સુરતમાં લોકડાઉન બાદ ઠપ્પ થયેલા કાપડ ઉદ્યોગમાં દિવાળીની ખરીદી નીકળી, 35 ટકા ઓનલાઈન ઓર્ડર મળ્યા

0
86
  • દિવાળી બાદ પોંગલ અને લગ્ન પ્રસંગમાં સારો વેપાર થવાની આશા

કારોના લોકડાઉનના કારણે કાપડના વેપારની ચિંતા ફેલાયેલી છે. જો કે સુરત ટેકસ્ટાઈલ ઉદ્યોગના વેપારીઓએ દિવાળીની ખરીદી નીકળતા ખુશી વ્યક્ત કરી છે. હજી દિવાળીને એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 2000-3500 કરોડ સુધીનો વેપાર પણ કરી લીધો છે. દિવાળી બાદ આવી રહેલી પોંગલ અને લગ્ન પ્રસંગમાં મોટો વેપાર થવાની આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે. સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓને 35 ટકા જેટલો ઓનલાઈન ઓર્ડર મળ્યો છે. કોરોનાની મહામારી હોવા છતાં પણ 60 ટકા જેટલો વેપાર થતાં વેપારીઓ પણ ચિંતામુક્ત થયા છે. એટલું જ નહીં પરંતુ વધુ ડિમાન્ડની સામે પ્રોડક્શન ઓછું પડી રહ્યું છે. જેની પાછળ લેબરની અછત અને ગ્રે-કાપડનું ઓછું ઉત્પાદન મૂળ કારણ માનવામાં આવી રહ્યું છે.

લોકડાઉન બાદ તહેવારની ખરીદી નીકળી
રાજેશભાઇ (કાપડના વેપારી) એ જણાવ્યું હતું કે, સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં સામાન્ય દિવસોમાં 2.50 કરોડ મીટર કાપડનો જથ્થો પ્રોસેસિંગ હાઉસમાંથી ઠાલવવામાં આવે છે, જે હાલ કોરોનાની મહામારીના કારણે ઘટીને 1.50 કરોડ મીટર થઈ ગયું છે.લોક ડાઉન બાદ ટેકસ્ટાઈલ ઉદ્યોગની સ્થિતિ કફોડી બની હતી.રાજ્ય સરકારના આદેશ બાદ કોરોનાની ચુસ્ત ગાઈડ લાઇન સાથે ફરી ધંધા વેપાર શરૂ થયા હતા. જ્યાં નવા વેપારની આશા વેપારીઓ સેવી બેઠા હતા. જો કે અનલોક દરમ્યાન શરૂ થયેલી માર્કેટ માત્ર બપોર સુધી જ ચાલુ રાખવામાં આવતી હતી અને વેપાર જોઈએ તેવો જોવા મળતો નહોતો.જેના કારણે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા હતા. વેપારીઓને આશા નહોતી કે કોરોનાની મહામારી વચ્ચે ચાલીસ ટકા પણ વેપાર થઈ શકશે.પરંતુ વેપારીઓ આ આશા રંગ લાવી અને ઓનલાઈન ઓર્ડરમાં 35 ટકા જેટલો વધારો થયો છે.જેના કારણે વેપારીઓ ચિંતામુકત બન્યા છે.

દિવાળીનો 50 ટકાથી વધુનો વેપાર થયો
સુરતના ટેકસ્ટાઈલ ઉદ્યોગનો દિવાળીના દિવસો દરમ્યાન કરોડોનો વેપાર રહેલો છે, જ્યાં ચાલુ વર્ષે માત્ર દિવાળીના આઠ દિવસ અગાઉ જ અંદાજીત 2000-3500 કરોડનો વેપાર ટેકસ્ટાઈલ ઉદ્યોગ દ્વારા કરી લેવામાં આવ્યો છે. તેમાં ખાસ આ વખતે કોરોનાની મહામારી વચ્ચે વેપારની આશા છોડી બેઠેલા વેપારીઓની દિવાળી ફળી છે.કોરોનાના ડરથી રાજ્ય બહારથી જે વેપારીઓ સુરત ઓર્ડર આપવા નહોતા આવી શકતા તે વેપારીઓએ સુરતના વેપારીઓને બલ્કમાં ઓર્ડર આપ્યા હતા. જે ઓર્ડરો પૂરા કરી દીધા બાદ હવે વેપારીઓ પાસે પણ પૂરતો સ્ટોક નથી રહ્યો. જેથી માલની ડિમાન્ડ વધી છે પરંતુ કાપડનું ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. જેની પાછળ લેબર ન હોવાના કારણે પ્રોસેસિંગ હાઉસમાં માત્ર 50 થી 60 ટકા જેટલું જ કાપડ નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.જો કે દિવાળીની સિઝનનો 50 થી 60 ટકા જેટલો વેપાર હાલ થઈ ચૂક્યો હોવાથી વેપારીઓએ પણ રાહત અનુભવી છે.

લોકડાઉન બાદ ઓનલાઈન વેપારમાં પણ 35 ટકા જેટલો વેપાર વધ્યો છે.

ઓનલાઈન વેપારમાં વધારો
ભેરુસિંહ (વેપારી)એ કહ્યું હતું કે, સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટના અગ્રણી અને વેપારી રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે વેપારીઓ માત્ર 15 ટકા જેટલો જ વેપાર કરી રહ્યા હતા. પરંતુ જેમ જેમ દિવાળીના દિવસો શરૂ થતાં જ રાજ્ય બહારથી ઓનલાઈન ઓર્ડરો મળ્યા હતા.જેના કારણે વેપારીઓનો છેલ્લા બે-બે વર્ષથી દુકાનોમાં રહેલ સાડીનો માલ પણ નીકળી ગયો છે. કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના વેપારીઓ સુરત આવી શકતા નહોતા, જેથી સોસીયલ મીડિયા, ફેસબુક તેમજ વોટ્સએપ માધ્યમથી વેપારીઓને ડિઝાઇન અને સેમ્પલોના ફોટોગ્રાફ મોકલવામાં આવતા હતા.જેના આધારે રાજ્ય બહારના વેપારીઓ સુરતના વેપારીઓને ઓર્ડર આપી રહ્યા હતા.

ઉત્પાદનમાં ઘટાડો થયો છે
ગત વર્ષે દિવાળીના દિવસો દરમ્યાન પ્રતિદિવસ 350 જેટલી ટ્રકો ભરીને સાડીનો માલ અલગ અલગ રાજ્યોમાં જતી હતી.જે કોરોનાની મહામારી વચ્ચે પણ આજે 200 જેટલી ટ્રકો સુરતથી અન્ય રાજ્યોમાં જઇ રહી છે. જેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,યુપી અને બિહાર જેવા રાજ્યોમાં ઓર્ડરો મળતા વેપારીઓને ખાસ્સો એવો ફાયદો પણ થયો છે. ગત વર્ષની દિવાળી દરમ્યાન 6 હજાર કરોડનો વેપાર થયો હતો. જેની સરખામણીએ હજી દિવાળીના આઠ દિવસ બાકી રહ્યા છે, ત્યારે 2000-3500 કરોડનો અંદાજીત વેપાર થઈ ચૂક્યો છે.જેના કારણે વેપારીઓને મોટી રાહત મળી છે. લેબરો ઓછા હોવાના કારણે પ્રોસેસિંગ હાઉસમાં પણ માત્ર 50થી 60 ટકા કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે.જેની સામે ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં વેપારીઓ પાસે માલનો સ્ટોક બચ્યો નથી. જ્યાં ડિમાન્ડ વધુ છે પરંતુ ઉત્પાદનમાં ઘટાડો છે.

વેપારીની આશા રંગ લાવી
રંગનાથ શારદા (સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટ વેપારી અને ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસો.ડાયરેકટર) એ જણાવ્યું હતું કે, મહત્વની વાત છે કે કોરોના ના કારણે તમામ ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા.પરંતુ સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને કોરોનાની સ્થિતિ વચ્ચે પણ સારો એવો વેપાર મળ્યો છે.જે વેપારીઓએ આશા છોડી દીધી હતી તે વેપારીઓને પણ બલ્કમાં ઓર્ડરો મળતાં વેપારીઓની આશા રંગ લાવી છે.

લગ્ન પ્રસંગની ખરીદી નીકળી
દિનેશભાઇ (કાપડ વેપારી) એ જણાવ્યું હતું કે 40 દિવસથી ખરીદી નીકળી છે. લગભગ 2000 કરોડ નો વેપાર સુરત કાપડ માર્કેટને મળ્યો હોય એમ કહી શકાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, સહિત ના રાજ્ય ના વેપારીઓ નીડર બની ખરીદી માટે સુરત આવી રહ્યા છે. હાલ 200-600 રૂપિયા સુધીની સાડી, ડ્રેસ સહિતના ગારમેન્ટની ખરીદી નીકળી છે. દિવાળી બાદ લગ્ન પ્રસંગની ખરીદી નીકળવાની આશા છે. 210 દિવસ બાદ વેપાર શરૂ થતાં સુરતના વેપારીઓમાં ખુશી દેખાય રહી છે. સરકાર ને માત્ર એટલી જ વિનંતી છે કે હવે લોકો જાગૃત થઈ રહ્યા છે આગળના દિવસોમાં વધુ છૂટ અપાઈ તો દરેક વેપાર ની શરૂઆત થઈ શકે છે. અને વેપારીઓ ફરી બેઠા થઈ શકે છે.

મંદી દૂર થાય તેવો આશાવાદ
રાહુલ ખાભેકર (નાસિકના સાડીના વેપારી)એ જણાવ્યું હતું કે, લોકડાઉનના 5 મહિના બાદ રક્ષા બંધનથી ખરીદી નીકળી છે. એટલે લગભગ 250 દિવસ બાદ સુરત સાડી, આર્ટ સિલ્ક, અને લગ્ન પ્રસંગની ફેન્સી રેડીમેન્ટ ગારમેન્ટની માંગ વધી છે. નાસિકથી 60 કિલો મીટર દૂર આવેલા ગામ લાસલગામમાં તેમની દુકાન આવેલી છે આખું ગામ લગભગ ખેડૂત છે. આ ગામમાં લગભગ 12 હજારની વસ્તી સામે 40 જેટલા નાના મોટા કાપડના વેપારીઓ છે. આ ગામમાં પૈસાની લગભગ કોઈ સમસ્યા નથી પણ લોકડાઉનમાં ઘરમાં બંધ લોકો હવે ખરીદીના ઉત્સાહ સાથે બહાર નીકળી રહ્યા છે, એટલે સુરત આવવાનો હેતુ પણ એ છે કે લોકોની પ્રસંદ એવા ગારમેન્ટની ખરીદી કરીએ તો વેપાર ફરી શરૂ થાય અને આર્થિક મંદી દૂર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here