૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં બિહામણું બની રહેશે : UNના વિશ્વ અન્ન કાર્યક્રમની ચિંતા

0
34

વિશ્વ અન્ન કાર્યક્રમના વડા ડેવિડ બિસ્લેના જણાવ્યા મુજબ એજન્સીને નોબેલ પુરસ્કાર આપીને વિશ્વ નેતાઓને એ બાબતની ચેતવણી આપવા પ્રયાસ થયો છે કે વર્ષ ૨૦૨૦ને મુકાબલે વર્ષ ૨૦૨૧ કપરાં ચઢાણ ચઢવા પડશે. અબજો રૂપિયાના ભંડોળ વિના વર્ષ ૨૦૨૧માં વિશ્વે ભારે દુકાળનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે નોર્વેની નોબેલ સમિતિએ રોજબરોજના સંઘર્ષ વચ્ચે રાહત છાવણીઓમાં ભૂખ્યાઓને ભોજન આપવા પોતાના કર્મચારીઓના જીવને જોખમમાં મૂકીને પણ એજન્સી દ્વારા થઇ રહેલા પ્રયાસોની નોંધ લેવા સાથે એજન્સીને નોબલ પુરસ્કાર આપીને તે બાબતનો સંદેશો આપવા પણ પ્રયાસ કર્યો છે કે અન્ન અને આહારને મોરચે સ્થિતિ હજી પણ કથળેલી છે અને ખરી કસોટીના દિવસો આગળ પર આવવાના છે.

તેમણે કહ્યું હતું કે એજન્સીને નોબેલ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાતે વિશ્વ અન્ન કાર્યક્રમના વિશ્વભરમાં ફેલાયેલા ૨૦,૦૦૦ જેટલા કર્મચારીઓની સાથે તેમને પણ અચંબામાં મુકી દીધા હતા. તેઓ આફ્રિકાના સાહેલ પ્રદેશમાં એક બેઠકમાં વ્યસ્ત હતા ત્યારે એજન્સીને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હોવાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ ભૂખમરાને આરે  

ડેવિડ બિસ્લેએ તે વાતની યાદ અપાવી હતી કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તેઓ એપ્રિલમાં ચેતવણી આપી ચૂક્યા છે કે વિશ્વ આમ તો કોરોના વાઇરસનો સામનો કરી રહ્યું છે, પરંતુ સાથે જ ભૂખમરા જેવી મહામારીને આરે પણ ઊભું છે. જો તાકીદના પગલાં લેવામાં નહીં આવે તો ગણતરીના મહિનામાં જ ભયંકર દુકાળ જેવી સ્થિતિ સર્જાશે. તેમણે જણાવ્યું કે વિશ્વનેતાઓએ ભંડોળ, પેકેજ આપવા જેવા પગલાં લેતાં વર્ષ ૨૦૨૦માં દુકાળ જેવી સ્થિતિને પાછી વાળવામાં એજન્સીને સફળતા મળી છે. પરંતુ વર્ષ ૨૦૨૧નું ચિત્ર તેના કરતાં પણ બિહામણું છે. આગામી ૧૨ થી ૧૮ મહિના ખૂબ જ બિહામણા છે. આવનારી સ્થિતિને પહોંચી વળવા ભંડોળ પ્રાપ્ત કરવા વિશ્વનેતાઓને એજન્સી આ વાત વિસ્તારપૂર્વક સમજાવી રહી છે.

એજન્સીને ૧૫ અબજ ડોલરની જરૂર  

ડેવિડ બિસ્લેએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧ની બિહામણી સ્થિતિને પહોંચી વળવા વિશ્વ અન્ન કાર્યક્રમને ૧૫ અબજ ડોલરની આવશ્યકતા છે. દુકાળ જેવી સ્થિતિને ટાળવા પાંચ અબજ ડોલરની આવશ્યકતા છે. તો બાળકોના પોષણ માટે એજન્સી દ્વારા શાળા ભોજન કાર્યક્રમને આગળ ધપાવવા ૧૦ અબજ ડોલરની આવશ્યકતા છે. ઘણીવાર બાળકો આ રાહે માત્ર એક ટંકનું ભોજન મેળવતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here