સુરત: વચગાળાના જામીન મેળવવા બોગસ પુરાવા ઉભા કરનાર રાહુલ એપાર્ટમેન્ટની પત્નીની ધરપકડ

0
72

– સૂર્યા મરાઠા હત્યા કેસમાં લાજપોર જેલમાંથી બહાર આવવા રાહુલ અને તેની પત્ની કાજલે કારસો ઘડતા ગુનો નોંધાયો હતો

સુરતના ચકચારી સૂર્યા મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં બંધ માથાભારે રાહુલ એપાર્ટમેન્ટે જેલમાંથી બહાર આવવા પત્ની કાજલ સાથે મળી કારસો ઘડી વચગાળાના જામીન મેળવવા નવી સિવિલ હોસ્પિટલના ડોકટરના નામે બોગસ પુરાવા ઉભા કર્યા હતા. જોકે, તપાસમાં તેનો ભાંડો ફૂટતા અગાઉ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોકબજાર પોલીસે ગતરોજ રાહુલ એપાર્ટમેન્ટની પત્નીની ધરપકડ કરી હતી.

સૂર્યા મરાઠા હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેલા રાહુલ ઉર્ફે રાહુલ એપાર્ટમેન્ટ ભાઈદાસ પીપળેએ પત્ની કાજલના ઓપરેશન માટે 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, તે માટે તેણે પત્ની સાથે મળી નવી સિવિલ હોસ્પિટલના એસોસીયેટ પ્રોફેસર ડો.સરલ ગુણવંતરાય ભાટીયાના નામનો દુરુપયોગ કરી બોગસ દસ્તાવેજ બનાવી રજૂ કર્યા હતા. વચગાળાના જમીન માટે કોર્ટના આદેશ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં પતિ-પત્નીનો ભાંડો ફૂટી ગયો હતો. આ પ્રકરણમાં નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ડો.કેતન નાયકે રાહુલ એપાર્ટમેન્ટ અને તેની પત્ની વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ચોકબજાર પોલીસે આ પ્રકરણમાં રાહુલ ઉર્ફે રાહુલ એપાર્ટમેન્ટ ભાઈદાસ પીપળે ( ઉ.વ.24, રહે.ડી-3-1, વાજપેયી આવાસ, કૈલાશનગરની સામે, ઉધના, સુરત. મુળ રહે. આષ્ટ ગામ, તા.શહાદા, જી. નંદુરબાર મહારાષ્ટ્ર ) ની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરી હતી. જયારે બોગસ પુરાવા ઉભા કરવા માટે રાહુલની પત્ની કાજલને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ મદદ કરનાર લોન એજન્ટ હેમંત ઉર્ફે સોનુ દેવેંદ્રભાઇ કરનકે ( ઉ.વ.26,રહે. સી/2/303, શ્રી ઉમિયા રેસિડન્સી, બમરોલી રોડ, વડોદ ગામ, સુરત ) ની ધરપકડ બાદ રાહુલની પત્ની કાજલ ( ઉ.વ.20 ) ની ધરપકડ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here