શૂન્યતા એ મુક્તિનું દ્વાર

  0
  127

  ભગવાન બુદ્ધ કહે છે જગતમાં એક જ એવી વસ્તુ છે કે જેનો નાશ થતો નથી. બધું નષ્ટ થયા બાદ પણ જે શેષ રહે છે. તે’ શૂન્ય’ છે. શૂન્યતા મુક્તિનો દરવાજો છે.

  એ ક સમયે ભગવાન બુદ્ધને પૂછવામાં આવ્યું કે, આપે જે આત્મ પ્રકાશ પ્રાપ્ત કર્યો એ અમારા જેવા સામાન્ય જન કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? એ આપ અમને કહેશો ?

  પ્રત્યુત્તરમાં ભગવાન તથાગતે જણાવ્યું,મારી સમજ મુજબ મોક્ષના ત્રણ દ્વાર છે. મુક્તિનું પ્રથમ દ્વાર છે ‘શૂન્યતા’ બીજું દ્વાર ‘અનિમિત્તતા’ અને ત્રીજું દ્વાર છે ‘આપ્પનિહતા.’

  અહીં પ્રત્યેક જીવ નાશવંત છે. અહીં જન્મ છે તો મરણ પણ છે જે ઉત્પન્ન થયું છે તે સમાપ્ત થઈ જશે. પરંતુ ભગવાન બુદ્ધ કહે છે જગતમાં એક જ એવી વસ્તુ છે કે જેનો નાશ થતો નથી. બધું નષ્ટ થયા બાદ પણ જે શેષ રહે છે. તે’ શૂન્ય’ છે. શૂન્યતા મુક્તિનો દરવાજો છે. જે પ્રમાણે આકાશ શૂન્ય છે એ જ રીતે આપણી ભીતર પણ આકાશ છે, જે શૂન્ય છે જેને વેદાંતમાં ‘ચિદાકાશ’ કહે છે મન જયારે સંકલ્પ- વિકલ્પ, રાગ-દ્વેષથી મુક્ત થઈ જાય, બધા દ્વંદ્વો દૂર થઈ જાય, એવી ભીતરી શૂન્યતા મુક્તિ છે. મુક્તિ એ કોઈ એવું સ્થળ નથી કે જ્યાં જઈને રહી શકાય. ક્યારેક આપણે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે એકાદ ક્ષણ માટે પણ શૂન્ય થઈ જઈએ છીએ. કંઈ કરવાનું ન રહે, એવું જીવનમાં બને છે. એક કામ કરવા જેવું છે, ક્યારેક પાંચ મિનિટ ધ્યાનમાં બેસો આમાં ક્યારેક એવી ક્ષણ આવે છે કે, જ્યારે સાધક શૂન્ય થઈ જાય છે, એ ક્ષણ મુક્તિની છે.

  બુદ્ધે કહ્યું, ‘મુક્તિ માટેનું બીજું દ્વાર ‘અનિમિત્તતા’નું છે. પરિસ્થિતિ વશ, સંજોગોવશાત્ આપણે ક્યારેક કોઈ ઘટના કે બનાવનાં નિમિત્ત બનવું પડે છે પરંતુ નિમિત્તે એ પણ માનવ માટે બંધનનું કારણ બને છે. બુદ્ધના જણાવ્યા પ્રમાણે નિમિત્ત બનવું એ પણ માનવીને બાંધે છે. બુદ્ધ પર એવી કોઈ મુક્તિની જવાબદારી નહોતી. તેઓ કોઈના મુક્તિના નિમિત્ત નથી. એમની એટલે કે બીજાની મુક્તિનું કારણ એ પોતે છે. મારી મુક્તિનું કારણ હું છું. એકબીજાના માર્ગદર્શક બની શકાય. પરંતુ કોઈને મોક્ષ અપાવી દેવાનો દંભ ન કરાય. અનિમિત્તાત નાસ્તિક આસ્તિકના ભેદ મિટાવી દે છે.

  ભગવાન બુદ્ધે ત્રીજુૂં દ્વાર સૂચવ્યું ‘આપ્પનિહતા’નું જે મુક્તિ માટેનો મહત્ત્વનો રાહ છે જેનો અર્થ થાય છે. અપ્પોદીપોભવ સૌ પોતપોતાનો દીવો બને. અહીં સૌ પોતપોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે. છતાં પણ તે અધ્યાત્મના રાહ પર એકલો પ્રવાસી છે. બુદ્ધે કહ્યું, ‘હું તો ફક્ત સમજાવી શકું કે મારા અંતરાત્મામાં જેમ દીવો પ્રગટયો છે તેમ તમારામાં પણ દીવો પ્રગટી શકે. પણ તેના માટે ન તો હું નિમિત્ત બન્યો છું. ન તો તમે.

  આ પ્રમાણે ભગવાન બુદ્ધે પોતાના આત્મદીપથી ઘણાંની આત્મજ્યોત પ્રગટાવી પણ એમણે ક્યારેય એવો દાવો કર્યો નથી કે હું આના માટે નિમિત્ત બન્યો છું.

  – પરેશ કે. અંતાણી

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here