B.Ed.માં સરકારી-ગ્રાન્ટેડ કોલેજો માટે હવે નવો કોર્સ : ખાનગી કોલેજો માટે જૂનો

0
63

– સરકારી ટિચર્સ યુનિ. હેઠળ

– નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી નવો કોર્સ તૈયાર કરાયો

કાઉન્સિલની હજુ સુધી નવી ગાઈડલાઈન બાકી : નવા-જુના કોર્સમાં વિવાદની શક્યતા

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર

સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ કોલેજોને સરકારી ટીચર્સ યુનિ.(આઈઆઈટીઈ )માં ભેળવી દીધી છે ત્યારે આ વર્ષથી તમામ સરકારી -ગ્રાન્ટેડ બી.એડ કોલેજો ટીચર્સ યુનિ. એફિલિએટ થઈ જતા નવો અભ્યાસક્રમ લાગુ થયો છે.

ટીચર્સ યુનિ.દ્વારા તમામ સરકારી-ગ્રાન્ટેડ બી.એડ કોલેજો માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.જેથી હવે સરકારી-ગ્રાન્ટેડ કોલેજોના વિદ્યાર્થીઓ એક સમાન અભ્યાસક્રમ ભણશે અને અધ્યાપકો એક સમાન અભ્યાસક્રમ ભણાવશે. જો કે ખાનગી કોલેજોના વિદ્યાર્થીએ અલગ અભ્યાસક્રમ ભણવાનો રહેશે કારણકે ખાનગી કોલેજો હાલ જુદી જુદી યુનિવર્સિટી સંલગ્ન છે.

ગુજરાતમાં દરેક યુનિવર્સિટી સંલગ્ન એજ્યુકેશન ફેકલ્ટી હેઠળ બી.એડ અભ્યાસક્રમ ચલાવાય છે અને દરેક યુનિ.સંલગ્ન સરકારી,ખાનગી બી.એડ કોલેજો આવેલી છે.રાજ્યની 350થી વધુ બી.એડ કોલેજોમાંથી ગુજરાત સરકારે રાજ્યની 39 જેટલી સરકારી-ગ્રાન્ટેડ (ડાયેટ) બી.એડ કોલેજો ટીચર્સ યુનિ.માં ભેળવી દીધી છે.પરંતુ ખાનગી કોલેજો હજુ પણ જે તે યુનિ.હેઠળ જ છે.

ટીચર્સ યુનિ.દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી બી.એડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.કલા ,સાહિત્ય અને વિજ્ઞાાનના સનવ્ય સાથે તૈયાર કરાયેલ આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં 16 સપ્તાહની ઈન્ટર્નશિપ મળશે.જેથી તાલીમાર્થી શિક્ષકોનો લાભ વિદ્યાર્થીઓને મળશે.

યુનિ.એ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નવો કોર્સ તો તાબડતોબ લાગુ કરી દીધો પરંતુ આ નવા કોર્સનેલીધે મુંઝવણો સાથે વિવાદ થવાની શક્યતા છે.કારણકે રાજ્યની અન્ય ખાનગી કોલેજોમાં જુનો અભ્યાસક્રમ ભણાવાશે.જેથી સરકારી અને ખાનગી બી.એડ કોલેજોના વિદ્યાર્થીઓ જુદો જુદો અભ્યાસક્રમ ભણશે.

એનસીટીઈ (કાઉન્સિલ) દ્વારા લાગુ છેલ્લે 2014માં નવા નોર્મ્સ સાથે નવો અભ્યાસક્રમ લાગુ કરવા ગાઈડલાઈન જાહેર થઈ હતી. કાઉન્સિલ દ્વારા હજુ સુધી નવા અભ્યાસક્રમ માટે અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવો કોર્સ લાગુ કરવા કોઈ જોગવાઈ લાગુ કરાઈ નથી કે પરિપત્ર થયો નથી.

જો કે યુનિવર્સિટીને નવી શિક્ષણ નીતિ હેઠળ હવે પુરી સત્તા પણ છે પોતાની રીતે અભ્યાસક્રમ તૈયાર કરવાની પરંતુ કાઉન્સિલની સ્પષ્ટતા વગર કે શિક્ષણ વિભાગની સૂચના વગર ઉતાવળે નવો કોર્સ લાગુ કરવાથી ખાનગી-સરકારી કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે મુંઝવણો થશે અને સમાન કોર્સને બદલે જુદા જુદા કોર્સ લાગુ થઈ જશે.

ભાજપમાંથી આવેલા કુલપતિ હોય તો યુનિ.ને ફાયદો થાય

પ્રથમવાર મુખ્યમંત્રી દ્વારા કોઈ કોર્સમાં નવા અભ્યાસક્રમનું લોન્ચિંગ કરવામા આવ્યુ છે.સરકારી ટીચર્સ યુનિ.દ્વારા બી.એડમાં અધ્યાપકો-તજજ્ઞાોના સૂચનો બાદ  નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે અને જે નવી શિક્ષણનીતિને અનુરૂપ છે ત્યારે મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામા આવ્યુ હતું. મહત્વનું છે કે ટીચર્સ યુનિ.ના હાલના કુલપતિ સીધા ભાજપ પાર્ટીમાંથી આવ્યા છે ત્યારે ભાજપમાંથી આવેલા કુલપતિનો આ ફાયદો છે કે મુખ્યમંત્રીના હસ્તે અને તેમની હાજરીમાં કાર્યક્રમ થઈ શકે.જ્યારે અન્ય યુનિ.ઓમાં મોટા ભાગે શિક્ષણમંત્રી જતા હોય છે અને મુખ્યમંત્રી કોઈ મોટો રાજ્યવ્યાપી કાર્યક્રમ હોય તો જ હાજરી આપતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here