વેસ્ટ ઇન્ડિઝની પૂરી ક્રિકેટ ટીમનો લેવાયેલો કોવિડ-૧૯નો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હવે કેરેબિયન ટીમ ન્યૂઝીલેન્ડ-એ સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમવા માટે ક્વિન્સ ટાઉન રવાના થશે. વેસ્ટ ઇન્ડિઝની પૂરી ટીમ ટી૨૦ ઇન્ટરનેશનલ તથા ટેસ્ટ શ્રેણી માટે ૩૦મી ઓક્ટોબરે અહીં પહોંચ્યા બાદ ક્વોરન્ટાઇન થઇ હતી. પ્રથમ બે તબક્કાના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝના તમામ સભ્યોનો ન્યૂઝીલેન્ડના પ્રવાસના ૧૨મા દિવસે ત્રીજો અને અંતિમ કોવિડ-૧૯નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે પ્લેયર્સ, સહાયક સ્ટાફ તથા મેનેજમેન્ટના અધિકારીઓ હવે સર્ધન સિટી ક્વિન્સ ટાઉન રવાના થશે જ્યાં તેમણે ન્યૂઝીલેન્ડ-એ ટીમ સામે ૧ ત્રણ દિવસીય અને ૧ ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમવાની છે.
યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની શ્રેણી ૨૭મી નવેમ્બરે રમાનારી પ્રથમ ટી૨૦ મેચ સાથે થશે. બીજી અને ત્રીજી ટી૨૦ મેચ ૨૯મી તથા ૩૦મી નવેમ્બરે માઉન્ટ મોનનગુનઇ ખાતે રમાશે. ત્યારબાદ હેમિલ્ટન ખાતે ત્રીજી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ, વેલિંગ્ટન ખાતે ૧૧મી ડિસેમ્બરે બીજી ટેસ્ટ મેચ રમાશે. બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રહેશે. ટેસ્ટ શ્રેણી પહેલાં કેરેબિયન ટીમ ૨૦મીથી ૨૨મી નવેમ્બર અને ૨૬મીથી ૨૯મી નવેમ્બર સુધી બે પ્રેક્ટિસ મેચ રમશે.
સાત ખેલાડીઓ બે સપ્તાહ માટે ક્વોરન્ટાઇન થશે
વેસ્ટ ઇન્ડિઝના સાત ખેલાડી ટી૨૦ સુકાની કિરોન પોલાર્ડ, ટેસ્ટ સુકાની જેસન હોલ્ડર, શિમરોન હેતમાયર, કીમો પોલ, ફેબિયન એલન, નિકોલસ પૂરન તથા ઓશાને થોમસ ૧૦મી નવેમ્બરે સમાપ્ત થયેલી આઇપીએલ લીગના કારણે યૂએઇમાં હતા. બોર્ડે જણાવ્યું હતું કે આ ખેલાડીઓ ઓકલેન્ડ પહોંચી ગયા છે અને હવે તેઓ બે સપ્તાહ માટે ક્વોરન્ટાઇન થશે.