સુરતના ભટારમાં વિદ્યાર્થીનો ATM કાર્ડ લઈ ભાગવા જતા બે ગઠિયા પૈકી એક ઝડપાયો

0
94

ભટાર ચાર રસ્તા સ્થિત ICICI બેંકના ATMમાં મદદ કરવાના બહાને B.Techના વિદ્યાર્થીનો ATM કાર્ડ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થીનો ATM કાર્ડ લઈને ભાગવાની કોશિષ કરતાં બે પૈકી એક ગઠિયાને સિક્યુરીટી ગાર્ડની મદદથી ઝડપી લઈને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગઠિયાએ કહ્યું હું ટ્રાન્જેક્શન કરી આપું
ભટાર આર.ડી પાર્ક નજીક શિવના રો હાઉસમાં રહેતો અને બારડોલી ખાતે B.Techનો અભ્યાસ કરતો તીર્થ હિરેન પટેલ (ઉ.વ. 20) માતા અનીષાબેનનો બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનો એટીએમ કાર્ડ લઇ ભટાર ચાર રસ્તા સ્થિત બેંકના એટીએમ સેન્ટરમાં રોકડ ઉપાડવા ગયો હતો. પરંતુ બેંકના એટીએમમાં રોકડ નહીં ઉપડતા બાજુના ICICI બેંકના ATMમાં ગયો હતો. જયાં પણ પૈસા ઉપડયા ન હતા પરંતુ ત્યાં અગાઉથી હાજર બે પૈકી એક યુવાને તમારાથી ટ્રાન્જેકશન થતું નહી હોય તો તમારો ATM કાર્ડ મને આપો હું ટ્રાન્જેકશન કરી આપું છે.

આરોપીને પોલીસ હવાલે કરાયો
જેથી તીર્થએ ATM કાર્ડ આપ્યું હતું અને યુવાને ચાલાકી પૂર્વક ATM કાર્ડ બદલવાનો પ્રયાસ કરતા તીર્થની નજર પડી ગઇ હતી. જેથી પોતાનું ATM કાર્ડ પરત માંગતા બંને યુવાનોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી એક ભાગી ગયો હતો અને તીર્થએ બુમાબુમ કરતા બીજો યુવાન સિકયુરીટી ગાર્ડની મદદથી ઝડપાય ગયો હતો. યુવાને ભાગવા માટે તીર્થ સાથે ઝપાઝપી પણ કરી હતી જેમાં તીર્થને ગળાના ભાગે ઇજા થઇ હતી.ઘટના અંગે તીર્થે તેના પિતા અને પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ દોડી આવી હતી. પોલીસે ઝડપાયેલા યુવાનની પુછપરછ કરતા તેણે પોતાનું નામ કમલકુમાર બજરંગ સિંહ (ઉ.વ. 24, રહે. જય પ્રકાશ યાદવના મકાનમાં, મહાદેવનગર, ગુ. હા. બોર્ડ, પાંડેસરા) અને ભાગી જનાર તેના સાથીદારનું નામ પરદુમ ગોવિંદ સિંહ (રહે. વિનાયક નગર, પાંડેસરા) હોવાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here