સુશાંત સિંહ રાજપૂત કેસ: નાગરિકોને ‘થ્રીલર’ની અપેક્ષા હતી પણ..

0
133

– સોશિયલ મીડિયા અને યુ ટયુબ પર ફરતી કોઈ ઘટનાની સેંકડો વિડિયો સુઆયોજિત ષડયંત્ર કે પછી ધરબાયેલા વિસ્ફોટકો

– હોરાઈઝન- ભવેન કચ્છી

– સાયબર ક્રાઈમ વિભાગ મંદ ગતિએ કાર્યરત રહેશે તો સોશિયલ મીડિયા અને યુ ટયુબરો કોઈ ઘટના અંગે એવું  જનમાનસ ઘડશે કે નાગરિકોની  પોલીસ,કોર્ટ કે એજન્સીઓના રીપોર્ટ માટેની શ્રદ્ધા જ ડગમગી જશે 

રિ યા  ચક્રવર્તીને  અંતે જામીન મળી ગયા છે. ઇન્ટરવલ સુધી સીટ પર  જોરદાર જકડી રાખતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મનો અંત ‘ખાયા પિયા કૂછ નહીં ગિલાસ તોડા બારહ આના’ જેવો બેકાર આવે તેવી છેતરાયાની લાગણી દેશભરના નાગરિકોએ અનુભવી. દેશના નાગરિકોએ સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એ હદે રસ લીધો કે કોરોનાની મહામારી પણ ભુલાવી દીધી હતી. ખેડૂતોના બિલનો વિરોધ અને હાથરસ બળાત્કાર કાંડ પણ વિરોધ પક્ષો દેશવ્યાપી ગજવી ન શક્યા.

સુશાંત સિંહની આત્મહત્યા ખરેખર મર્ડર હતંર તે થિયરીને પુરવાર કરતી ૧૦૦થી વધુ વિડિયો યુ ટયુબ ફરે છે. અમુક વિડિયો તો ખુલ્લેઆમ મહારાષ્ટ્રના ટોચના નેતાનાં  પુત્રની સંડોવણી તરફ ઈશારો નહીં સ્પષ્ટ આંગળી જ ચીંધે છે.

અહીં અમે પ્રિન્ટ મીડિયા વિશ્વસનીય મનાતું હોઇ આવા નામ ન લખી શકીએ પણ  તો સુશાંત સિંહે સેંકડો યુ ટયુબરોને લાખોપતિ બનાવી દીધા.સવાલ એ થાય કે શું આ રીતે કોઈપણ પૂરાવા વગર કોઈ ખૂબ જ મહત્વનો હોદ્દો કે ઉજ્જવળ ભાવિ કારકિર્દી ધરાવનાર વ્યક્તિને નામ અને તસવીર સાથે હત્યારા તરીકે બતાવતી વિડિયો  બેરોકટોક બતાવી શકાય? આ રીતે સોશિયલ  મીડિયામાં જુદા જુદા રાજકીય  પક્ષો, ધર્મ – સંપ્રદાયના જૂથો, ભિન્ન વિચારસરણી ધરાવનારાઓ ઈચ્છે તેમ ફોટા મોર્ફ કરીને કે જૂની ઓડિયો કે વિડિયોનો ટુકડો કે જે તે વખતે પૂરી વાત સાંભળીએ તો જુદા જ સંદર્ભમાં હોય તેને લઈને સોશિયલ મીડિયા કે યુ ટયુબમાં મૂકીને કોઈ ઓપિનીયન ઊભો કરાય કે બદનામ કરવામાં આવે તે ઘણી જ ગંભીર, કડક સજા અને સેન્સર માંગી લેતી બાબત છે. શા માટે આવી યુ ટયુબના સર્જકો એન્કરો પર બદનક્ષીનો દાવો ન માંડી શકાય.

અગાઉના વર્ષોમાં તો આવી સનસનીખેજ વિડિયોના એંકર સ્ક્રીન પર ઓળખાય નહીં તેમ ડાર્ક શેડમાં રહી રજૂઆત કરતા હવે તો ‘થાય તે કરી લો’ના મિજાજ સાથે તેમને સહેલાઈથી સાયબર ક્રાઇમ વિભાગ પકડી શકે તેવી  ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં  તેઓ બહુ મોટું સ્ટિંગ ઓપરેશન પાર પાડયું હોય અને પુલિત્ઝર એવોર્ડ મેળવવા માટે દાવો નોંધાવતા હોય તેમ પોતાના ઘરમાં બેઠા અવનવા વિચારોના વિકૃત ઘોડા દોડાવીને તેમજ સોફ્ટવેરથી હેડિંગ- કેપ્શન મૂકીને વિડિયો લોન્ચ કરી દે છે. આ જાણે એક ગૃહ ઉદ્યોગ બની ગયો છે. આશ્ચર્ય એ લાગે કે હજુ સુધી એવા અખબાર કે ન્યુઝ ચેનલમાં એવા સમાચાર જાણવા નથી મળ્યા કે યુ ટયુબ પર આવી 

વ્યક્તિવિશેષને હત્યારા, દરિંદા, ડ્રગ ના બંધાણી કે સેક્સ વર્કર, કૌભાંડી, દેશદ્રોહી કહેનારા અને સાથે બે ત્રણ મોર્ફ કરેલા ફોટા પંદર મિનિટમાં પંદર વખત સ્ક્રીન પર ફ્લેશ કરનારા સાયબર પોલીસ દ્વારા પકડાયા હોય અને આવા વિકૃત પ્રોડયુસર, એંકરના ફોટા અખબાર , ટીવીમાં ચમક્યા હોય. અગાઉના વર્ષોમાં તો આવા તત્ત્વો તેમની સનસનાટીની થીયરી રજૂ કરીને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા પણ હવે તો પાયા અને પુરાવા વગરનું નર્યું જુઠાણું પૂર્ણ વિરામ સાથે પ્રસ્તુત કરાય છે.

આવી યુ ટયુબ અને સોશિયલ મીડિયાનો નાગરિકોના દિલોદિમાગ પર મારો એ હદે  ચલાવવામાં આવે કે પછી આપણે જ કહેવા માંડીએ કે  ‘ધુમાડો છે તો આગ હશે જ ને.’  આપણે મીડિયાના એવા યુગમાં આવી ગયા છીએ કે જ્યાં બે નિષ્પ્રાણ પથ્થરો ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે કે પછી અગ્નિ વગર બિલોરી કાચ પર સૂર્યના કિરણો ઝીલીને કાગળ સળગાવી અગ્નિ પ્રગટાવી શકાય છે.

એવા રિપોર્ટ પણ બહાર આવ્યા છે કે વિરોધ પક્ષો, પક્ષમાંના જ વિરોધી તત્ત્વો, ચોક્કસ ધર્મ,સંપ્રદાય અને વિચારધારા ધરાવનારાઓ તેમનો હેતુ ( પ્રચાર કરવાનો કે બદનામ કરવાનો)પાર પાડવા માટે  ટેકનોલોજી જાણકાર  સ્ટાફ ધરાવતા હોય છે. તમારે જાહેર જીવનમાં પ્રમોટ થવું હોય કે કોઈને નિશાન બનાવી કારકિર્દી ખતમ કરી દેવી હોય તો તે કામ તમામ કરી દેતી  કંપનીઓ હાજર હોય છે. ભાષણ આપતી વ્યક્તિના હોઠ પર તેના જેવા જ અવાજ સાથે મિમિક્રી કરીને વાક્યો ગોઠવી દેવાનું તૂત પણ ચાલે છે.

કોઈને બદનામ કરવા ડમી વાચક કે શ્રોતા બનીને જેને નિશાન બનાવવાની હોય તે વ્યક્તિને ઉશ્કેરીને વિવાદ તરફ ઢસડી જાય અને પછી ફોન પરની તે વાતચીતને એડિટ કરીને મીડિયામાં મૂકવામાં આવે. સાયબર ક્રાઇમ આવા તત્વોને પકડીને લોકો સમક્ષ ઉદાહરણીય સજા આપવા સાથે ખુલ્લા નહીં પાડે તો દેશના નાગરિકોને પોલીસ,સીબીઆઈ જેવી એજન્સીઓ, નાર્કોટિક્સ વિભાગ અને અબોવ ઓલ સુપ્રીમ કોર્ટ પર પણ વિશ્વાસ નહીં રહે. સત્તાધીશ પક્ષના દોરીસંચાર હેઠળ આ બધા આવી ગયા છે તેવી માન્યતા દેશના નાગરિકો ધરાવતા થઈ ગયા છે તેનું કારણ સોશિયલ મીડિયાની પોસ્ટ  અને યુ ટયુબ પરના આવા કલિપિંગ છે.

સુશાંત સિંહ કેસનું ઉદાહરણ લઈએ તો નાગરિકોને હવે શંકા જાગી છે કે ‘શિવસેના અને ભાજપે કોઈ સોદાબાજી સાથે સમાધાન કરી લીધું. શિવસેનાને ટેકો આપનાર શરદ પવારને ઇન્કમ ટેક્ષ નોટિસ ફટકારી તેમને ચેકમેટ કરાયા છે.નાગરિકોને તો સુશાંત સિંહે આત્મ હત્યા જ કરી હતી તેવા ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટીટયુટના રિપોર્ટ પણ ફિક્સિંગ હોય તેમ શંકા જાય છે.

ડાયનોસોર જેવા  ડ્રગ કાંડના મુળમાં રિયા તો એક જીવાણું માત્ર છે. રિયા કે તેના ભાઈને થોડી સજા કરી કેસ સમેટી લેવાશે.’ બોલીવુડ, રાજકારણીઓ અને દુબઈના આ ઘમ્મર વલોણાંથી જેને જેટલું માખણ કાઢવાનું હતું તે કાઢી લીધું. શિવસેના અને મુંબઈ પોલીસ હવે બાવડા ફુલાવી કહેવા માંડયા છે કે ‘જોયું અમે નહોતાં કહેતાં કે અમારી તપાસ સચોટ અને પારદર્શક હતી.’

દેશના નાગરિકોને નેતાઓ, ન્યાય તંત્ર, પોલીસ, સીબીઆઈ, ફોરેન્સિક, નાર્કો કે મેડિકલ સંસ્થા પર વિશ્વાસ કેમ નથી? જો સુશાંત સિંહનો કેસ આત્મ હત્યાનો જ હતો તો પછી આ હદે , નેતાઓની અને બોલીવુડના મોટા નામોની સંડોવણી સાથે ઉછળ્યો કેમ? તો તે માટે મુખ્ય દોષિત સોશિયલ મીડિયા અને યુ ટયુબ રોજ કહી શકાય.

એક ન્યુઝ ચેનલ  જે રીતે વગર પ્રશ્નાર્થ ચિન્હે છેલ્લા બે મહિનાથી સુશાંત સિંહ કેસ મર્ડર તરીકે ગજવતું રહ્યું છે અને ડમી પુરાવાઓ સાથે મનઘડત આરોપો મૂકતું રહ્યું છે તેને માટે ગંભીર જવાબદારી ઘડતો કાયદો લાવવો જ રહ્યો. નવાઈ એ વાતની છે કે તે ન્યુઝ ચેનલમાં  રજુ થતી પૂરાવા કે માહિતી આપતી વ્યક્તિઓને પોલીસ કે સીબીઆઈ કેમ કઈ અટકાયત કરીને પૂછતી નથી?

આ ચેનલ જ કેમ આ પુરાવાઓ સાથે પાર્ટી ન બની શકે? યુ ટયુબરો પર દરોડા કેમ ન પડે. શું બેફામ રીતે અંજામ આપી શકે તેવા કુખ્યાત ગુંડાઓ કે કંઈ પણ કરી શકે તેવા નેતાઓ પર યુ ટયુબ બનાવનાર અને રજૂ કરનાર એંકર ને કોઈ ડર નથી તેનું કારણ શું? શું આ અન્વેષણ  પત્રકારત્વ કહેવાય? આવા તત્વોએ જે સવાલો સમાજમાં વહેતા કર્યા છે કાં તેનો ગળે ઉતરે તેવો ખુલાસો કરો અથવા તો આ તત્ત્વો ની ધરપકડ કરી તેઓના મોઢે બોલાવડાવો કે તેઓ કોઈ ખાસ એજન્ડા અને   પીઠબળ હેઠળ કામ કરી રહ્યા છે.

જો આમ થશે તો જ નાગરિકોનો શાસકો, પોલીસ અને ન્યાય તંત્ર પર વિશ્વાસ ટકી રહેશે.  શા માટે નાગરિકો હતાશ સાથે દાયકાઓથી એવું કહે છે કે જેમની સરકાર હોય છે તેમની સીબીઆઈ. કોર્ટની નિા અને પ્રામાણિકતા પર સવાલ ખુદ જજો અને વકીલો ઉઠાવી રહ્યા છે. વિરોધ પક્ષો પણ શાસક પક્ષની લોકપ્રિયતા વધારતો કોઈ ચુકાદો આવે તો કોર્ટની કન્ટેમ્પ્ટ થાય  તેવી કૉમેન્ટ કરતા થઈ ગયા છે. અખબારોમાં આવા કાર્ટૂન પણ રજૂ થાય છે.

હજુ આવું કલુષિત વાતાવરણ વધુ ડહોળાશે કેમ કે સોશિયલ મીડિયા અને યુ ટયુબ તેમની રીતે નાગરિકોના મનમાં કેટલીયે થીયરીઓ થકી  શંકાના બીજ  ચુકાદા પહેલા રોપી ચૂકી હોય છે.

સુશાંત સિંહ રાજપૂત કેસ અને રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમ્યાન બોલીવુડની ચોંકાવનારી ડ્રગ પાર્ટીઓની વાત ઉછળી તે પછી કેટલાક વિશ્લેષકોએ ટીવી મીડિયા અને સોશિયલ મીડિયાને અભિનંદન આપીને બિરદાવતા લખ્યું હતું કે ‘સારૂ થયુ મીડિયા આ સુશાંત સિંહ કેસ પાછળ લાગી રહ્યું. જો આ હદે મીડિયા ટ્રાયલ થઇ ન હોત તો આ કેસ આત્મહત્યા તરીકે જ ફાઈલ થઇ જાત.’ આ વર્ગ ટીવી અને સોશિયલ મીડિયાની પીઠ થાબડતો હતો ત્યારે એવું વાતાવરણ હતું કે ગમે ત્યારે બોલિવુડના મોટા માથાની ધરપકડ થશે. કોઈ રાજકીય ભૂકંપ સર્જાશે.

યુ ટયુબ પર એવી ક્લિપિંગ વહેતી થઇ કે ‘આગામી ૨૪ કલાકમાં બહુ મોટા ધમાકો થશે જે તમને હલાવી દેશે. દેશને હચમચાવી દેશે.’ જો આ હદે કોઈ ન્યૂઝ ચેનલ કે યુ ટયુબ પર જાહેરાત કરતી હોય તો તેઓની સીબીઆઈએ પુછપરછ કરવી જ રહી કે તમે પર્દાફાશ કરો કે પછી દેશને ગુમરાહ કરીને તમારૂ બ્લેક મેઇલિંગ બંધ કરો.

જો કે પ્રિન્ટ મીડિયાએ પ્રમાણમાં ખૂબ જ પાકટ અભિગમ સાથે એજન્સીની બ્રીફને જ વળગી રહીને કવરેજ કર્યું છે.

ખુદ સીબીઆઈ અને નાર્કોટિક વિભાગે સ્પષ્ટતા કરવી પડે કે અમે મિડિયાને તપાસ અને બહાર આવેલી વિગતો, રીપોર્ટની અપડેટ આપતા જ નથી. તેથી જે પણ કવરેજ થાય તે સત્તાવાર નથી તેમ સમજવું.

એક વાત એવી ઉડી કે એસ, આર, એ, કે ડી વગેરેથી શરૂ થતા નામના ફિલ્મ હસ્તીઓ ડ્રગ કાંડમાં સંડોવાયેલા છે. તેઓની ગમે ત્યારે ધરપકડ થશે. પણ તેવું કંઇ બન્યું નહીં. ડ્રગ લેતા રંગે હાથ ઝડપાય કે તેમના પઝેશનમાં હોય તો જ ગૂનો બને છે.

આ બધામાં કંગના રનૌત રાજકારણીઓ અને સનસની માંગતા ટીવી મીડિયાનો આબાદ હાથો બની ગઈ.

પહેલાં સુશાંતે આત્મહત્યા કરી છે તેવો ‘એઇમ્મ’નો રીપોર્ટ અને તે પછી રિયા ચક્રવર્તીને જામીન મળતા કંગના અને બોલીવુડના મોટા માથાઓને જેલભેગી જોવા તલશતા તત્વોને ભારે ઝાટકો લાગ્યો છે.

અધુરામાં પૂરૂ સુશાંતની બેંકના ફોરેન્સિક ઓડિટમાં પણ એવું સ્પષ્ટ થયું છે કે રિયાએ સુશાંતના ખાતામાંથી એવી કોઈ રકમનો વ્યવહાર નથી કર્યો જે ઉચાપત કે છેતરપીંડી કહેવાય.

હવે સુશાંતની હત્યા થઇ છે તેવું ગાજનારા તત્ત્વોએ ભોંઠપ સાથે એવી ઝૂંબેશ ઉઠાવી છે કે સુશાંત સિંહને આત્મહત્યા તરફ દોરવા માટેનું ષડયંત્ર ખાસ ટોળકીએ રચ્યું હતું. તેમાં પણ તેઓની દાળ ગળે તેમ નથી કેમ કે સુશાંત પોતે ડ્રગનો બંધાણી હતો તે પૂરવાર થઇ ચૂક્યું છે. સુશાંતને ડીપ્રેશનની બીમારી પણ હતી. તેની સોશિયલ મીડિયાની પોસ્ટ, ડાયરીનો મનોવિશ્લેષક અભ્યાસ કરતા પણ એવું ફલિત થયું છે કે તેના મૂડ સ્વિંગ થતા હતા.

હા, બોલિવુડમાં ઘણા જાણીતા ચહેરાઓ ડ્રગ પાર્ટી યોજતા જ હોય છે. ‘મી ટુ’ પણ હશે જ. પ્રતિભાશાળીઓની ખેંચતાણ, લોબિઇંગ અને વલ્ગર કલ્ચર પણ હોઈ શકે પણ તે તો ક્રિકેટમાં અંધારી આલમમાં અને રાજનીતિમાં પણ છે. તેનો અર્થ એવો નથી કે ‘તેમાં શું ?’, ‘આવુ તો બધે હોય’ કહીને તેને જારી રહેવા દેવું… આવા તત્ત્વો અને ક્લુષિત વાતાવરણની સફાઈ થવી જ જોઇએ પણ તે શક્ય નથી… સબ ગંદા હૈ પર ધંધા હૈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here