ભારત માટે અમેરિકાના ઇનકમિંગ પ્રેસિડેન્ટ જો બાઇડેન નવા નથી. બરાક ઓબામાના કાર્યકાળમાં તેઓ બે ટર્મ માટે વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. હવે જ્યારે અમેરિકામાં ડેમોક્રેટ પ્રમુખ સત્તારૂઢ થવા જઈ રહ્યાં છે ત્યારે ભારત પર તેની કેવી અસર પડશે, H૧બી વિઝાથી માંડીને વેપાર અને ચીન સાથેના સંબંધો મુદ્દે અમેરિકાની નીતિઓમાં કેવા બદલાવ આવશે તેના પર ભારત સરકાર હાલ ચાંપતી નજર રાખી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો હવે ઘણા મજબૂત બની ચૂક્યાં છે તેથી તેના પર ઝાઝી અસર થાય તેમ નથી પરંતુ બાઇડેન કેમ્પના કેટલાક નેતાઓ ચીન પ્રત્યે કૂણું વલણ ધરાવે છે જે ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વેપારના મામલે વ્હાઇટ હાઉસમાં ગમે તે આવે પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે સમસ્યાઓ રહેવાની જ છે. એમ મનાય છે કે હવે H૧બી વિઝાનો દાયરો પણ અગાઉ જેવો રહેવાનો નથી. હા, બાઇડેનની સરકાર ભારતમાં થઈ રહેલા માનવ અધિકારના ઉલ્લંઘન, કાશ્મીર વિવાદ અને બહુમતીવાદના આરોપો મુદ્દે મુશ્કેલીઓ સર્જી શકે છે. બાઇડેનના ટોચના સલાહકાર એન્થની બ્લિન્કન કહી ચૂક્યાં છે કે ભારત વિના આપણે વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવી શકીએ નહીં. તેથી બાઇડેન સરકારમાં ભારતનું મંતવ્ય મહત્ત્વ મેળવે તેવી સંભાવના છે.
કમલા હેરિસનું ભારતીય મૂળ ભારતને લાભ કરાવશે?
બાઇડેનની સાથે ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ પદ તરફ આગળ વધી રહ્યાં છે. આ હોદ્દા પર ભારતીય મૂળની વ્યક્તિ હોવાના કારણે નીતિવિષયક નિર્ણયોમાં તેમની મહત્ત્વની ભૂમિકા ભારતને લાભ કરાવી શકે છે પરંતુ કમલા હેરિસ ભારત સાથે સંકળાયેલા મુદ્દાઓ પર કેવું વલણ અપનાવશે તેના પર બધો આધાર રહેલો છે.
બાઇડેનના સહયોગીઓનું ચીન પ્રત્યેનું વલણ ભારત માટે ચિંતાજનક
બાઇડેનની ટીમમાં ચીન પ્રત્યેના વલણ અંગે ભારે મતમતાંતર છે. જેના કારણે બાઇડેન સરકારની હવે પછી આવનારી નીતિઓ અમેરિકા-ભારત અને ભારત-ચીન વચ્ચેના સંબંધો પર અસર કરી શકે છે. બાઇડેનના કેટલાક સહયોગી ચીન સાથે ટ્રમ્પ જેવું વલણ જારી રાખવાની સલાહ આપે છે જ્યારે કેટલાક માને છે કે અમેરિકા અને ચીનના અર્થતંત્રને અલગ કરવા અશક્ય છે. રાષ્ટ્રીય સુરક્ષા અને મહત્ત્વની ટેક્નોલોજીના એરિયામાં બાઇડેન ચીન સામે પગલાં લે પરંતુ બીજા વેપારના મામલામાં છૂટછાટ પણ આપી શકે છે.
મોદી સરકારે બાઇડેન- હેરિસ યુગની તૈયારીઓ શરૂ કરી
અમેરિકામાં સત્તા પરિવર્તનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નવી બાઇડેન સરકાર સાથેના સંબંધો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરણજિતસિંહ સંધુએ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સાથે બેઠકો શરૂ કરી દીધી છે. ભારતીય દૂતાવાસ ભૂતકાળમાં ઓબામા સરકારમાં મહત્ત્વનુ સ્થાન ધરાવનાર વિવેક મૂર્તિ અને રાજ શાહ સાથે પણ મુલાકાતો કરી રહ્યું છે. ભારતીય મૂળના આ બંને નેતાએ બાઇડેનના ચૂંટણી પ્રચારમાં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. સંધુએ કમલા હેરિસ સહિત આફ્રિકન-અમેરિકન મૂળના સાંસદોના જૂથ બ્લેક કોક્સ સાથે પણ સંપર્કો વધારી દીધાં છે.