અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. જો બાઇડન ચૂંટણી જીતી ચૂક્યા છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી હાર માની નથી. હવે ફોક્સ ન્યૂઝના એક સમાચારે સસ્પેન્સને વધારી દીધું છે. એના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્હાઇટ હાઉસમાં બાઇડનના વેલકમની જગ્યાએ ટ્રમ્પના બીજા કાર્યકાળની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બાઇડનને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદના શપથ લેવાના છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે તેવું કહીને મામલાને જટિલ બનાવી દીધો કે કયું એડમિનિસ્ટ્રેશન રહેશે, એની રાહ જુઓ. જોકે તેમણે આ બાબતે વિસ્તારથી કંઇ કહ્યું નથી.
સલાહકારે શું કહ્યું?
ફોક્સ બિઝનેસ નેટવર્ક સાથે વાત કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નેવારોએ કહ્યું- “વ્હાઇટ હાઉસમાં એ માનવામાં આવી રહ્યું છે કે અને અમે પણ એવું માની રહ્યા છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ રહેશે અને તેમનો બીજો કાર્યકાળ શરૂ કરશે.” આને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નેવારોની વાતોથી ફરીથી સવાલ સામે આવી રહ્યા છે કે ટ્રમ્પે અત્યારસુધી પરંપરા મુજબ બાઇડનને શા માટે અભિનંદન આપ્યાં નથી? તેઓ કેમ હાર માનવા તૈયાર નથી? એ સ્પષ્ટ છે કે વ્હાઇટ હાઉસમાં કંઇક તો ચાલી રહ્યું છે.
કંઈ વાતની રાહ
નેવારોએ વધુ કહ્યું હતું કે અમે ચકાસણી કરી અને પ્રમાણિત મતપત્રોની ગણતરી કરવા માગીએ છીએ. ચૂંટણીમાં થતી ધાંધલપટ્ટીની તપાસ થવી જોઈએ અને આ સિવાય જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એના પર ચિત્ર સ્પષ્ટ હોવું જોઈએ. બાઇડને હજી સુધી ચીન પર કોઈ નિવેદન આપ્યું નથી, જેથી તે સ્પષ્ટ થઈ જશે કે તેમની સાથે તેઓ કેવા સંબંધ રાખશે અથવા વેપાર નીતિ કેવી હશે.
રસ્તો સરળ નથી
ટ્રમ્પના સમર્થકો ભલે ગમે તે કહી રહ્યા હોય, પણ એટલું તો સ્પષ્ટ છે કે બાઇડનની જીત નક્કી થઈ ચૂકી છે. દુનિયાના ઘણા નેતાઓ તેમણે અભિનંદન પાઠવી ચૂક્યાં છે. એવામાં સવાલ ઊઠી રહ્યા છે કે ટ્રમ્પ કેમ્પ કેમ મૌન છે. ટ્રમ્પ તરફથી બાઇડનને અભિનંદન કેમ પાઠવવામાં આવ્યાં નથી. આ સવાલનો જવાબ આગામી દિવસોમાં મળવાની આશા છે.