સપ્ટેમ્બરમાં ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં રિટેલ ફુગાવો વધીને 7.34 ટકા

0
112

– સરકારે ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદનનાં આંકડા રજૂ કર્યા

– ઓગસ્ટમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો 6.69 ટકા જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 3.99 ટકા હતો

ખાદ્ય વસ્તુઓના ઉંચા ભાવને પગલે સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને 7.34 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત ફુગાવો 6.69 ટકા રહ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીપીઆઇ આધારિત રિટેલ ફુગાવો 3.99 ટકા હતો. 

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 10.68 ટકા રહ્યો છે. જે ઓગસ્ટ મહિનામાં 9.05 ટકા હતો તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. 

બીજી તરફ ઓગસ્ટ મહિનામાં મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને પાવર જનરેશન સેક્ટરમાં નબળા ઉત્પાદનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન(આઇઆઇપી) ડેટા અનુસાર મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં8.6 ટકા જ્યારે માઇનિંગ અને વીજળી સેક્ટરમાં અનુક્રમે 9.8 ટકા તથા 1.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2019માં આઇઆઇપીમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલિમેન્ટેશન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના પહેલાના આઇઆઇપી આંકડા સાથે કોરોના પછીના આઇઆઇપી આંકડા સાથે સરખામણી કરવી યોગ્ય નથી. 

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે કોરોનાન રોકવા માટે મૂકવામાં આવેલા પ્રતિબંધો તબક્કાવાર હટાવવામાં આવતા ઓદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકારે 25 માર્ચ, 2020થી લોકડાઉનની જાહેરાત કરી હતી. એપ્રિલ મહિનામાં મોટા ભાગના ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો બંધ રહેવાથી આઇઆઇપી આધારિત ઓદ્યોગિક ઉત્પાદનમાં 57.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here