સફરજનની પેટીઓમાં સંતાડીને લઈ જવાતો 1 કરોડનો ચરસનો જથ્થો કબજે

0
86

લુધિયાણાથી કારમાં ચરસ લઈને મુંબઈ જઈ રહેલા બે શખ્સોને ATSએ ઝડપી લીધા : આરોપીઓને 50 હજાર મળવાના હતા

પંજાબના લુધીયાણાથી બે શખ્સો કારમાં ચરસનો જથ્થો લઈને જવાના હોવાની માહિતીને આધારે એટીએસે પાલનપુર ટોલનાકા પાસેથી બે શક્સોને ઝડપી લીધા હતા. પોલીસે કારમાં તપાસ કરતા સફરજનની પેટીઓમાં સંતાડેલો ૧ કરોડ ૨ લાખ રૃપિયાની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ લુધીયાણાથી ચરસ લઈને મુંબઈમાં ઈમરાન નામના શખ્સને આપવા જવાના હતા અને આ કામ માટે તેમને રૃ.૫૦,૦૦૦ મળવાના હતા, એમ પોલીસે કહ્યું હતું.

 ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધતા ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં એટીએસને માહિતી મળી હતી કે પંજાબના લુધીયાણાથી બે શખ્સો મહારાષ્ટ્ર પાસીંગની વેગનઆર કારમાં ચરસનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે પાલનપુર ટોલનાકા પાસે મલાણા ગામ નજીક મહાકાલ હોટેલ પર વોટ ગોઠવી હતી. જેમાં વેગનઆર કાર આવતા જ પોલીસે તેને અટકાવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં કારમાં સફરજનની પેટીઓમાં સફેદ પ્લાસ્ટીકના થેલામાં માદક પદાર્થ મળી આવ્યો હતો. તપાસ કરતા આ માદક પદાર્થ ચરસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૧ કરોડ ૨ લાખ રૃપિયાની કિંમતનો ૧૬.૭૫૩ કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કરીને બે શખ્સોની અટક કરી હતી.

પુછપરછમાં  બન્ને શખ્સોએ તેમના નામ ફહીમ અઝીમ બેગ (૩૧) અને સમીર અહેમદ શેખ (૨૭) હોવાનું જણાવ્યું હતું. ફહીમ મુબઈના માહિમ  વેસ્ટનો રહેવાસી છે અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે. જ્યારે સમીર મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી છે. બન્ને સાળો બનેવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વધુમાં તેમણે પોલીસને કહ્યું હતું કે મુંબઈના માહિમમાં રહેતો અને અમદાવાદમાં વટવામાં મકાન ધરાવતા  ઈમરાન નામના  શખ્સે તેને વેગનઆર લઈને લુધીયાણા મોકલ્યા હતા. લુધીયાણામાં સબ્જી મંડીમાં જમ્મુ કાશ્મીર પાસીંગની ટ્રકમાંથી એક શખ્સ તેમને ચરસનો જથ્થો આપી ગયો હતો અને તે ઈમરાનને આપવાનો હતો. આ કામ માટે ઈમરાન તેમને રૃ.૫૦,૦૦૦ આપવાનો હતો. પોલીસે હવે ઈમરાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here