સેનેટાઈઝર કોરોનાથી બચાવે પણ દીવા, ફટાકડાથી દઝાડે નહીં તે જોજો

  0
  16

   દિવાળી એલર્ટ : ફટાકડા ફોડતા બાળકોની વિશેષ સંભાળ જરૂરી

  – આલ્કોહોલ બેઝ હોવાથી સેનેટાઈઝર હાથથી પકડીને ફોડાતા તારામંડળ કે તરત જ દિવો પ્રગટાવવો જોખમી થઈ શકે છે

  કોરોના પછી મંદીના બૂમ વચ્ચે માર્કેટમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે. ફટાકડા બજાર હવેના છેલ્લા દિવસોમાં તેજી પકડશે તેવું અનુમાન છે. ખાસ કરીને બાળકો માટે જરૂરી ફટાકડાની ખરીદી તો થશે જ. પણ, આ દિવાળી અગાઉની દિવાળી કરતાં અલગ હોવાનું કારણ કોરોના છે.

  કોરોનાના કારણે લોકો સેનેટાઈઝરનો વિશેષ ઉપયોગ કરતાં થયાં છે પણ ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે. નિષ્ણાતોનું ચેતવણી આપતાં કહે છે કે, સેનેટાઈઝર કોરોનાથી બચાવે પણ દિવા કે ફટાકડાથી દઝાડે નહીં તે ધ્યાન રાખજો. ખાસ કરીને બાળકોની વિશેષ સંભાળ જરૂરી છે.

  કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં 70થી 90 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ એવું દાહક છે કે અગ્નિના થોડા જ સંસર્ગથી સળગી ઉઠે છે.

  આ સંજોગોમાં સેનેટાઈઝર લગાવ્યાં પછી આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. સામાન્યત: બહાર નીકળતી વખતે લોકો વિશેષ પ્રમાણમાં સેનેટાઈઝર લગાવીને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. પણ, દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે.

  એડીશનલ ચિફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું કહેવું છે કે, લિક્વીડ અને જેલી બેઈઝડ સેનેટાઈઝરનો લોકો સામાન્ય રીતે ઉપયોગ કરતાં થયાં છે. હાથ ધોવાની આદત નહોતી પડી તેની સરખામણીએ સેનેટાઈઝર લગાવવાની વિશેષ આદત લોકોને પડી ચૂકી છે.

  દિવાળી દરમિયાન ખુલ્લામાં જઈને ફટાકડા ફોડતી વખતે સ્વાભાવિક રીતે જ લોકો સેનેટાઈઝર લગાવવાના છે. જો વધુ પ્રમાણમાં સેનેટાઈઝર લગાવેલું હોય અને ફટાકડાની આગની નજીક હાથ જાય તો દાઝી જવાની સંભાવના વિશેષ રહે છે. નિષ્ણાતો ઉમેરે છે કે, સેનેટાઈઝર આલ્કોહોલ બેઈઝ્ડ હોય છે અને આલ્કોહોલ પૂરા પ્રમાણમાં ઉડી ન ગયો હોય તો આગ લગાવાનું જોખમ વધી જાય છે. 

  સેનેટાઈઝર લગાવીને તરત જ તારામંડળ, બપોરિયાં જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનેટાઈઝર લગાવ્યું હોય ને તરત જ દિવો પ્રગટાવવા દિવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો  દાઝી જવાનો ભય રહે છે.

  બીજી તકેદારી દિવાળી દરમિયાન સેનેટાઈઝરની પ્લાસ્ટીક બોટલની સાચવણીની છે. અનેક વખત એવું બને છે કે, સેનેટાઈઝરની પ્લાસ્ટીક બોટલ મહિલાઓ ગમે ત્યાં મુકી દે છે.

  ખાસ કરીને દિવાળીના સમયગાળામાં દિવા કે ગેસ આસપાસ મુકી દે છે. અગ્નિ પ્રજવળતો હોય ને લાંબો સમય બોટલ રાખવી જોખમી થઈ શકે છે. તો, દિવાળીમાં મિણબત્તી પેટાવવામાં આવે છે તે વખતે પણ સેનેટાઈઝરનો ખ્યાલ રાખવો આવશ્યક છે. દિવાળીના તહેવારોમાં સાવચેતીનો નવો અધ્યાય સેનેટાઈઝરરૂપે આ વખતે ઉમેરવો આવશ્યક છે.

  લોકોની બેદરકારીથી દિવાળીના પાંચ દિવસમાં આગના 300 બનાવ

  કોઈપણ તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી આવશ્યક છે. દિવાળી દરમિયાન લોકોની બેદરકારીથી દર વર્ષે આગના 300 જેટલા બનાવ બને છે. ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે, લોકો રોકેટ અને ઊંદરડી જેવા ફટાકડા ફોડવામાં બેદરકારી દાખવે તેનાથી અનેક સ્થળે આગ લાગે છે.

  તો, અનેક લોકોને ફટાકડાના પૂંઠા તેમજ કચરાના ઢગલા સળગાવવાની મજા આવે છે. ઝાડ નીચે આવી વસ્તુ સળગાવવી પણ અયોગ્ય છે. ઘણી વખત એવું બને છે કે, આ સામાન્ય લાગતી પ્રવૃત્તિના કારણે પણ આગ લાગે છે.

  ધનતેરસથી બેસતા વર્ષ અને એ પછી લાભપાંચમના દિવસે આગના કોલમાં ઉછાળો આવે છે. ફાયરબ્રિગેડના ઉચ્ચ સૂત્રો કહે છે કે,  દિવાળીના આ દિવસો દરમિયાન અગ્નિશમન માટે દરરોજ 60થી 70 કોલ આવે છે. લોકોએ ફટાકડા ફોડયા પછી પૂંઠા કાર, ઝાડ અને લોકોને નુકસાન પહોંચે તેવી જગ્યાએ ન સળગાવવા જોઈએ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here