વડોદરા શહેર જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે બજારોમાં ખરીદી માટે જોવા મળી રહેલી ખરીદીનુ એક કારણ એ પણ છે કે, ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહથી બોનસ ચુકવવાનુ શરુ કરાયુ હતુ અને નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઉદ્યોગો દ્વારા આ કામગીરી ચાલુ રહી હતી.
વડોદરાની ડેપ્યુટી લેબર કમિશનરની કચેરીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ૪૪૯ જેટલા ઉદ્યોગોએ ૬૬૦૦૦ કામદારોને ૯૭.૯૭ કરોડ રુપિયા બોનસ તરીકે આપ્યા છે.કચેરી પાસે પાંચ જેટલી કંપનીના કામદારો દ્વારા બોનસ નહીં અપાતુ હોવાની ફરિયાદો પણ આવી હતી.જેનો કચેરી દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો.
કચેરીના વડોદરા રિજન હેઠળ વડોદરા ઉપરાંત ભરુચ, નર્મદા, રાજપીપળા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહિસાગર, નડિયાદ અને આણંદ એમ નવ જિલ્લા આવે છે.વડોદરા રિજનની વાત કરવામાં આવે તો વડોદરા સહિત નવ જિલ્લામાં ૯૯૫ ઉદ્યોગો દ્વારા ૧.૮૮ લાખ કામદારોને ૨૬૬.૮૮ કરોડ રુપિયાનુ બોનસ દિવાળી પર્વ પહેલા ચુકવવામાં આવ્યુ હોવાનુ કચેરીના સૂત્રોનુ કહેવુ છે.
કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનથી ઉદ્યોગો બે મહિના સુધી બંધ રહ્યા હતા.જેના કારણે બોનસ ચૂકવણી ઓછી થશે તેવી અટકળો થઈ રહી હતી પણ તે સાચી પડી નથી.ગયા વર્ષે વડોદરા રિજનમાં બોનસ પેટે ૨૨૩ કરોડ રુપિયા ચુકવાયા હતા.આ વખતે બોનસની રકમ તેના કરતા વધારે છે.