શશી થરૂરની હકાલપટ્ટી થશે મમતા પર કોઇને ભરોસો નથી

0
91

– રાજકીય ગપસપઃ નિતીશ ફરી જીતી રહ્યા છે

– દિલ્હીમાં સરકારી હોસ્પિટલોમાં પ્રાઇવેટ કરતાં સારી સેવા  સિસોદીયા-સત્યેન્દ્ર જૈન પ્રાઇવેટમાં સારવાર લે છે.

મમતા પર કોઇને ભરોસો નથી

મમતા બેનરજી પર ભરોસો મુકવા તેમના રાજ્યના ડાબેરી પક્ષો પણ તૈયાર નથી. તાજેતરમાં દિલ્હીના હુલ્લડોમાં ડાબેરી નેતા સિતારામ યેચુરીનું નામ આવતાંજ મોદી સરકાર પર માછલાં ધોવાના શરૂ થયા હતા. મમતા બેનરજીએ પણ સિતારામ યેચુરીની ફેવર કરીને કહ્યું હતું કે મોદી સરકાર કિન્નાખોર છે. પરંતુ મમતાના નિવેદન પર ડાબેરી પક્ષોએ બહુ ખુશી બતાવી નહોતી. તેમણે તો એમ કહ્યું કે આ બાઈનો (મમતા)કોઇ ભરોસો ના થાય, ચૂંટણી આવશે એટલે તે ભાજપ તરફ નમી જશે. મમતાએ સિતારામની તરફેણ તો કરી પણ બૂમરેંગ થયું હતું. કોંગ્રેસ તો તેમને દુરથીજ નમસ્કાર કરે છે…

શશી થરૂરથી કોંગીજનો નારાજ

બહુ સ્માર્ટ બનીને ફરતા કોંગ્રેસના સાંસદ શશી થરૂર કોંગ્રેસના ડાર્લીંગ બોય હતા પરંતુ જ્યારથી તેમણે કોંગ્રેસના પ્રમુખ બદલવાના ૨૩ લોકોની સંમતિના પત્રમાં સહી કરી છે ત્યારથી તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગણી તેજ બની છે.

 કેરળના કોંગીજનોએ તો તેમને પક્ષમાંથી દુર કરવાનો પત્ર પણ કોંગી મોવડીમંડળને લખી નાખ્યો છે. વચ્ચે એક અફવા ઉડી હતી કે ભાજપવાળા શશી થરૂરને મુખ્ય પ્રધાન બનાવવાની ઓફર સાથે તોડી લાવશે પરંતુ શશી થરૂરે તાજેતરમાંજ ભાજપની ટીકા કરીને અફવાનું ખંડન કર્યું હતું. કહે છે કે કોંગ્રેસ ટિકીટ નહીં આપેતો ડાબેરી પક્ષો તેમને ટિકીટ આપવા તૈયાર છે…. 

કોંગ્રેસને સ્માર્ટ પ્રવક્તા જોઇએ છે…

કોંગ્રેસે કરેલા ફેરફારમાં રણદીપ સુરજેવાલાને કર્ણાટકના મહામંત્રી તરીકે મુકાતા પ્રવક્તા તરીકેની જગ્યા ખાલી પડી છે. આમતો, આનંદ શર્મા,મનિષ તિવારી અને અભિષેક મનુ સિંધવી જેવા મોટા માથાઓ છે પરંતુ કોંગ્રેસના પ્રમુખ બદલવા ૨૩ નેતાઓએ કરેલી સહીનો મામલો કોંગ્રેસને મૂંઝવી રહ્યો છે. શર્મા અને તિવારી બંનેએ સહી કરી હતી એેટલે તેમને મુકી શકાય એમ નથી અને અભિષેક મનુ સિંધવી પાસે સમય નથી. હિન્દી-અંગ્રેજીના જાણકારને ચાન્સ મળે એમ છે. સચીન પાઇલોટ પરફેક્ટ ઉમેદવાર છે પરંતુ તે બળવો કરી ચૂક્યા હોઇ તે ઇમેજ બગાડી શકે છે. તમારા ધ્યાનમાં કોઇ હોય તો રાહુલ ગાંધીને કહેજો…

રાજકારણીએાને બકવાસ ભારે પડે છે..

જ્યારે ગૃહપ્રધાન અમિતશાહને દિલ્હીની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે આમ આદમી પાર્ટીનું સોશ્યલ નેટવર્ક એવી ચાંપલાશ કરતું હતું કે દિલ્હી સરકાર સંચાલિત હોસ્પિટલો સુંદર સેવા આપે છે પણ અમિત શાહને તેમના પર ભરોસો નથી વગેરે..વગેરે..

હવે નાયબ મુખ્ય પ્રધાન મનિશ સિસોદીયાને પ્રાઇવેટમાં દાખલ કર્યા છે અને કેટલાક દિવસ પહેલાં દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને પણ પ્રાઇવેટમાં દાખલ કરાયા હતા. આમ આદમી પાર્ટીના બહુ બોલકા નેતાઓ હવે અમિત શાહની સારવાર બાબતે બોલતા બંધ થઇ ગયા છે.

આમ આદમી પાર્ટીના સોશ્યલ નેટવર્કના લોકો હજુ અપરિપક્વ છે એમ  કહી શકાય.

નિતીશ કુમારના ગ્રહો બળવાન

૧૦મી નવેમ્બરે બે મહત્વની ઘટના બનવા જઇ રહી છે. એક તો બિહારનું પરિણામ આવશે અને બીજું  એ કે આઇપીએલની ફાઇનલનો જંગ ચાલતો હશે. ટીવી વાળાઓ માટે બંને વધુ ટીઆરપી ખેંચી લાવતી ઘટનાઓ છે. બિહારના જંગ પર સૌની નજર છે કેમકે કોરોના વાઇરસમાં ચૂંટણી જંગ ખેલાયો છે તે તો ઠીક પણ સખત્ત આર્થિક મંદી અને બેરોજગારીની ગંભીર અસર હેઠળ લોકો કઇ તરફ મતદાન કરશે તે પર સૌની નજર છે.

વિપક્ષોએ બેરોજગારી અને મંદીને મુદ્દોે બનાવ્યો છે પરંતુ તેમનામાં એકતાનોે અભાવ છે. નિતીશ કુમારે વિપક્ષો એક ના થાય તે તરફ વધુ ધ્યાન આપ્યું હતું અને તેમાં તે સફળ પણ થયા છે. પ્રથમ નજરે એમ કહી શકાય કે નિતીશ કુમાર ફરી મુખ્ય પ્રધાન પદે આવશે પરંતુ ભારતની ચૂંટણીઓ અનિશ્ચિતતાથી ભરેલી છે …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here