બેડી માર્કેટ યાર્ડ બહાર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી
- રાજકોટમાં સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો
- બેડી માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે લાગી લાંબી લાઈનો
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો આવતા ગૃહિણીઓને રાહત મળી છે. છેલ્લા 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 150થી 200 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. આજે રાજકોટમાં સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિયેશનના પ્રમુખ કિશોર વિરડિયાએ માહિતી આપતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક થતાં દિવાળીના સમયે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ બેડી માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે અંદાજીત 3 કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ 2150થી 2250 થયો
રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા હતો. જે ઘટીને 2150થી 2250 થયો છે. જેથી તહેવારો પર સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને ફાયદો થયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક
મહત્વનું છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. સિંગતેલના ભાવ ઘટાડા મુદ્દે સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સિંગતેલની વાસ્તવિક ઘરાકી નીકળી નથી માટે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તહેવાર સમયે ખેડૂતોને પૈસાની જરૂર હોવાના કારણે મગફળીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મગફળીના ભાવમાં ઘટાડો નોંધાતા સિંગતેલના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.