વીજપુરવઠો ખંડિત થતા મુંબઈની લાઇફલાઈન લોકલ ટ્રેનની સેવા ઠપ્પ

  0
  69

  – સવા 2 કલાક બાદ ટ્રેનવ્યવહાર પૂર્વવત કરાયો

  આજે સવારે સવા ૧૦ વાગ્યાના સુમારે મુંબઈમાં અનેક ઠેકાણે ગ્રિડ ફેલ્યર થતા લાઈટ ચાલી ગઈ હતી. તેને કારણે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનની સેવા પણ ઠપ્પ થઈ હતી. મહાવિતરણ, અદાણી, બેસ્ટ તેમજ તાતા સહિતની બધા જ ઓપરેટર્સ દ્વારા અપાતી વીજસેવાને ગ્રિડ ફેલ્યરનો ફટકો પડયો હતો તેમજ મુંબઈને વીજપુરવઠો પૂરો પાડતા કલવા-પડઘે અને ખારઘરના કેંદ્રોમાં આવેલા અનેક ટ્રાન્ફોટર્સમાં એક સાથે ટ્રિપિંગ થતા વીજળી ગુમ થઈ હતી.

  મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનો પણ વીજળીના અભાવે બંધ પડી હતી અને મુંબઈની પશ્ચિમ રેલવે મધ્ય રેલવેની મેન અને હાર્બર લાઈનને પણ આ ગ્રીડ ફેલ્યરનો ફટકો પડયો હતો.

  અચાનક ટ્રેનો અટકી પડતા તેમાં પ્રવાસ કરી રહેલા અતિઆવશ્યક સેવાના કર્મચારીઓ ફસાયા હતા. ટ્રેનમાં બેસીને અકળાયેલા પ્રવાસીઓ ટ્રેક પર ચાલતા ચાલતા બીજા સ્ટેશનો પર પહોંચ્યા હતા. મધ્ય રેલવેના આરપીએફના જવાનોએ ટ્રેનમાંથી ઊતરીને સ્ટેશન જવા ઇચ્છતા ૩૫૦ જેટલા પ્રવાસીઓને મદદ કરી નજીકના સ્ટેશન સુધી પહોંચાડયા હતા.

  હાર્બર લાઈન પર સવારે ૧૦.૫૫ વાગ્યે ટ્રેનસેવા પૂર્વવત કરાઈ હતી. જોકે મધ્ય રેલવેની ટ્રેનસેવાને પૂર્વવત થવામાં સવા બે કલાક લાગી ગયા હતા. મધ્ય રેલવેની મેનલાઈન પર બપોરે ૧૨.૨૬ વાગ્યે ટ્રેનસેવા પૂર્વવત થઈ હતી.

  પશ્ચિમ રેલવે પર પણ સાડા બાર વાગે ટ્રેનસેવા પૂર્વવત થઈ હતી. ૧૨.૨૦ વાગ્યે ઓવરહેડ વાયર  ચાર્જ થતા ટ્રેનસેવા પૂર્વવત થઈ હોવાની માહિતી પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here