સમારોહ યોજાયો.

  એ વખતે ચાર હજાર કિલોમીટર દક્ષિણમાં સોવિયેત રશિયાના બાકુ શહેરમાં ‘બ્રાનોબેલ’ નામની કંપનીના મશીનો ધમધમતા હતા. કંપની પેટ્રોલિયમ ઉત્પાદક કંપની હતી. આખુ નામ તો હતું: ‘ધ પેટ્રોલિયમ પ્રોડક્શન કંપની નોબેલ બ્રધર્સ લિમિટેડ’. પરંતુ ટૂંકા નામે જ વધારે ઓળખાતી હતી. ૧૮૭૬માં તેની સ્થાપના થઈ હતી અને પેટ્રોલિયમ-ખનીજતેલ ઉત્પાદનનો ધંધો ધમધોકાર ચાલતો હતો. ૧૯૦૩માં ત્યાં એક વિઘ્ન આવ્યું. કામદારોએ હડતાલ પાડી. હડતાલ પ્રથાની ત્યારે રશિયામાં હજુ શરૂઆત થઈ રહી હતી. બાકુ આજે તો અઝરબૈજાનમાં છે, પણ ત્યારે સોવિયેત સંઘ-રશિયાનો ભાગ હતું. હડતાલને કારણે બ્રાનોબેલ કંપનીને મોટો ફટકો પડયો, કેમ કે એ રશિયામાં સૌથી મોટી કંપની હતી. 

  હડતાલ કરનારાના નેતાનો ઉદ્દેશ જોકે કર્મચારીઓનું હિત નહીં પોતાના રાજકીય પક્ષ ‘રશિયન સોશિયલ મેડોક્રેટિક લેબર પાર્ટી’ માટે ફંડ મેળવવાનું હતું. હડતાલ પછી તો સમાધાન થયું. 

  એ હડતાલના આગેવાનનું નામ જોસેફ સ્તાલિન.

  જેની કંપનીમાં હડતાલ પડી હતી એ બ્રાનોબેલના માલિકોનું નામ રોબર્ટ અને લુડવિગ નોબેલ, જગતનું સર્વોચ્ચ વિજ્ઞાાન સન્માન જેના નામે અપાય છે એ આલ્ફ્રેડ નોબેલના એ બન્ને મોટા ભાઈઓ હતા. આલ્ફ્રેડ નોબેલને તો પ્રસિદ્ધિ મળી અને દર વર્ષે નોબેલ પારિતોષિક જાહેર થાય ત્યારે મળતું રહે છે. પણ આ બન્ને ભાઈઓનું કામ નોંધપાત્ર હોવા છતાં ક્યારેય ખાસ લાઈમલાઈટમાં આવ્યા નહીં.

  ઈમાન્યુએલ નોબેલ સ્વીડનમાંથી ૧૮૩૮માં રશિયામાં સ્થળાંતરીત થયા. ઈમાન્યુએલ મૂળભૂત રીતે સંશોધક હતા. પ્લાયવૂડ ઈન્ડસ્ટ્રીમાં વપરાતું લેથ મશીન તેમણે જ વિકસાવ્યું હતું. આજે આવા લેથ મશીન વિવિધ ઉદ્યોગોમાં અને તાલુકા મથકથી માંડીને મહાનગર સુધી વપરાય છે. રશિયાના સેન્ટ પિટ્સબર્ગમાં ઈમાન્યુએલે યુદ્ધ સામગ્રી બનાવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ૧૪ વર્ષની વયે ઈમાન્યુએલે સમુદ્રની સફર ખેડવાની શરૂઆત કરી હતી. ૧૮ વર્ષની વયે કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં કામે લાગી ગયા હતા. અને ૧૮૩૩માં દેવાળુ પણ ફૂંક્યું હતું.

  આર્થિક રીતે ખાલી થયા પછી ઈમાન્યુએલ પડોશી દેશ ફિનલેન્ડના પાટનગર હેલસિંકી ગયા અને ત્યાંથી પછી રશિયન શહેર સેન્ટ પિટ્સબર્ગમાં પહોંચ્યા. અહીં ફરીથી મિકેનિકલ સામગ્રીનું કારખાનું સ્થાપ્યું અને થોડા વખતમાં જ રશિયન લશ્કર તરફથી ઓર્ડર મળતા થયા. દરિયામાં ફૂટી શકે એવી નેવલ માઈન્સ (સમુદ્રી સુરંગો) તેમણે વિકસાવી. સમુદ્રી યુદ્ધમાં વપરાઈ શકે એવા ટોરપીડો પણ તૈયાર કર્યા. ૧૮૫૩થી ૧૮૫૬ સુધી રશિયા-ક્રિમિયા વચ્ચે જંગ ચાલ્યો. એ દરમિયાન ઈમાન્યુએલની ફેક્ટરીને ખાસ્સા ઓર્ડર મળ્યા. એ પછી રશિયન સત્તાધિશોએ શાંતિનો મારગ અપનાવ્યો એટલે ઈમાન્યુએલના બિઝનેસમાં મંદી આવી. ફરીથી ઈમાન્યુએલના ખિસ્સા ખાલી થયા, દેવાળુ ફૂંક્યુ અને ૧૮૫૯માં સ્વીડન પરત આવી ગયા.

  એ વખતે તેમણેે સ્થાપેલી કંપનીનું સંચાલન મોટા બે દિકરા રોબર્ટ અને લુડવિગને સોંપી દેવાયું. ઈમાન્યુએલ પોતાના બીજા બે દિકરા આલ્ફ્રેડ અને એમિલ સાથે સ્વીડન આવી પહોંચ્યા. અહીં ફરીથી તેમના વિસ્ફોટકો સાથેના પ્રયોગો તો ચાલુ જ હતા. ૧૮૬૪માં નાઈટ્રોગ્લિસરીન સાથેના પ્રયોગ દરમિયાન વિસ્ફોટ થયો અને તેમાં ઈમાન્યુએલના દિકરા એમિલ સહિત કેટલાક કામદારો માર્યા ગયા. પરિવાર પર એ મોટો આઘાત હતો. કોલેજ સુધી પહોંચનારો ચારેયમાંથી એ એકમાત્ર ભાઈ હતો અને તેની અકાળે વિદાય થઈ. પછી ઈમાન્યુએલે એ પ્રયોગો કાયમી ધોરણે બંધ કર્યા. બિમાર પણ પડયા અને ૧૮૭૨માં તેમનું નિધન થયું.

  પણ તેમના ૩ દિકરાએ પોતપોતાની રીતે આગેકૂચ ચાલુ રાખી. આમ તો સંશોધન એ પરિવારને વારસામાં મળ્યું હતું. છેક ૧૬મી સદીમાં થઈ ગયેલા સંશોધક ઓલસ રેડબકે ભાષા અને શરીરના અંગોનો અભ્યાસ કર્યો હતો. એની દીકરાની પેઢીમાં આ નોબેલ પરિવાર પેદા થયો હતો.

  નાના-મોટા ઉદ્યોગ માટે આમ-તેમ ફરતા રોબર્ટ ૧૮૭૩માં બાકુ શહેર પહોંચ્યા. ત્યાં પેટ્રોલિયમ મળતું હતું અને સાવ રેઢું પડયું હતું. એટલું બધું રેઢું કે લુડવિગ અને તેનો દિકરો એ વિસ્તારમાં સર્વે કરવા પહોંચ્યા તો ઓઈલ ઢોળાયેલી જમનીમાં પગ ખૂંપવા લાગ્યા હતા. પેટ્રોલિયમને કાબુમાં કરી તેનું વ્યવસ્થિત ઉત્પાદન-વિતરણ કરનારી સિસ્ટમ હજુ શરૂ થઈ ન હતી. રોબર્ટે ત્યાં કારખાનું શરૂ કર્યું, પેટ્રોલિયમમાંથી કેરોસિન બનાવી વેચવાની શરૂઆત કરી. કંપનીનું નામ રાખ્યું બ્રાનોબેલ.

  બન્ને ભાઈઓમાં ઘણુ દૂરંદેશીપણું હતું. એટલે કેરોસિન વેચવા પુરતો વ્યવસાય મર્યાદિત ન રહ્યો. તેમણે પેટ્રોલિયમનું જંગી સામ્રાજ્ય ઉભું કર્યું. ઓઈલની હેરાફેરી માટે પાઈપલાઈન, સમુદ્ર કાંઠે પાઈપલાઈન પુરી થાય ત્યાંથી જહાજ માટે પેટ્રોલિયમની હેરાફેરી વગેરે અનેક પ્રયોગો લુડવિગે કર્યા. આજે દુનિયાભરમાં પેટ્રોલિયમની હેરાફેરી કદાવર ટેન્કર જહાજો દ્વારા જ થાય છે. પણ એ ટેન્કરનો પહેલો આઈડિયા લુડવિગ અને રોબર્ટનો હતો. બન્ને ભાઈઓએ ડિઝાઈન કરીને ૨ હજાર ટન પેટ્રોલિયમ લઈ જઈ શકે એવું જહાજ તૈયાર કર્યું, નામ આપ્યું ‘ઝોરોસ્ટાર’. એ પહેલા પેટ્રોલિયમની હેરાફેરી કેનાલ મારફતે થતી હતી, જેમ આજે પાણીની થાય છે! 

  ૧૮૦ ફીટ લાંબુ જહાજ સફળ રહ્યું એટલે નોબેલ બ્રધર્સે પછી તો બીજા આઠ જહાજો બનાવીને હેરાફેરી વધારી દીધી. પહેલા જહાજનું નામ ઝરથોસ્ત્રી ધર્મ પર એ નામ હતું તો અન્ય જહાજોના નામ પણ વિવિધ ધર્મ પરથી પાડયા હતા, જેમાં એકનું નામ બ્રહ્મા પણ હતું. એ રીતે આ બન્ને ભાઈઓએ આધુનિક ટેન્કર શિપિંગનો પાયો નાખ્યો હતો. રશિયામાં જ આંતરીક જળમાર્ગનો ઉપયોગ કરી માલ-સામગ્રી હેરાફેરી કરનારી એ પ્રથમ કંપની હતી. 

  અમેરિકાનું પેન્સાલ્વેનિયા રાજ્ય પણ ત્યારે પેટ્રોલિયમ ઉત્પાદનમાં નામ કાઢી ચૂક્યુ હતું. ત્યાંની કંપનીઓ કઈ રીતે હેરાફેરી કરે છે એ જાસૂસી કરવા પણ રોબર્ટે પોતાના એક એન્જિનિયરને અમેરિકા મોકલ્યો હતો. ૧૮૯૯માં જગતના કુલ પેટ્રોલિયમ ઉત્પાદનમાં બ્રાનોબેલનો ફાળો ૧૭.૭ ટકા અને વિશ્વના કુલ ઉત્પાદનમાં ૮.૯ ટકા હતો. ઉત્પાદન ઉપરાંત રશિયન માર્કેટમાં ૭૦ ટકાથી વધારે કેરોસીન સપ્લાઈ ચેઈન બ્રાનોબેલના હાથમાં હતી. ૧૯૦૯ સુધીમાં કંપનીએ આખા રશિયામાં સવા ચારસો જેટલા પેટ્રોલિયમ ડેપો ઉભા કર્યા હતા. પરિણામે ભારત કરતા ત્રણેકગણા મોટા રશિયાના દરેક ખુણે બ્રાનોલના ઉત્પાદનો મળી રહેતા. રશિયા બહાર નીકળીને યુરોપના વિવિધ દેશોમાં પણ લુડવિગે પેટા કંપનીઓ સ્થાપી. 

  પોતાની સાથે આસપાસનો વિકાસ થાય એવો નોબેલ ઉદ્દેશ નોબેલ ભાઈઓનો હતો. પેટ્રોલિયમ ઉદ્યોગ પછી એક જમાનાના બાકુ શહેરમાં વસ્તી વધવા લાગી. આસપાસમાંથી લોકો રહેવા આવવા લાગ્યા. બાકુની જમીન સાવ ઉજ્જડ હતી. નોબેલ બંધુઓએ તેમાં બગીચા બનાવાનો વિચાર કર્યો. પણ માટી જ ઉપજાઉ ન હતી. એટલે નક્કી કર્યું કે પેટ્રોલિયમ લઈને પરદેશ જતા ટેન્કર પરત આવે ત્યારે ફળદ્રૂપ માટી ભરતા આવે. એ રીતે માટી આયાત કરીને પણ બગીચો ઉભો કર્યો. 

  થોડા વર્ષો પછી બ્રાનોબેલ રશિયાની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની બની. ૧૮૭૭થી ૧૯૦૧ વચ્ચે બાકુ અને અન્ય વિસ્તારોમાં કંપનીએ એક પછી એક એમ ૫૦૦ જેટલા પેટ્રોલિયમના કૂવા ધમધમતા કર્યા હતા. ૧૯૧૬માં કંપનીનું પેટ્રોલિયમ ઉત્પાદન વાર્ષિક સાડા ત્રણ કરોડ કિલોગ્રામ હતુ. સમય જતાં એ જગતની સૌથી મોટી પૈકીની એક પેટ્રોલિયમ કંપની પણ બની. નોબેલ બ્રધર્સે ઔદ્યોગિક, વૈજ્ઞાાનિક, ટેકનોલોજીલ,  માળખાકિય એમ અનેક સુવિધાઓ પહેલી વાર વિકસાવી હતી, જેણેે બાદમાં પેટ્રોલિયમ ઉદ્યોગને વેગ આપ્યો.

  રૂડોલ્ફ ડીઝલે એન્જીન તૈયાર કર્યું. લુડવિગે રશિયામાં એ એન્જીન બનાવા-વેચવાના રાઈટ્સ એ જમાનામાં દસ લાખ જર્મન માર્ક્સ આપીને ખરીદ્યા. એ પછી રશિયામાં તેણે મોટી સંખ્યામાં ડીઝલ એન્જીનનું વેચાણ કર્યું હતું. 

  રોબર્ટ-લુડવિગે બાકુમાં રહીને આ કંપનીનો વિકાસ કર્યો. પણ આગળ જતાં રોબર્ટની તબિયત બગડી. વધુમાં આ કંપનીને પબ્લિક લિમિટેડ બનાવવાના મુદ્દે તેઓ લુડવિગ સાથે સહમત ન હતા. માટે તેઓ લુડવિગને સંચાલન સોંપી સ્વીડન પરત ફર્યા. લુડવિગે ત્યાં જ રહીને કંપનીનો વિસ્તાર વધાર્યા કર્યો. આગળ જતાં કંપનીમાં લુડવિગનો હિસ્સો ૫૩.૭ ટકા જેટલો જ્યારે રોબર્ટનો ૧.૭ અને આલ્ફ્રેડનો હિસ્સો ૩.૩ ટકા હતો. રોબર્ટ નોબેલે જ્યારે બાકુથી કાયમ માટે વિદાય લીધી ત્યારે તેમને તેમના જ બનાવેલા ફટાકડા ફોડીને ભવ્ય વિદાયમાન અપાયું હતું.

  નવિનતાપૂર્ણ કામગીરીને કારણે થોડા સમયમાં જ ઉદ્યોગપતિ ઉપરાંત સંશોધક તરીકેય લુડવિગની નામના થઈ. ૧૯૧૭માં રશિયામાં જગવિખ્યાત ક્રાંતિ થઈ. પણ એ ક્રાંતિ પહેલાના અગ્રણી રશિયન ઉદ્યોગપતિઓમાં લુડવિગનું નામ ભારે આદરથી લેવાતું હતું. નોબેલ પ્રાઈઝની સત્તાવાર વેબસાઈટ પર લુડવિગનો પરિચય આપતા લખ્યું છે કે તેણે કંપનીના કર્મચારીઓ સાથે મધુર સબંધો વિકસાવ્યા હતા અને કંપનીના નફામાં કર્મચારીઓને હિસ્સો આપવાની, ભાડા વગર મકાન આપવાની, સંતાનોને મફત શિક્ષણની વગેરે નોંધપાત્ર શરૂઆત કરી હતી.

  કંપનીનો દશકો પુરો થવાની શરૂઆત ૧૯૨૦ના બીજા દશકામાં થઈ. રશિયામાં ક્રાંતિ થઈ, સત્તા બદલાઈ. સત્તા પર આવેલા બોલ્શેવિકોએ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એક પછી એક નોબેલ બ્રધર્સ પણ કંપનીથી છૂટા પડતા ગયા અને છેવટે ૧૯૫૯માં કંપનીનું વિસર્જન થયું. પરંતુ કંપની ચાલુ હતી ત્યારે લુડવિગની ગણતરી જગતના સૌથી મોટા ધનપતિ તરીકે થવા લાગી હતી. સફળતા માટે જોઈએ એ બધું જ તેમણે મેળવ્યું હતું.

  સતત કામગીરીને કારણે લુડવિગની તબિયત બગડી. ૧૮૮૮માં લુડવિગ અને તેમના પત્ની એડ્લા ફ્રાન્સના કાન્સ શહેરમાં પહોંચ્યા. ત્યાં તબિયત બગડી. ત્યાં જ થોડા સમય પછી તેમનું નિધન થયું. 

  બીજી તરફ આલ્ફ્રેડ નોબેલે પણ વિસ્ફોટક (એક્સ્પ્લોઝિવ)ની કંપની સ્થાપીને ધન-સંપદાનો ઢગલો કરી લીધો હતો. તેણે પોતાની અઢળક સંપતિમાંથી કેટલીક સંપતિ શોધ-સંશોધકોના સન્માન માટે ફાળવી, જેમાંથી દર વર્ષે નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. 

  બાકુ શહેર આજે જગતના અગ્રગણ્ય શહેરોમાં સ્થાન પામતું હોય તો તેની પાછળ નોબેલ બ્રધર્સનો પરિશ્રમ કહી શકાય. તેમણે બાકુમાં ૧૮૮૨માં બાંધેલુ મકાન આજે પણ ઉભું છે અને હવે સંગ્રહાલય છે. એક સમયેે રશિયન રાજા (ઝાર) એલેક્ઝાન્ડર તેની મુલાકાતે આવતા હતા, આજે પ્રવાસીઓ આવે છે. જ્યારે લુડવિગ નોબેલના પરિવારનો જ વારસ ફિલિપ નોબેલ અઝરબૈઝાનમાં વિજ્ઞાાનનો વિકાસ થાય એ માટે સક્રિય છે.

  લુડવિગના નામે પણ નોબલ પ્રાઈઝ!

  ૨૦૧૬નો લુડવિગ નોબેલ સમારોહ

  ૨૦૧૮માં રશિયાના પ્રમુખ પુતિનને નોબેલ પ્રાઈઝ મળ્યું. પણ એ નોબેલ પ્રાઈઝ નહીં, જેને આખું જગત ઓળખે છે. પુતિનને મળ્યું એ પ્રાઈઝનું નામ ‘લુડવિગ નોબેલ’ હતું. લુડવિગના નિધન પછી ૧૮૮૮માં (એટલે આલ્ફ્રેડ નોબેલના પ્રાઈઝ કરતાં પહેલા) નોબેલ પ્રાઈઝની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રાઈઝ રશિયા પુરતું જ અપાય છે, માટે તેને જગવ્યાપી પ્રસિદ્ધિ નથી મળી. જે કોઈ વ્યક્તિએ રશિયાના ભલા માટે કામ કર્યું હોય તેને રશિયાનું નોબેલ મળે. સ્વીડિશ નોબેલની માફક રશિયન નોબેલમાં જંગી રકમ મળતી નથી, મેડલ અને સન્માન જ પ્રાપ્ત થાય છે. ૧૩૦ વર્ષથી આ એવોર્ડ અપાય છે, પણ દર વર્ષે નિયમિત રીતેે નહીં. પરિણામે અત્યાર સુધીમાં ૩૨ એવૉર્ડ અપાયા છે. છેલ્લો સમારોહ પિટ્સબર્ગ શહેરમાં ૨૦૧૯ની ૩૦મી માર્ચે યોજાયો હતો. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here