ચોર બેડરૂમમાં મુકેલા કબાટનું લોકર તોડી રૂ.1.30 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂ.30,000 ચોરી ફરાર
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કલર કોન્ટ્રાકટર વતન મહારાષ્ટ્રમાં પિતા બિમાર હોય મળવા જવાના હોવાથી ગત બપોરે ખરીદી માટે ગયા હતા. ત્યારે ચોર તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મુકેલા કબાટનું લોકર તોડી રૂ.1.30 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂ.30,000 મળી કુલ રૂ.1.50 લાખની મટતા ચોરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં કતારગામ તિરૂપતિ સોસાયટી શ્યામવિલા એપાર્ટમેન્ટ ઘર નં.301 માં રહેતા કલર કોન્ટ્રાકટર 40 વર્ષીય અશોકભાઇ રાજારામ ( સોનવણે ) ના પિતા વતનમાં બિમાર હોય તે વતન જવાના હોવાથી ગત બપોરે 3:00 વાગ્યે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી પત્ની, પુત્રી અને બહેન સાથે કુબેરનગર અને પંડોળમાં ખરીદી માટે ગયા હતા. ખરીદી કરી 6.45 કલાકે વિહાર સોસાયટીમાં રહેતા મોટાભાઈ રામદાસભાઈને મળી ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરના બેડરૂમમાં મુકેલો કબાટ ખુલ્લો હતો.
કબાટના લોકરનું લોક તોડી ચોર રૂ.1.20 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂ.30 હજાર મળી કુલ રૂ.1.50 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. આ અંગે અશોકભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.