શબ્દલોકથી સ્વર્ગલોક…:‘વિદાયની વેળાએ હૃદય ભરાઈ આવે છે ને જીભ ઉપડતી નથી, થશે બધી વાત ફરી મળીશું ત્યારે’

0
109

જન્મે સ્પેનિશ પણ કર્મે સવાયા ગુજરાતી, 70થી વધારે પુસ્તકોની ભેટ આપનાર લોકશિક્ષક ફાધર વાલેસની અલવિદા

ફાધર વાલેસે જ્યારે ગુજરાતને અલવિદા કહી ત્યારે આ શબ્દો કહ્યા હતા. આજે તેમની વિદાય બાદ આ જ લાગણી ફાધરના વાચકો, વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે. માત્ર 24 વર્ષની વયે 1949માં ભારત આવ્યા બાદ મદ્રાસ, મુંબઈ થઈને અમદાવાદમાં જીવનનો માતબર સમય ગાળનાર ફાધર વાલેસને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ગુજરાતની પેઢીઓ યાદ રાખશે. ફાધરે સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ ગુજરાતીઓ માટે તેઓ ‘હતા’ નહીં પણ ‘છે’ એમ જ કહેવાશે. તેનું કારણ ગુજરાતમાં ગાળેલા મૂલ્યવાન વર્ષો દરમ્યાન ફાધરે અત્યંત સરળ, તટસ્થ અને લાગણીની તરબતર સર્જેલું સાહિત્ય છે. લોકશિક્ષક ફાધર વિશે દિવ્ય ભાસ્કરની વિશેષ પ્રસ્તુતિ

‘નવયુવાન! વિદ્યાર્થીભાઈ! તમારેને મારે કેટલુંય હજૂ કહેવાનું હતું. મનમાં ને હૃદયમાં કેટલીયે વાતો રહી જાય છે! વિદાયની વેળાએ હૃદય ભરાઇ આવે છે ને જીભ ઉપડતી નથી. પણ થશે બધી વાત…ફરી મળીશું ત્યારે!’ આ રીતે જાણે ફાધર વાલેસે પોતાની જ વિદાય લખી હતી. અંતે તેમણે પણ ‘શબ્દ લોક’થી ‘સ્વર્ગ લોક’ની સફર આદરી. તેઓ ગુજરાતી નહોતા પણ સવાયા ગુજરાતી હતા. ફાધર વાલેસ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હતા. થોડા દિવસ અગાઉ ચોથી નવેમ્બરના રોજ 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. 1990માં માતાની સેવા કરવા વતન જવા માટે ગુજરાત છોડ્યું હતું અને માદરે વતન મેડ્રિડ (સ્પેન)માં રહેતા હતા. ફાધર વાલેસ 10 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. સ્પેનિશ આંતરવિગ્રહમાં ઘર છૂટી ગયું હતું. અને ચર્ચમાં શરણાર્થી રહ્યા હતા. 15 વર્ષે દીક્ષા લીધી અને 1949માં ભારત આવ્યા. 1973માં અમદાવાદની પોળોમાં વિહારયાત્રાની શરૂઆત કરી અને પરિવારો સાથે ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા. ગુજરાતીમાં તેમણે 70થી વધુ અદભૂત પુસ્તકો આપ્યા હતા.

ફાધરની જીવન સર્જન યાત્રા
જન્મ: 
1925ની 4 નવેમ્બરે સ્પેનના લોગ્રોનોમાં
પિતાઃ જોસેફ, માતાઃ મારીયા

  • 1949માં કેથેલિક મિશનરી તરીકે ભારત આવ્યા, 1960માં અમદાવાદમાં આગમન
  • એમ.એ.(ગણિત)મદ્રાસ યુનિવસિર્ટી, 1953
  • 1960થી 1982 પ્રાધ્યાપક, સેંટ ઝેવિયર્સ કોલેજ,અમદાવાદ
  • 1966માં કુમારચંદ્રક, 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક

સાહિત્ય સર્જન
સદાચાર, તરુણાશ્રમ, જીવનજીવતાં, સાધકની આંતરકથા, લગ્નસાગર, પરદેશ, મૃગચર્ચાના લાભ, સમાજ ઘડતર, રોમ રોમ, આત્મીય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો, ગાંધીજી અને નવી પેઢી, શબ્દલોક (ફાધરે અંગ્રેજીમાં 24, સ્પેનિશમાં 42 પુસ્તકો પણ લખ્યા હતા)

ફાધર વાલેસ વિશે
શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવે
વ્યવહારે રળિયાત,
સ્પેન દેશના તમે નિવાસી
સોહ્યા અમ ગુજરાત!
પાક્કા ગુજરાતી થઈને તમે તો
સહુ પર વરસ્યા વ્હાલ,
માનવતાનો ધર્મ પ્રબોધ્યો
મોહક વાણી કમાલ!
વિહાર-યાત્રા ઘરે ઘરે કરી
સીંચ્યા છે સંસ્કાર,
અમારી જેમ બની રહ્યા તા
રાખ્યો ન ભાર લગાર!
સ્મરણ તમારા હૃદયે થશે
સ્મિત-ભર્યો શો ચહેરો રહેશે,
નયનમહીં મલકતો કહેતો
સાથ રહ્યો અનેરો!
– યોસેફ મેકવાન , કવિ અને વિવેચક

ગણિતને સાહિત્યના સ્તરે પહોંચાડ્યું, પારિભાષિક શબ્દોનું ભાષાંતર કર્યું
ફાધર વાલેસ 1949માં 24 વર્ષની ઉંમરે ભારત આવ્યા. તત્કાલિન મદ્રાસમાંથી તેમણે ગણિતની ડિગ્રી મેળવી. એ પહેલા તેમની પાસે ગ્રીક સાહિત્ય અને ફિલસુફીની ડિગ્રી હતી. એ દિવસોમાં નવગણિત અભ્યાસક્રમમાં આવ્યું હતું. ફાધર વાલેસે ગુજરાતીમાં તેની સરળ સમજૂતી આપતાં પુસ્તકો લખ્યા. ગણિતના અંગ્રેજી પારિભાષિક શબ્દોનું સરળ ભાષાંતર કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાં થયેલા તેમના સન્માન વખતે ગણિતશાસ્ત્રી મહાવીર વસાવડાએ કહ્યું હતું કે, ‘ફાધરે ગણિત જેવા બુદ્ધિના વિષયમાં હૃદયની લાગણી સાંકળી લીધી હતી. કન્યા પરણીને આવે તે પહેલાં જ એના વિશે માથાભારેની છાપ ઊભી થઇ ગઇ હોય એટલે કન્યા સીધીસાદી હોય તો પણ, તેને સાસરીમાં તકલીફ પડે. આવું ઉદાહરણ આપીને ફાધરે કહ્યું હતું કે ‘નવું ગણિત બિલકુલ અઘરું નથી. એ નવોઢાના શરમ-સંકોચ લઇને આવે છે. તેને પનોતાં પગલાં પાડવા દઇએ.’

શબ્દના ઉપાસકને શબ્દાંજલિ
ગુજરાતના સ્થાપના દિવસે વગર ટિકિટે અમદાવાદ આવ્યા, 30 વર્ષ ગુજરાતમાં રહ્યાં

રસપ્રદ વાત એ છે કે ફાધર વાલેસ ગુજરાતના સ્થાપના દિવસ 1લી મે, 1960ના દિવસે જ પહેલીવાર ગુજરાતમાં આવ્યા હતા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક પદે તેઓ નિમાયા હતા. મુંબઈથી અમદાવાદ ટ્રેન આવવા માટે તેઓ જ્યારે મુંબઈ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે ટિકિટ ખરીદનાર માણસ નહીં દેખાતા ફાધરને વિના ટિકિટે જ ટ્રેનમાં બેસી જવું પડ્યું હતું. આ રીતે ટિકિટ ખરીદાયેલી હોવા છતાં તેઓ વગર ટિકિટે ગુજરાત આવ્યા હતા.

‘માતા-પિતાની સાથે રહેવું એ એમની મોટામાં મોટી સેવા’
નિવૃત્તિ બાદ ફાધર વાલેસ સ્પેન પોતાની માતા પાસે પહોંચ્યા હતા. માતા સાથે ગાળેલા સમય વિશે ફાધરે કહ્યું હતું કે, ‘વૃદ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી પૂરો થતો નથી. જીવનનું સૌથી મોંઘુ ઔષધ માતાનો પ્રેમ છે. મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.’

ભારતીય તહેવારો વિશે ફાધરનું ચિંતન
ફાધર વાલેસે ભારતીય તહેવારો વિશેનું ચિંતન, અભ્યાસ રજૂ કરતું સરસ પુસ્તક પણ આપ્યું હતું. તહેવારોમાં છૂપાયેલા ગુઢાર્થોને પણ ફાધરે ઉકેલી બતાવ્યા હતા. જેમ કે, દશેરાને તેમણે ‘સીમોલ્લંઘનના પર્વ’ તરીકે ઓળખાવ્યું.- પોતાની સીમાઓનો વિસ્તાર કરવાનું પર્વ. ગણેશોત્સવ અને ગણેશવિસર્જન વિશે ફાધરે કહ્યું કે દરેક વર્ષે ભગવાન વિશેની આપણી જૂની માન્યતાઓનું વિસર્જન કરવું અને તે નવીનતમ કરતા રહેવું, એ મૂળ ધ્વનિ છે.

ગુજરાતી સાહિત્ય જગતને ફાધરની ખોટ રહેશે
સવાયા ગુજરાતી તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાર્લોસ જી. વાલેસ (ફાધર વાલેસ) ના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ગુજરાતી સાહિત્ય જગતને તેમની ખોટ હંમેશાં રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે. ૐ શાંતિ… – વિજય રૂપાણી, મુખ્યમંત્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here