સ્વિત્ઝર્લેન્ડ જેને 200 વર્ષથી કોઇ પણ યુદ્ધમાં ભાગ લીધો નથી

0
87

– હસમુખ ગજજર .

– સ્વિત્ઝર્લેન્ડ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં તટસ્થ રહયું હતું. આજના સંજોગોમાં અણુયુદ્ધ ફાટી નિકળેતો પણ પોતાના તમામ નાગરિકોને સુરક્ષિત રાખવા સમર્થ છે

સું દર ગ્લેશિયર, ફૂલો અને વનરાજી ધરાવતા યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં હમણાં એક જનમત  સંગ્રહ (રેફરન્ડમ)એ ચર્ચા જગાવી છે. પ્રત્યક્ષ વ્યહવારમાં લોકશાહી વ્યવસ્થા ધરાવતા સ્વિત્ઝર્લેન્ડમાં જનમત નવાઇની વાત નથી પરંતુ આ જનમત સંગ્રહ સુરક્ષા સાથે જોડાયેલો હતો. પશ્ચિમ યૂરોપનો આ લેન્ડલોક દેશ પર્વતીય પ્રદેશોમાં સુરક્ષા કરી શકે તેવું એરફોર્સ ધરાવે છે. આ હવાઇ સુરક્ષાને વધુ મજબૂત અને આધુનિક બનાવવાની કવાયત ૪ વર્ષ પહેલા શરુ થઇ હતી. હાલમાં સ્વિત્ઝર્લેન્ડ પાસે એફ -૫ ટાઇગર એરકફટ અને એફ એ ૧૮ હોર્નેટ પ્રકારના જુના વિમાનો છે જે ૨૦૩૦ સુધીમાં ક્રમશ સેવાનિવૃત થવાના છે.

સંસદ દ્વારા નવા ફાઇટર પ્લેન ખરીદવા માટે ૬.૫ બિલિયન ડોલરની મંજુરી મળી પરંતુ નિર્ણાયક ઘડીએ જનમત લઇને લોકોનું મન જાણવુંએ સ્વિત્ઝર્લેન્ડની પરંપરા રહી છે. આવતા વર્ષે સ્વિત્ઝર્લેન્ડ સરકાર પાસે એરબસ ના યૂરો ફાઇટર મલ્ટીરોલ ફાઇટર જેટ, ફ્રાંસની કંપની ડસાલ્ટ પાસેથી રાફેલ, બોઇંગ તરફથી એફએ ૧૮ સુપર હોર્નેટ અને લોકહીડ માર્ટિન પાસેથી એફ ૩૫ એ લાઇટનિંગ ૨ ફાઇટર વિમાન ખરીદવાનો વિકલ્પ હતો. ગત ૨૭ સપ્ટેમ્બરે આ બાબતે રેફરન્ડમ લેવાય એ પહેલા જ  બરફાચ્છાદિત દેશનું રાજકિય વાતાવરણ ગરમ બની ગયું હતું. ખાસ કરીને દક્ષિણપંથી અને ડાબેરી વિચારસરણી ધરાવતા રાજકિય લોકોમાં મતભેદ ઉભરીને સપાટી પર આવ્યા હતા. 

વામપંથી ઝુકાવ ધરાવતા સંસદ સદસ્ય પ્રિસ્કા સેઇલર ગ્રાફે પ્રશ્ન ઉઠાવ્યો કે સ્વિત્ઝર્લેન્ડનું દુશ્મન કોણ છે? નાટોથી ઘેરાયેલા એક નાનકડા દેશ પર કોણ હુમલો કરવાનું છે ? નજીકના પાડોશી આર્યલેન્ડ,માલ્ટા અને લકઝર્મબર્ગ પાસે મોંઘા ફાઇટર જેટ નથી. આપણે કોઇ દુશ્મન જ ન હોવાથી ૬.૬ બિલિયન ડોલર ખર્ચનું આયોજન વેસ્ટ ઓફ મની છે. જયારે વાયુસેનાના પૂર્વ પાયલોટ અને દક્ષિણપંથી સ્વિસ પીપલ્સ પાર્ટીના થોમસ હર્ટરની દલીલ હતી કે જો જુના પુરાણા ફાઇટરના સ્થાને નવા નહી લાવીએ તો સ્વિત્ઝર્લેન્ડ પાસે વાયુસેના જેવું રહેશે નહી.

સ્વિસના દક્ષિણપંથીઓ સ્પષ્ટ માનતા રહયા છે કે કોઇના પર ભરોસો કરવા કરતા જાતે જ દેશનું ડિફેન્સ મજબૂત કરવું જરુરી છે. છેવટે લોકોનો મત જાણવામાં આવ્યો જેમાં ૫૦.૨ ટકા લોકોએ નવા ફાઇટર જેટ ખરીદવાની હા પાડી જયારે ૪૯.૮ ટકા લોકોએ ના પાડી હતી. ના પાડનારાઓ મોંઘાદાટ નહી પરંતુ હળવા પ્રકારના ફાઇટર વિમાનો માટે સંમત જણાતા હતા. સુરક્ષા જેવી મહત્વની બાબતે હા અને ના વચ્ચેનો ગાળો ખૂબજ ટુંકો રહયો તેના મૂળ સ્વિત્ઝર્લેન્ડના ઇતિહાસમાં પડયા છે. 

સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેને ૨૦૦ વર્ષથી કોઇ સાથે લડાઇ ઝગડામાં ઉતરવું પડયું નથી. ઇસ ૧૮૧૫થી નો વૉર પોલિસી હેઠળ પોતાનો વિકાસ કર્યો છે.  સ્વિત્ઝર્લેન્ડ ઇસ પૂર્વ પહેલી સદીમાં રોમન સામ્રાજયનો ભાગ હતું. રોમન પછી જર્મન જનજાતિઓએ સ્વિત્ઝર્લેન્ડ પર આક્રમણ કર્યુ હતું. ૧૩ મી સદીમાં આલ્પસમાં નવો માર્ગ ખુલ્યો ત્યારે સ્વિત્ઝર્લેન્ડની પર્વતમાળા મહત્વની બની ગઇ હતી. ઇસ ૧૨૯૧માં હોલી રોમન સમ્રાટનું મુત્યુ થતા અમેરિકી વિદેશ મંત્રાલયના અનુસાર પહાડો પર સત્તા ભોગવતા અનેક રાજવી પરીવારોએ શાંતિ અને સ્વતંત્રતાથી શાસન કરવાના એક ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા હતા. ૧૩૧૫ થી ૧૩૮૮ સુધી કોન્ફેડરેટસ હૈબ્સબર્ગ્સ સાથેના અનેક સંઘર્ષોમાં જોડાઇને સ્વિસે પોતાની હદ વધારી હતી. ઇસ ૧૫૧૫માં ફેંચો દ્વારા મળેલા એક પરાજય પછી સ્વિત્ઝર્લેન્ડની વિસ્તારવાદી નીતિનો અંત આવ્યો હતો.૧૬૦૦ના વર્ષમાં યૂરોપમાં અનેક લડાઇઓ થઇ પરંતુ સ્વિત્ઝર્લેન્ડ તટસ્થ રહયું હતું. ઇસ ૧૮૧૫માં વિયેનામાં પોતે તટસ્થ રહેવાના કરાર કર્યા હતા.

ઇસ ૧૮૭૦માં ફેન્કો પર્સિયન વૉર થયું તેમાં પણ સ્વિત્ઝર્લેન્ડે પોતાને અળગું રાખ્યું હતું. માણસ જાતનો ઇતિહાસ એટલે કે જાણે યુદ્ધનો ઇતિહાસ, ૨૦૦ વર્ષમાં ખતરનાક યુદ્ધો થયા છે જેમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇસ ૧૯૧૪ થી ૧૯૧૯માં પહેલા અને ઇસ ૧૯૩૯ અને ૧૯૪૫ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાના દેશો ગુ્રપ બનાવી સિધી કે આડકતરી રીતે લડયા પરંતુ સ્વિત્ઝર્લેન્ડ યુધ્ધમાં ભાગ લેવાના સ્થાને તટસ્થ રહયું હતું. 

ખાસ તો પાડોશી દેશો જર્મની, ઓસ્ટ્રીયા અને ઇટાલીે વિશ્વયુદ્ધ લડવામાં મોખરે હતા ત્યારે તટસ્થતા જાળવવી અઘરી હતી. વિશ્વયુધ્ધમાં જર્મનીના તાનાશાહ હિટલરે યહુદીઓ સાથે ભારે ભેદભાવભર્યુ વર્તન કર્યું હતું. યહુદીઓની અઢળક સંપતિ સ્વિત્ઝર્લેન્ડ દેશની બેંકોમાં જમા પડી હોવાનું માનીને જર્મનીએ હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. હિટલરના સૈન્ય અધિકારીઓ તેનો પ્લાન ઘડીને ઓપરેશન ટેન્નેબોમ એવું નામ આપ્યું હતું. જો કે સ્વિત્ઝર્લેન્ડની ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થિતિ જોતા કોઇ ચોકકસ ટાર્ગેટ જડતા ના હોવાથી સતત વિલંબ થયો હતો. દરેક સ્વિસ નાગરિકના ઘરો રાઇફલ અને અન્ય શસ્ત્રોથી સજજ હોવાથી પેરાશુટથી સૈનિકો ઉતારવાનું જોખમ પણ ઓછું ન હતું. સ્વિત્ઝર્લેન્ડની ઇંચ ઇંચ જમીન સુરક્ષિત હોવાથી હિટલરે હુમલાનો પ્લાન પડતો મુકયો હતો.

દુનિયાના કોઇ પણ યુધ્ધોથી દૂર રહીને પોતાનો વિકાસ કરનારો સ્વિત્ઝર્લેન્ડ દેશ પોતાની સુરક્ષા બાબતે જરાં પણ ગાફેલ નથી. આ શાંત અને વિકસિત દેશનો ક્રાઇમ અને બેરોજગારી દર વિશ્વમાં સૌથી ઓછો છે. ૪૦૦થી વધુ બેંકોમાં દુનિયા ભરના અનેક પૈસાદાર નાગરિકોના નાણા પડયા છે. નવાઇની વાત તો એ છે કે ૧૯૬૩ સુધી યૂરોપ પરિષદમાં પણ જોડાયુ ન હતું અને છેક ૨૦૦૨માં સંયુકત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું હતું. સ્વિત્ઝર્લેન્ડ ભલે યુધ્ધો લડયું ના હોય પરંતુ પોતાની સુરક્ષા બાબતે સમયથી આગળ છે. સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચેના કોલ્ડ વૉર દરમિયાન ૧૯૬૨માં પરમાણુ બોંબથી પણ સુરક્ષિત રહે તેવા બંકરોનું નિર્માણ કર્યુ હતું.  ન કરે નારાયણ ને જો વિશ્વમાં અણુયુદ્ધ ફાટી નિકળે તો  સ્વિત્ઝર્લેન્ડ પોતાના તમામ નાગરિકોને સુરક્ષિત છુપાવી શકે છે.

સોનનબર્ગ ટનલ વિશ્વનું સૌથી મોટંુ પરમાણુ આશ્રય સ્થળ ગણાય છે. વિશ્વભરમાં કટ્ટરપંથી અને અલગાવવાદીઓ હુમલા કરતા રહે છે પરંતુ સ્વિત્ઝર્લેન્ડમાં આતંકવાદી હુમલો શકય નથી કારણ કે આલ્પસના પહાડો પર ૮૨ લાખની વસ્તી ધરાવતા સ્વિત્ઝર્લેન્ડને પડકારવું સહેલું નથી. દેશની અડધી વસ્તી પોતાની પાસે શસ્ત્રો રાખે છે અને જરુર પડે ચલાવવાનું પણ જાણે છે. ૩૦૦૦ મીટર થી વધુ ઉંચી ૨૦૮ જેટલી આલ્પસની પર્વતમાળાથી ઘેરાયેલા આ દેશે પોતાની દરેક સુરંગ, પૂલ અને રસ્તાઓની ડિઝાઇન જાતે ઉડાવી શકે તેવી તૈયાર કરી છે જેથી કરીને કોઇ હુમલાખોર કનેકટીવિટીના અભાવે ટકી શકે નહી. સ્વિસ આર્મીએ ૨૬૦૦૦થી વધુ બંકર તૈયાર કરેલા છે જે તેને વ્યુહાત્મક લાભ આપે છે. સ્વિત્ઝર્લેન્ડ માત્ર ૭૨ કલાકમાં ૨ લાખ આર્મી ભેગી કરી શકે છે. ભલે ૨૦૦ વર્ષથી યુધ્ધ માટે ઉદાસિનતા રહી હોય પરંતુ પૃથ્વી પરના આ સ્વર્ગના રહેવાસીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તેટલા મજબૂત છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here