વડોદરા: ઘડિયાળના શોરૂમના સેલ્સમેનને હોટલમાં બોલાવી રૂ. 22 લાખની 13 ઘડિયાળ લઈ શખ્સ ફરાર

0
120

વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઘડિયાળ ના શોરૂમના એક કર્મચારીને ઘડિયાળોનો ઓર્ડર આપવાના બહાને હોટલમાં બોલાવી બાદ તેની પાસેથી કીમતી ઘડિયાળો પડાવી લેવામાં આવી હોવાનો બનાવ બન્યો છે.

રેસકોર્સના ગૌતમ નગર ખાતે ઘડિયાળના શોરૂમ માં ફરજ બજાવતા હરેન્દ્ર સિંહ સોલંકી ને ગઈ તા 10 સપ્ટેમ્બરે સંદીપ નામના એક શખ્સે ફોન કરી ક્લાઈન્ટો ને ગોલ્ડની ઘડિયાળ ગિફ્ટ આપવાની હોવાથી ઓર્ડર ની વાત કરી હતી. હરેન્દ્રસિંહે ઘડિયાળના ફોટા મોકલ્યા બાદ સંદીપે એક મહિના બાદ ફોન કરી ફરીથી ઘડિયાળ ના ફોટા મંગાવ્યા હતા.

ગઈકાલે સંદીપે ફરી ફોન કરી બપોરે ઘડિયાળો ખરીદવા આવશે તેમ જણાવતા સેલ્સમેન હરેન્દ્ર સિંહે ઘડિયાળ તૈયાર રાખી હતી. પરંતુ ઠગ સંદીપ આવ્યો ન હતો અને તેણે મારા બોસ વેલકમ હોટલમાં રોકાયા છે તો તમે ઘડિયાળો બતાવવા માટે ત્યાં સર્વિસ આપો તેવી વિનંતી કરતા હરેન્દ્રસિંહ અને અન્ય કર્મચારી હોટલમાં ગયા હતા.

હોટલમાં સંદીપ મળ્યો ન હતો પરંતુ બીજો એક શખ્સ આવ્યો હતો અને તેણે ઘડિયાળ બોસ ને બતાવી છે તેમ કહી શો રૂમ ના બંને કર્મચારીઓને એક રૂમમાં બેસાડી ચા પીવડાવી હતી. ગઠિયો ઘડિયાળો બતાવવા માટે અંદરના રૂમમાં ગયા બાદ પરત નહી આવતા શોરૂમના કર્મચારીને શંકા ગઈ હતી. તેમણે અંદર તપાસ કરતા ઘડિયાળ ના ખાલી બોક્સ મળ્યા હતા અને ગઠીયો પાછળના દરવાજેથી રૂપિયા 22 લાખની કિંમતની 13 ઘડિયાળ લઈ ભાગી છુટયો હોવાનું જણાઈ આવ્યું હતું. ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here