પ્રસ્તાવ સ્વીકાર્ય બને તો ચીન ફિંગર 8 નજીકથી ખસી જશે
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ વિસ્તારમાં છેલ્લા થોડા મહિનાથી જે તનાવ પ્રવર્તે છે એ નિવારવાના પ્રયાસો મંત્રણા દ્વારા ચાલુ છે ત્યારે એક નવો પ્રસ્તાવ આવ્યો હતો. આ પ્રસ્તાવ એટલે ભારત જેને લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ કહે છે એ ફિંગર વિસ્તારને નો મેન્સ લેન્ડ જાહેર કરવાનો પ્રસ્તાવ છે.
આ પ્રસ્તાવ સ્વીકારાય તો ચીન ફિંગર એઇટ વિસ્તારમાંથી પીછેહઠ કરે એવો સંભવ હતો. હાલ ચીન ફિંગર એઇટ અને ફિંગર ફોરની વચ્ચે આઠ કિલોમીટર સુધી ભારતીય હદમાં આવી ગયું છે. અહીં એના લશ્કરે બંકર્સ બનાવ્યાં છે. ભારત આ બાબતને સીમા ઉલ્લંઘન સમાન ગણાવે છે. હાલ બંને પક્ષના લશ્કરના જવાનો આ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યા હતા અને પરેડ કરતા હતા. પેંગોંગ સરોવરને તીરે આવેલી 1400 ફૂટ ઊંચી પહાડીઓને ફિંગર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.
લશ્કરી સૂત્રે જણાવ્યા મુજબ તબક્કાવાર ડિ-એસ્કેલેશનના જુદા જુદા પ્રસ્તાવોમા એક પ્રસ્તાવ આ પ્રકારનો હતો કે હાલ થોડા સમય માટે ફિંગર વિસ્તારને નો મેન્સ લેન્ડ જાહેર કરી દેવો. જો કે હજુ આ પ્રસ્તાવ વિશે ચીનના પ્રતિભાવ જાણવા મળ્યા નહોતા. આ પ્રસ્તાવ સ્વીકારાય તો બંને પક્ષ હાલના સ્થાનેથી પાછળ હટશે.