IPL :ચમકતા સિતારાઓ કરતા અજાણ્યા આગિયા ઝગમગે છે

0
96

– તેવટિયા, પડીક્કલ અને ઇશાન કિશન જેવા યુવા ખેલાડીઓનો દબદબો

– હોરાઈઝન- ભવેન કચ્છી

– કોહલી, ધોની અને રોહિત શર્મા પણ યુવા ખેલાડીઓ ‘લાઇમલાઇટ’માં આવી જતા દબાણ અનુભવે છે

– બેન્ચ સ્ટ્રેન્થ જેવા ખેલાડીઓ મોનિટરની ભૂમિકામાં…

આ ઇપીએલમાં રાજસ્થઆન રોયલ્સની કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ સુધી દેશના ક્રિકેટ ચાહકોએ રાહુલ તેવટિયાનું નામ સાંભળ્યું હતું ? સનરાઇઝર્સ હૈદ્રાબાદના દેવદત્ત પડીક્કલ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને વિશ્વના શોર્ટ ફોરમેટના ક્રિકેટમાં અગ્રક્રમે ગણના પામતા આરોન ફિન્ચ જોડે ઓપનિંગમાં ઉતર્યો ત્યારે ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું હતું કે આ પડીક્કલ વળી કયુ મોટું માથું છે કે તે ઓપનિંગમાં આવે અને તે પણ ફિન્ચ જેવા સાથે.

રાજસ્થાન રોયલ્સ તરફથી જ રમતો સંજુ સેમસન એવી તો છટાદાર બેટિંગ કરે છે કે સ્ટિવ સ્મિથ જેવા બેટ્સમેનને સામે છેડે તેનો ‘ક્લાસ’ બતાવવાનું દબાણ સર્જાય. સંજુ સેમસનની રમત જોઇની શેન વોર્ને પણ કહેવું પડયું કે ‘આ ખેલાડી ભારતની ટીમમાંથી કેમ નથી રમતો તેની નવાઈ લાગે છે.’

એમ તો મુંબઇ ઇન્ડિયનના કેપ્ટન રોહિત શર્મા કરતા ૨૨ વર્ષીય ઇશાન કિશન લાઈમ લાઈટમાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન કોહલીએ મુંબઇ ઇન્ડિયન્સ સામે સુપર ઓવર હરિયાણાના કરનાલમાં જન્મેલ નવદિપ સૈનીને આપી હતી. સૈનીએ સુપર ઓવરમાં પોલાર્ડ અને હાર્દિક પંડયાને સાત રન જ કરવા દીધા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં ધોની, ડુપ્લેસિસ, જાધવ, રાયડુ, જાડેજા, વોટસન, હેઝલવુડ, ચાવલા, સામ કરન, એન્ગીડી જેવા ખેલાડીઓ છે પણ કેપ્ટન ધોની આગ્રામાં જન્મેલા દિપક ચાહરને મહત્તા સમજતાં થઇ ગયો છે.

તેવી જ રીતે દિલ્હીની ટીમમાં અનુભવી સિનિયરોની સાથે પૃથ્વી શો, આર.અશ્વિન ઝળકે નહી તો ટીમ પર હારી જવાનું દબાણ સર્જાય છે. વિકેટકિપર બેટ્સમેન સેમસન અને ઇશાન કિશન જે રીતે ધમાકેદાર બેટિંગ બતાવી ચૂક્યા છે તે જોઇને દિલ્હી કેપિટલનો ઋષભ પંત પણ દબાણ હેઠળ આવી ગયો છે. જ્યારે રિધ્ધીમાન સહા તો આ યુવા ત્રિપુટી સામે ઢંકાઈ જ ગયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૈની અને શિવમ દૂબે હવે મેચ વિનિંગ ટીમના અનિવાર્ય અંગ બની ગયા છે. વોશિંગ્ટન સુંદર હજુ ૨૦ વર્ષનો જ છે. કોહલીને આઈપીએલ ચેમ્પિયન કેપ્ટન બનવું હશે તો સૈની, દુબે અને સુંદર પર આધાર રાખવો પડશે.

મુંબઇ ઇન્ડિયનમાં ઇશાન કિશન અને ગંગાનગર, રાજસ્થાનમાં જન્મેલ ૨૧ વર્ષીય લેગ સ્પિનર રાહુલ ચાહરની અહમ ભૂમિકા રહી છે.

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં જેની ચાર ઓવર સૌથી નિર્ણાયક ગણાય છે તે રવિ બિશ્નોઇ જોધપુરનો છે અને તેની વય માત્ર ૨૦ વર્ષની જ છે. તે જમણેરી લેગ સ્પિનર છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે દિનેશ કાર્તિક, રસેલ, મોર્ગન, નારાયણ, કમિન્સ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર હોવા છતા નોઇડાના ૨૧ વર્ષિય શિવમ માવી જેવા ઓલરાઉન્ડરના ખભા પર મેચની નિર્ણાયકતા નાંખી દેવી પડે છે. તે જમણેરી મિડિયમ પેસર અને આક્રમક બેટ્સમેન છે. તેવી જ રીતે શુભમન ગીલ પણ હજુ ૨૧ વર્ષનો જ છે. પંજાબના ફઝિલ્કા જેવા નાના ગામમાંથી તે આવે છે.

મેરઠમાં જન્મેલ અને સનરાઇઝર હૈદ્રાબાદ તરફથી રમતો પ્રિયમ ગર્ગ તો હજુ ૧૯ વર્ષનો જ છે અને ધરખમ બેટ્સમેન છે. ગીલ અને ગર્ગ ભારતની ભાવિ ટીમના કોહલી અને રોહિત શર્મા બનવાના ખ્વાબ સાથે રમે છે.

આ વખતની આઈપીએલની આઠેય ટીમના આ એવા ખેલાડીઓ છે જેઓ આઈપીએલનો પ્રારંભ થયો ત્યારે આઈપીએલની ઇંતેજારી કે ટીવી પર મેચ જોવા માટેનું કારણ નહતા. ચાહકોની વાત જવા દો પ્રત્યેક ફ્રેન્ચાઇઝીના માલિકો અને કોચ, કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે પણ ઇલેવનમાં ભારતના સાત ખેલાડીઓ રાખવાના હોય તેથી બે-ત્રણ તો ઓછા અનુભવી અને યુવા સમાવવા પડે તે રીતે સ્થાન આપ્યું હોય. ટેલેન્ટ ચોક્કસ હોય, પણ તેઓ આ હદે પ્રત્યેક ટીમ માટે મેચ અને હવે ચેમ્પિયન બનવા માટે ટર્નિંગ પોઇન્ટ સમાન મહત્ત્વની ભુમિકા ભજવશે તેની કોઇએ કલ્પના નહોતી કરી.

આઈપીએલનું આકર્ષણ અને જીત માટે તો કોહલી, ધોની, રોહિત શર્મા, ચહલ, ઇશાંત શર્મા, રાયડુ, ઉથપ્પા, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મુરલી વિજય, રવીન્દ્ર જાડેજા, શિખર ધવન, ઉમેશ યાદવ, કુલદિપ યાદવ, હાર્દિક પંડયા, બૂમરાહ, કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ઉનડકટ જેવા ભારતના સિનિયરોએ તેમની ભૂમિકા ભજવી જ છે પણ આપણે જે યુવા ખેલાડીઓની યાદી આપી તેઓ આઈપીએલમાં આ વખતે વધુ છવાઈ જતો દેખાવ કરીને મેચ વિનર બન્યા છે. તેઓને ભાગે આવતી ચાર ઓવર કે બેટિંગમાં મળતી તકથી ક્રિકેટ વિશ્વ અને ભૂતપૂર્વ ક્રિકેટરો અભિભૂત થઇ ગયું છે.

હજુ પણ પ્રત્યેક ટીમની બેન્ચ સ્ટ્રેન્થમાં આવા યુવા ખેલાડીઓ છે જેઓ ભારતના દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકાતા અને ચેન્નાઇ જેવા મેટ્રો શહેરોમાંથી નથી આવતા. ધોનીએ ઝારખંડમાંથી આગળ આવીને ભારતીય ક્રિકેટન લેજન્ડ બનીને તેના પછીની ટેલેન્ટેડ યુવા પેઢીમાં તેવા આત્મવિશ્વાસના આંદોલનની આબોહવા સર્જી છે કે તમારામાં જોરદાર પ્રતિભા, જુસ્સો, લગાવ અને સખત મહેનત કરવાની તાકાત હશે તો તમે નાના અંતરિયાળ ગામમાંથી આગળ આવીને પણ તમારી ભારતમાં જ નહીં વિશ્વમાં અગ્રહરોળમાં જગા બનાવી શકશો. માત્ર ક્રિકેટમાં જ નહીં તમામ રમતોમાં અને ફિલ્મ- કલા, પરફોર્મિંગ ક્ષેત્રે હવે મેટ્રો કે શ્રીમંતોના સંતાનોની જ ઇજારાશાહી નથી રહી. આઈએએસ અને આઈઆઈટીમાં પણ ગામડાના કે મૂળભૂત સુવિધાઓથી વંચિતોના સંતાનો નામ કાઢી રહ્યા છે.

આપણને એમ લાગે કે ધોની, કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા જેવા જે ૧૫-૨૦ ખેલાડીઓની યાદી આપી છે અને જેઓ ભારતીય ક્રિકેટમાં હીરો છે. તેઓને આઈપીએલમાં આ અને હજુ ભારતની ટીમમાં સ્થાન મેળવવાની નજીકના ભવિષ્યમાં કોઈ શક્યતા નથી. તેવા કોઇ ખેલાડીઓના ધમાકેદાર દેખાવથી માનસિક દબાણ સર્જાય ખરૂ ? તો તેનો જવાબ હા છે.

ભલે ધોની, કોહલી, રોહિત શર્મા કે અન્ય આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ક્રિકેટના આકાશમાં ખૂબ આંબી ન શકાય તેવા ઊંચાઈએ ચમકતા હોય પણ કરોડો ક્રિકેટ ચાહકો, કોર્પોરેટ જગત મીડિયા, વિવેચકો, ફ્રેન્ચાઇઝીસ અને જાહેરખબરકારો રોજેરોજ રમાતી મેચમાં કોણ હીરો બને છે, કોણ ખરા સમયે ટેબલ ટર્ન કરતી બેટિંગ કે બોલિંગ કરી તેનાથી જ આફ્રિન થતા હોય છે. અજાણ્યા યુવા ક્રિકેટરો હજુ પણ નિષ્ફળ જાય તો ચાહકોને વાંધો નથી હોતો પણ તેઓ મેચ જીતાડવામાં સિનિયરો કરતા વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે તો સિનિયરો એક પ્રકારની મનોમન ઝાંખપ અનુભવે છે.

તેઓને છ કરોડથી તેર કરોડ રૂપિયા આપીને ખરીદાયા હોય છે અને જેઓ ઓછા જાણીતા અને યુવા ક્રિકેટરો છે અને આ વખતે છવાઈ ગયા છે તેઓ ૫૦ લાખથી ૩ કરોડ રૂપિયામાં ખરીદાયા છે. હા, ઇશાન કિશન છ કરોડ રૂપિયા છ કરોડ રૂપિયા મેળવી શક્યો છે. મેચ જીતાડે આ યુવા ક્રિકેટરો અને આઈપીેલના આઈકોન ખાસ ઉકાળે નહીં તેવું બને. બુમરાહ, હાર્દિક પંડયા, જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, કુલદિપ યાદવ, દિનેશ કાર્તિક તેની રીતનું દબાણ અનુભવશે.

ધોની વર્લ્ડ કપ ટી-૨૦ રમવાનો હતો અને ૧૫ ઓગસ્ટે તેણે અચાનક નિવૃત્તિ જાહેર કરી ત્યારે ક્રિકેટ ચાહકોને લાગતું હતું કે ધોનીને હજુ એક વર્ષ રાહ જોવાની ક્રિકેટ બોર્ડે જ વિનંતી કરવી જોઇએ. પણ આઈપીએલમાં પંત, સેમસન અને ઇશાન કિશનને જેવા વિકેટ કિપર બેટ્સમેનને જોઇને આપણે માનવું પડે કે ટી-૨૦ વર્લ્ડ કપમાં હવે યુવા તરવરાટની જરૂર છે.

ધોનીની નહીં. તેવી જ રીતે આઈપીએલ  ભારતની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત છે તેમ માનનારા સ્થાપિત ખેલાડીઓને દબાણ હેઠળ લાવી દેનારી પરવાર થઇ રહી છે.

પડીક્કલ, તેવટિયા, દૂબે, ચાહર, સૈની, ઇશાન, સેમસન, પંત, સુંદર, ગર્ગ, ગીલ, અને બીજા અડધો ડઝન ખેલાડીઓ છે જેઓ અંડર-૨૫ છે.

ફ્રેન્ચાઇઝીઓ ગણતરી કરતા જ હોય છે કે તેમની ટીમના ખેલાડીઓના રન અને વિકેટ તેઆને કેટલામાં પડી. તેવી જ રીતે જાહેરખબરકારો પણ જે રાતોરાત છવાઈ જાય તેવા યુવા ક્રિકેટરો તરફ આકર્ષાય અને તેની અસર પગ જમાવી ચૂકેલા ખેલાડીઓ પર થવાની જ. આમ આઈપીએલ ‘ગ્રેટ લેવલ’ છે.

કોહલી, ધોની કે રોહિત શર્મા આઇપીએલના આઇકોન ખેલાડીઓ છે તેમની ટીમ જીતે તે તેઓને ખુશી ચોકકસ આપે પણ દેશના ક્રિકેટ ચાહક અને જાહેરખબરકારોની અપેક્ષા હોય કે તેઓ તેમના બેટિંગ પ્રદર્શનથી તેમની ટીમને જીતાડે, તેઓ મેજિકલ ઇનિંગ રમી બતાવે. કોહલીની જગ્યાએ અત્યારે ડી’વીલીયર્સ પુરવાર કરે છે કે તે તમામ ફોરમેટનો તે સંપૂર્ણ અને ચડિયાતો ક્રિકેટર છે. ખુદ કોહલીએ ખેલદિલી વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું ડી’વીલીયર્સની જેમ બોલ ફટકારી શકતો હોત તો.’

ધોનીએ આ આઇપીએલમાં એવું પુરવાર કરવાનું છે કે, હજુ તેનામાં ભારતની ટીમમાંસ્થાન આપવું જ પડે તેવી ક્ષમતા રહેલી છે. આ લખાય છે ત્યાં સુધી તો એવું લાગે છે કે ધોનીએ નિવૃતતિ લીધી તે યોગ્ય જ છે. રોહિત શર્માનું પણ વજનદાર નામ અને દામ છે. હાર્દિક પંડયા પણ ‘સેન્સેશનલ ક્રિકેટર’ તરીકે આશા ઉભી કરીને ભારતીય અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં છે. રવીન્દ્ર જાડેજા પણ દબાણ હેઠળ હશે જ તેવો તેનો દેખાવ રહ્યો છે.

કોહલી, ધોની અને રોહિત શર્મા રૂા. ૧૫- ૧૫ કરોડ મેળવે છે. પ્રત્યેક ઓવર પછી આવતી જાહેરાતોમાં તેઓ દેખા દે છે. મેચ જીતાડે અજાણ્યા, ઓછા અનુભવી, સસ્તા અને યુવા ખેલાડીઓ અને તે જ વખતે સ્ક્રીન પર આવે ફ્લોપ કે મેચ વિનિંગમાં રૂપાંતર ના થતી હોય તેવા મોટા ગજાના ખેલાડીઓની જાહેરાતો. આવી જાહેરાતો દર્શકોને આકર્ષી નથી શકતી.

આ વખતના આઇપીએલના યુવા ખેલાડીઓ માટે સોનેરી તક એ છે કે હવ પછીની આઇપીએલ માર્ચ ૨૦૨૧માં જ રમાનાર છે અને ૨૦૨૧માં જ ઓક્ટોબરમાં ભારતમાં ટી-૨૦નો વર્લ્ડકપ છે.

ટી-૨૦ના વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટે યુવા ખેલાડીઓને ઉત્તમ તક છે તો બીજી તરફ નુકસાન એ છે કે જે ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીઓની ખરીદી- હરાજી હવે છેક ૨૦૨૨માં થશે એટલે આ કે ૨૦૨૧ની આઇપીએલમાં જોરદાર પ્રભાવ પાડનાર અને સસ્તામાં ખરીદાયેલા યુવા ખેલાડીઓને ઉંચા ભાવનો ફાયદો નહી મળે.

કે. એલ. રાહુલ બહુ ઝડપથી રોહિત શર્માની નજીક ઉભો રહી જશે. શ્રેયસ ઐયર, ગીલ અને મનિષ પાંડે પણ દમદાર છે. નવાઈની વાત એ છે કે, આઇપીએલ જેવી ટી-૨૦ લીગનું કલ્ચર છે છતાં અને આ હદે ‘હાઇપ’, મિડિયા સપોર્ટ, કરોડોની કમાણી છતાં ભારત ટી-૨૦નો વર્લ્ડકપ છેક ૨૦૦૭માં એક જ વખત જીત્યું છે અને વન-ડેનો વર્લ્ડકપ ૪૫ વર્ષના ઇતિહાસમાં બે વખત. નામ બડે ઓર દર્શન ખોટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here