લીંબાયતમાં મંગળવારની મધરાત બાદ બનેલા બનાવમાં એક ચોર ભાગતા ઘરમાં જ પટકાતા ચોરેલો મોબાઈલ ફોન પણ તૂટી ગયો
સુરતના લીંબાયત સાંઈનાથ ચોક વિસ્તારમાં રહેતા અને ઉધનામાં સાયકલ રીપેરીંગની દુકાન ધરાવતા આધેડને ત્યાં મંગળવારની મધરાત બાદ બે ચોર ચોરી કરવા ધુસ્યા હતા. પરંતુ અવાજ થતા આધેડ જાગી જતા બંને તેમના ઉપર તેમજ પુત્ર ઉપર ચપ્પુ અને રેમ્બો છરા વડે હુમલો કરી પહેલા માળેથી કૂદીને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં એક ચોર ભાગતા ઘરમાં જ પટકાતા ચોરેલો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત સાંઈનાથ ચોક નવાનગર ઘર નં.118-119 માં રહેતા 46 વર્ષીય ચેતનભાઇ નારાયણભાઇ પાટીલ ઉધના દેવચંદનગરમાં રાહુલ સાયકલના નામે સાયકલ રીપેરીંગની દુકાન ધરાવે છે.
પોતાનું ટીવી બંધ હોય ચેતનભાઈ ગત મંગળવારે બાજુમાં રહેતા ભાઈને ત્યાં આઈપીએલની મેચ જોઈ મોડીરાત્રે પોતાના ઘરે આવી પહેલા માળે બેડરૂમમાં સુઈ ગયા હતા. તે સમયે તેમના બે પુત્રો રાહુલ ( ઉ.વ.20) અને પ્રતાપ ( ઉ.વ.18 ) તેમજ નવરાત્રી સમયે અમદાવાદ સાસરેથી પિયર આવેલી મોટી પુત્રી દિવ્યા ( ઉ.વ.23 ) આગળના રૂમમાં સુતા હતા. રાત્રે 1.30 વાગ્યે બેડરૂમમાં પ્લાસ્ટીકનો અવાજ આવતા જાગેલા ચેતનભાઈએ જોયું તો એક અજાણ્યો બેડરૂમમાંથી કિચન તરફ ગયો હતો.
ચેતનભાઈ ધીમેથી તેની પાછળ જતા હતા ત્યારે તેમની નજર હોલ-ગેલેરી પાસેના દરવાજાની વચ્ચે ઉભેલા અન્ય એક અજાણ્યા ઉપર પડી હતી.ચેતનભાઈએ કિચન તરફ ગયેલાને પકડી ચોર ચોર બૂમો પાડતા દરવાજા પાસે ઉભેલો આવ્યો હતો અને ચપ્પુ વડે ચેતનભાઈને પીઠના ભાગે એક ઘા માર્યો હતો.
ચેતનભાઈએ બૂમો પાડતા તેમના પત્ની સવિતાબેન અને બાળકો જાગી ગયા હતા, આથી હુમલો કરનાર પહેલા માળેથી કૂદીને બાઈક ચાલુ કરી ભાગી ગયો હતો.
ચેતનભાઈએ જેને પકડી રાખ્યો હતો તેના એક હાથમાં સવિતાબેનનો મોબાઈલ ફોન હતો જયારે બીજા હાથમાં રેમ્બો છરો હતો. રેમ્બો છરા વડે તેણે ચેતનભાઈને ડાબી બાજુ કુલ્લાના ભાગે ઘા મારી બીજો ઘા મારવા પ્રયાસ કર્યો ત્યારે ચેતનભાઈએ છરો પકડી લેતા હાથની આંગળીમાં ઇજા થઈ હતી.
ચેતનભાઈએ તેને છોડતાં તે ભાગ્યો હતો પણ ઘરમાં જ જમીન પર પટકાતા સવિતાબેનનો મોબાઈલ ફોન તૂટી ગયો હતો. તે ઉઠીને ભાગતો હતો ત્યારે ચેતનભાઈના પુત્ર રાહુલે રોકવા પ્રયત્ન કર્યો તો તેને પણ ડાબા હાથમાં છરાના બે ઘા ઝીંકી તે પણ પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો.
બુમાબુમ થતા જાગી ગયેલા પાડોશીઓએ 108 ને જાણ કરતા ચેતનભાઈ અને રાહુલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં ચેતનભાઈએ બનાવ અંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એચ.બી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.