રાત્રે ઘરે પહોંચ્યા બાદ મહિલાને ચેઈન ચોરાયાની જાણ થઈ
સુરતના પુણા ગામ ઓવરબ્રિજ નીચે શાકભાજી માર્કેટમાં સીતાફળ ખરીદી રહેલી મહિલાના ગળામાંથી અન્ય મહિલા ધક્કામુક્કી કરી રૂ.1.05 લાખની સોનાની ચેઇન ચોરી ગઈ હતી. રાત્રે ઘરે પહોંચ્યા બાદ મહિલાને ચેઈન ચોરાયાની જાણ થતા પુણા પોલીસ મથકમાં અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા ગામ ભૈયાનગરની પાછળ વિશ્વકર્મા સોસાયટી ઘર નં.43 માં રહેતા 55 વર્ષીય મીનાબેન મણીલાલ પરમાર ગત 25 ઓક્ટોબરના રોજ પુત્રવધુ હિરલ સાથે પુણા ગામ સીતાનગર ચાર રસ્તાથી રેશ્મા રો હાઉસ જવાના રસ્તા ઉપર યોગેશ્વર સોસાયટીના ગેટની સામે ઓવરબ્રીજની નીચે શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. શાકભાજી ખરીદી તેઓ રાત્રે 10.30 કલાકે ઘરે પાછા ફર્યા ત્યારે મીનાબેનના ગળામાં રૂ.1.05 લાખની કિંમતની સોનાની ચેઇન ન હતી. શાકભાજી માર્કેટમાં તેઓ સીતાફળ વેચવા વાળાની દુકાને ગયા હતા ત્યારે એક મહિલા ત્યા ઘક્કામુક્કી કરતી હોય પુત્રવધુ હિરલે કેમ ઘક્કા મારે છે પૂછતાં તે મહિલાએ મારે પણ સીતાફળ લેવા છે તેમ કહી સીતાફળ લીધા હતા અને ચાલી ગઈ હતી. બાદમા મીનાબેન અને હિરલ પણ સીતાફળ લઈને પોતાના ઘરે આવ્યા હતા.
આમ શાકભાજી લેવા માટે ગયેલા તે દરમ્યાન ભીડવાળી જગ્યાએ અથવા સીતાફળની દુકાને કોઈક અજાણી વ્યક્તિએ અથવા તો અજાણી મહિલાએ ગળામાંથી સોનાની ચેઈન ચોરી લીધાની ફરિયાદ મીનાબેને ગતરોજ પુણા પોલીસ મથકમાં નોંધાવી હતી.