સુરત: પ્રજા પાસે દંડ વસુલતાં પોલીસના વાહનોમાં જ પીયુસી ન હોવાના આક્ષેપ સાથે હોબાળો

0
68

– પોલીસ પાલિકા દંડ વસુલવામાં બેફામ બનતાં પ્રજામાં આક્રોશ

સિંગણપોર ચાર રસ્તા પર લોકો પાસે દંડ વસુલતાં પોલીસના બુલેટમાં પીયુસી કે ઈન્સ્યુરન્સના કાગળ ન હોવાની વાત સાથે લોકોનો હોબાળો

સુરત, તા. 12 ઓક્ટોબર 2020 સોમવાર

સુરતના સિંગણપોર ચાર રસ્તા પર પંદર વર્ષના બાળક પાસે મ્યુનિ. તંત્રએ આકરો દંડ વસુલ કરવાના વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા બાદ આજે સિંગણપોર વિસ્તારમાં લોકો પાસે પીયુસી- લાયસન્સ જેવા દસ્તાવેજ ન હોવાથી દંડ વસુલ કરતાં સરકારના પોલીસ વિભાગના બુટેલમાં જ પીયુસી અને અન્ય કાગળ ન હોવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થતાં લોકોમાં પોલીસ અને પાલિકાની કામગીરી સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. પોલીસ અને પાલિકા આડેધડ દંડ કરતી હોવાથી હવે લોકો આક્રોશ સાથે પોલીસ અને પાલિકાના અધિકારીઓ સામે દલીલબાજી કરી રહ્યાં છે.  

સુરતમાં પાલિકા કરતાં પણ પોલીસ વાહન ચાલકો પાસે દંડ વસુલ કરવામા માનવતા નેવે મુકી રહી છે. પોલીસ દ્વારા લોકો પાસે આડેધડ દંડની વસુલાત કરવામા આવતી હોવાથી હાલ મંદીમાં ભીસાતા લોકોની હાલત વધુ કફોડી થઈ રહી છે. પોલીસ રીતસર દાદાગીરીથી લોકો પાસે દંડ વસુલી રહી હોવાથી લોકોમાં પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં બે દિવસ પહેલાં જ્યાં પંદર વર્ષીય ગરીબ બાળક પાસે પાલિકાએ 400 રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો તે સ્થળની નજીક જ આજે પોલીસ વાહન ચેકીંગ સાથે લોકોને દંડ વસુલ કરતી હતી. 

આર.ટી.ઓ.ના મેમાની બીક બતાવીને પોલીસ વાહન ચાલકો પાસે પીયુસી કે અન્ય કાગળ ન હોય તો આકરો દંડ ફટકારી રહી છે. આજે પોલીસ દંડ કરી રહી હતી ત્યારે બાળકને દંડ કરનાર અધિકારીનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ કરનારા કોંગ્રેસના કાર્યકર જીગ્નેશ મેવાસાએ પોલીસની કામગીરીનો વિડિયો સોશ્યલ મિડિયામા વાઈરલ  કર્યો હતો જેમાં પોલીસના વ્હીકલમાં જ પીયુસી ન હોવા સાથે ઈન્સ્યુરન્સ પણ રિન્યુ ન કર્યું હોવાનો આક્ષેપ  કર્યો છે. જીજ્ઞોશ કહે છે, લોકો હાલ મુશ્કેલી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે નાની નાની ભુલમાં પોલીસ અને પાલિકા લોકો પાસે આકરો દંડ વસુલ કરી રહી છે તેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.

સિંગણપોર ખાતે પોલીસ કામગીરી કરી રહી હતી તેમાં પોલીસનું બુલેટ જીજે-18 જી બી 2217 પણ ત્યાં ઉભુ  રાખવામાં આવ્યું હતું. પોલીસ લોકો પાસે દંડ વસુલ કરે છે ત્યારે પોલીસ પાસે જરૂરી કાગળીયા છે કે નહીં તે જોવા માટે એપ્લીકેશનમાં પોલીસનો નંબર નાંખવામા આવ્યો તેમાં પીયુસી અને ટેક્સ ન હોવાનું જણાયું હતું. જેના કારણે મેં દંડ વસુલ કરનાર પોલીસને સરકારી વાહનમા પીયુસી નથી તો કહ્યું કે સરકારી વાહન છે તેથી ન હોય તેવો જવાબ આપ્યો હતો. 

લોકોને દંડ વસુલ કરનારા પોલીસના કે સરકારના વાહનોમાં પીયુસી કે અન્ય ટેક્સ ન હોય તે વાત ગંભીર છે કાયદો બધા માટે સરખો હોય છે તેમ છતાં પોલીસ જે માટે દંડ કરે છે તે નિયમનું પાલન પોતે જ કરતી નથી. આવા પ્રકારના વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે એટલે હવે લોકો પણ પોલીસ અને પાલિકાની કામગીરી સામે જાગૃત્ત થઈ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.

પોલીસની પોલ ખુલતાં પોલીસ કેસની ચીમકી

સુરતના સિંગણપોર ચાર રસ્તા પર લોકો પાસે દંડ કરનારા પોલીસના સરકારી બુલેટનું પીયુસી ન હોવાનો વિડિયો વાઈરલ કરનાર જીગ્નેશ સામે પોલીસ હવે રોષે ભરાઈ છે. જીગ્નેશે વિડિયો બનાવતાં સ્થળ પર પોલીસ અધિકારીએ ચીમકી આપી હતી કે, તમે પોલીસને હેરાન કરી રહ્યાં છે તમે સરકારી કામગીરીમાં દખલગીરી કરી રહ્યાં છે તો પોસીસ કેસ કરી દેવા તેવી ચીમકી આપી હતી. 

પોલીસની પોલ ખુલી જતાં પોલીસ કેસ કરવાની ચીમકી આપે છે પરંતુ સરકારી વાહનોમાં પીયુસી ન હોય તો તેનો ઉપયોગ કરનારા વિભાગે પીયુસી કઢાવવાની જવાબદારી છે તે કઢાવવું જોઈએ તેવું લોકોનું માનવું છે.

માથાભારે તત્વો સામે પોલીસ-પાલિકા નિયમનું પાલન કરાવવા લાચાર

સુરતમાં પોલીસ અને મહાનગરપાલિકા જ્યાં વિરોધ નથી થતો તેવા વિસ્તારમાં અને તેવા લોકો સામે જ આકરા દંડની વસુલાત કરી રહી છે. પોલીસ વાહન ચાલકો પાસે પીયુસીના દંડ વસુલ કરી રહી છે પરંતુ પશુપાલકો- સાડીના પોટલા લઈ જનારા કે ગેરકાયદે છકડા ચલાવનારા લોકો પાસે દંડ વસુલ કરવામાં ગભરાઈ રહી છે. 

આ લોકો પ્રતિકાર કરતાં હોવાથી પોલીસ તેમની પાસે દંડ વસુલ કરતી નથી અને નોકરી જતાં કે પરિવાર સાથે જતાં લોકોને હેરાન કરીને તેમની પાસે આકરો દંડ વસુલી રહી છે. પાલિકા પંદર વર્ષના બાળકની લારી જપ્ત કરી રહી છે પરંતુ ચૌટા બજાર, ઝાંપા બજાર, કમાલ ગલી, અડાજણ પાટિયા, કાદરશાની નાળ, ગૌરવ પથ જેવા વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરી રહ્યાં છે તેની સામે કામગીરી કરતી નથી. આમ પોલીસ માથાભારે તત્વો સામે કામગીરી કરતી નથી પરંતુ સામાન્ય લોકો સામે જ કામગીરી કરતી હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here