હાથરસની ઘટનાએ પોલીસ અને તંત્રની પોલ ખોલી નાખી છે

0
86

યુપીના હાથરસમાં થયેલી મહિલા અત્યાચારની ઘટનાએ આખા દેશને પોલીસતંત્ર અને સરકારીતંત્ર કેટલું નિંભર છે તથા કેટલું બેજવાબદારી પૂર્વક વર્તિ શકે છે તે ફરી એકવાર પૂરવાર કરી આપ્યુ છે. ગરીબો અને પીડિતો માટે પોલીસ અને પ્રસાશનના ન્યાય ઝોખવાના કાટલા અલગ અલગ હોય છે તે હાથરસની ઘટનાથી પ્રતિત થાય છે. શિડયુલ કાસ્ટ પરિવારની એક યુવાન દીકરી સાથે જાતિ હિંસા થાય છે, તેની હત્યા કરી દેવાય છે, અને પોલીસ ધ્વારા મૃતકની લાશને તેના સ્વજનોની હાજરી વગર જબરજસ્તીથી અંતિમ સંસ્કાર કરી દેવાય છે. આખી વાત જ ખૂબ જ કરુણ અને માનવિય સંવેદનાઓને હચમચાવી રાખનાર છે.

હાથરસમાં પીડિતા સાથે જે કાંડ આચરવામાં આવ્યો ત્યારબાદ પોલીસ અને પ્રસાશન ઉપરાછાપરી ભૂલ પર ભૂલ કરતું રહ્યું. કહેવાય છે કે એક જુઠ દબાવવા તમારે સો જૂઠનો સહારો લેવો પડે છે. હાથરસમાં પોલીસ અને પ્રસાશન આવું જ કર્યું. ૧૯ વર્ષની પીડિતાના મૃતદેહને જ્યારે જબરજસ્તીથી અંતિમવિધિ કરવાની વાત મીડિયામાં જાહેર થઈ ત્યારે દેશભરમાં પોલીસપર થૂ થૂ થવા માંડયુ, યુપીની હાઈકોર્ટે પણ વાતને ગંભીરતાથી લઈને ચિત્રમાં આવી ત્યારે જે રીતે હાથરસના પોલીસ અધિક્ષકો અને ડિસ્ટ્રિક્ટ મેજિ સ્ટ્રેટ પોતાનો બચાવ કરવા માંડયો. તે આખી વાત બેવકૂફીભરી સાબિત થઈ અને આખરે હાથરસના પોલીસ અને પ્રસાશનના અધિકારીઓને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો. જોકે, પોલીસ કે અધિકારીઓના સસ્પેન્શનથી પીડિતાના પરિવારને ન્યાય મળવાનો નથી, તેમના ઘરની એક દીકરી તો કાચી ઉંમરે જ મોતને ભેટી ગઈ છે.

હાથરસના બનાવમાં પીડિતા પર બળાત્કાર થયો નથી તે સાબિત કરવા ઉત્તરપ્રદેશના એડીજીએે ફોરેન્સિક રિપોર્ટને આગળ કર્યો  અને કહ્યું કે રિપોર્ટમાં બળાત્કાર થયો નથી, યુવતનું મોત ગરદનમાં ઈજા થવાથી થયું હોવાનું બહાર આવ્યુ છે. જોકે, જાણકારો કહે છે કે પોલીસે બળાત્કારને સાબિત થવા માટે લેવામાં આવતાં સેમ્પલ ઘટના બન્યાના ૧૧ દિવસ પછી લીધા હતાં. આ સંજોગોમાં ફોરેન્સિકનો રિપોર્ટ નેગેટિવ આવે તે સમજી શકાય તેવી વાત છે. આ ઉપરાંત જ્યારે કાયદો એવું કહે છે કે બળાત્કાર થવો એ જરૂરી નથી. યુવતીની સાથે બળાત્કારની કોશિશ પણ બળાત્કારનો ગુનો જ બને છે. અને આમ છતાં પણ જો બળાત્કાર થયો ના હોય તો યુવતીના મૃતદેહને જબરજસ્તીથી અંતિમવિધિ કરવાની પોલીસને શું જરૂર પડી ? તે પ્રશ્ન પણ એક મહત્વનો બને છે. પીડિતાના ઘરે આ વિસ્તારના ડીએમ જાતે જઈને સમાધાન કરવાની વાત કરતા હોવાનો વીડિયો પણ વાઈરલ થયો છે આ બધા પુરાવા ચીસો પાડી પાડીને કહે છે કે હાથરસની યુવતી સાથે અઘટિત બનાવ બન્યા છે અને તેને છાવરવા પોલીસ અને પ્રસાશન હવાતિયા માર રહ્યુ છે. જોકે, યુપી હાઈકોર્ટે જાતે જ આ મામલામાં દખલ દઈને ૧૨મી ઓક્ટોબરે યુપીના ગૃહસચિવ, ડીજીપી, એડિશનલ ડીજીપી અને હાથરસ જિલ્લાના મેજિસ્ટ્રેટ સહિત તમામ જવાબદારોને હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ ફરમાવ્યો છે. ત્યારે આશા રાખીએ કે કોર્ટના હસ્તક્ષેપથી હવે પીડિતાના પરિવારને ન્યાય મળશે અને કસૂરવારોને સજા મળશે.

દેશમાં મહિલાઓ પરના જાતિય હિંસાના બનામવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં દર ૧૭ મિનિટે એક મહિલા પર બળાત્કાર ગુજારાય છે અને આ આકંડો તો પોલીસ મથકે નોંધયેલી ઘટનાઓનો છે. બળાત્કારની ઘટના જ્યારે સ્ત્રી પર કલંક તરીકે જોવામાં આવી રહી છે. તેવા સમાજમાં મોટાભાગના બનાવો તો પોલીસ મથક સુધી પહોંચતા જ નથી તે પણ એક હકીકત છે. દેશમાં ૨૦૧૮ માં થયેલા એક સર્વેક્ષણ મુજબ જાતિય હિંસાને કારણે ભારત દેશ દુનિયામાં મહિલાઓ માટે સૌથી વધારે ખતરનાક દેશ હોવાનું બહાર આવ્યું હતું. ૨૦૦૧૯ માં દેશમાં રોજ સરેરાશ ૮૮ મહિલાઓ ઉપર બળાત્કારની ઘટના બની હતી. જેમાંથી ૧૧ ટકા મહિલાઓ શિડયુલ કાસ્ટની હતી. આંકડાઓ કહે છે કે ૨૦૦૧ થી ૨૦૧૭ દરમિયાનમાં ૧૭ વર્ષો દેશમાં બળાત્કારની ઘટનાઓમાં ૨૦૦ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૦૧માં દેશમાં ૧૬૦૭૫ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે ૨૦૧૭માં બળાત્કારની ઘટનાઓ વધીને ૩૨૫૫૯ સુધી પહોંચી ગઈ હતી.

દેશની કમનસીબી એ છે કે બળાત્કાર અને જાતિય હિંસા અંગે કડક કાયદાઓ બન્યા છે પરંતુ બળાત્કારની ઘટનાઓ પર અંકુશ આવ્યો નથી. દિલ્હીમાં નિર્ભયા કાંડ પછી જાતિય હિંસાના મામલે કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા હતાં. સગીરની વ્યાખ્યા પણ બદલવામાં આવી હતી. પરંતુ દર વર્ષે મહિલાઓ પર થતાં જાતિય હિંસાના ગુનાઓમાં સતત વધારો નોંધાયો છે. આના કારણમાં સરકાર અને પોલીસ પોતપોતાની રીતે બચવાનો પ્રયત્ન કરી રહી છે. હકીકત એ છે કે પોલીસ ક્યારેય બળાત્કારના ગુનાની તપાસમાં પોતાની ભૂલ કબૂલ કરતી નથી.  જ્યારે કોઈ હાઈ પ્રોફાઈલ કેસ દેશભરમાં ખબરોમાં સ્થાન લે છે ત્યારે તેની સાથે રાજનીતિ પણ સામેલ થઈ જાય છે અને પરિણામે સરકાર કેસને લૂલો બનાવવાનો પ્રયત્નમાં લાગી જતી હોય છે. જ્યારે લાચાર અબળા પર બળાત્કાર થાય છે ત્યારે પોલીસ, સરકાર, પ્રસાશન, સમાજ અને કાયદાશાસ્ત્રીઓ બધાએ  એક સાથે પીડિતાને પડખે ઉભી રહેવાની ફરજ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે આવી જઘન્ય ઘટના બાદ પણ દરેક પોતપોતાનું હિત જોઈને પક્ષ લેતું નજરે પડે છે. અને આના કારણે જ પીડિતાને જલદી ન્યાય મળતો નથી. મોટાભાગે તો બળાત્કારીઓ પુરાવાના અભાવે કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય છે અને પરિણામે મહિલાઓ ઉપર અત્યાચાર કરનારાઓની હિમ્મત વધી જાય છે. જેના કારણે દર વર્ષ મહિલાઓ પર થતાં જાતિય હિંસાઓમાં સતત વધારો નોંધાય છે.

મહિલાઓ પરના અત્યાચારો ઓછા કરવા હોય તો સમાજ, સરકાર, પોલીસ અને તંત્રએ એકસાથે મળીને કામ કરવું પડશે. જ્યાં સુધી આ ચારેય એકજૂથ થઈને મહિલાઓને ન્યાય અપાવવા આગળ નહી આવે ત્યાં સુધી પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓનું શોષણ અને અત્યાચાર ચાલુ જ રહેવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here