કોરોના સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર કરવામાં અમેરિકા વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી અમેરિકામાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે. વોશિંગ્ટનમાં 294 દિવસ પહેલાં કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો. અમેરિકામાં શનિવારે 1 લાખ 31 હજાર 420 કેસ નોંધાયા હતા.
અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં કોરાનાના નવા કેસની એવરેજ સંખ્યા 1,05,600 નોંધવામાં આવી છે. તેમાં 29 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. અમેરિકામાં કુલ કેસ ભારત (85 લાખથી વધારે) અને ફ્રાન્સ (17 લાખથી વધારે) કેસ કરતાં વધારે છે.
અત્યારસુધીમાં કોરોનાથી દુનિયામાં 5 કરોડ 7 લાખ 37 હજાર 875 કેસ સામે આવ્યા છે. 12 લાખ 62 હજાર 130 લોકોનાં મોત થયાં છે. સારી વાત એ છે કે 3 કરોડ 57 લાખ 95 હજાર 252 લોકો સાજા થઈ ચૂક્યા છે.
ફિલિપિન્સમાં છોડ વાવવાનો ક્રેઝ વધ્યો
ફિલિપિન્સમાં લોકો ઘરમાં ગ્રીનરી વધારવા પર ભાર આપી રહ્યા છે.
કોરોનાકાળમાં પ્રતિબંધોને કારણે દેશમાં છોડ વાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. છોડની કિંમતોમાં પણ ઘણો વધારો થયો છે. એને કારણે લોકો બગીચાઓમાંથી પણ છોડ ચોરી રહ્યા છે. મહામારી દરમિયાન તણાવથી બચવા લોકો ઘરમાં છોડ વધારવા પર ભાર આપી રહ્યા છે. મહામારી પહેલાં છોડવાની કિંમત 800 પેસો (ફિલિપિન્સ કરન્સી) હતી જે હવે વધીને 55 હજાર પેસો પહોંચી ગઈ છે. મનીલાની એક પ્લાન્ટ સેલર અરલીન ગુમેરા-પાઝ કહે છે કે, લોકડાઉન દરમિયાન રોજનું ટર્નઓવર ત્રણ ગણું થઈ ગયું છે.
ફ્રાન્સ: 24 કલાકમાં 38,619 કેસ સામે આવ્યા છે
ફ્રાન્સમાં કુલ કેસ 18 લાખ નજીક થઈ ગયા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 30,243 થઈ ગઈ છે. 118 દર્દી વેન્ટિલેટર પર છે. સંક્રમણને નિયંત્રિત કરવા માટે ફ્રાન્સે 30 ઓક્ટોબરે નવું લોકડાઉન લગાવી દીધું છે. તેના અંતર્ગત બિનજરૂરી દુકાનો, કેફે, રેસ્ટોરાં વગેરે બંધ કરી દેવામાં આવ્યાં છે. એ ઉપરાંત લોકોને ઘરમાં રહેવાનો જ આદેશ આપવામાં આવ્યો છે. માત્ર જરૂરી વસ્તુઓ, સ્વાસ્થય અને ઈમર્જન્સીની વસ્તુઓ લેવા માટે જ બહાર નીકળવાની જ મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્યમંત્રી ઓલિવર વેરને રવિવારે જણાવ્યું હતું કે ઉપાયોથી મહામારીને ઓછી કરવામાં મદદ મળે છે પરંતુ તરત અંદાજ લગાવવાની ઉતાવળ ન કરવી જોઈએ.
બ્રિટનથી ડેન્માર્ક આવતા યાત્રીઓ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા
ડેન્માર્કમાં કોરોના સંક્રમણમાં વધારા પછી રવિવારે બ્રિટને નવા ઉપાયો હાથ ધર્યા છે. બ્રિટિશ નાગરિક ડેન્માર્કથી પરત આવી શકે છે, પરંતુ તેમને અને તેમના પરિવારના સભ્યોને 14 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. બીબીસીના જણાવ્યા પ્રમાણે, હવે કેબિન ક્રૂને પણ નિયમોમાં છૂટ આપવામાં આવશે નહીં. 5 નવેમ્બરથી ઈંગ્લેન્ડમાં બીજું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.